SURAT

સુરત: પુત્રના મોત અંગેના કાગળો માટે માતા નવી સિવિલ હોસ્પિટલ અને પોલીસ મથકે ધક્કા ખાઇ રહી છે

સુરત : પાંડેસરામાં મનપાની (SMC) કચરા ગાડીની ટક્કરથી 6 વર્ષિય બાળકને જમણા પગે ગંભીર ઇજા થઇ હતી. બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) ખસેડાયો હતો. જ્યાં ગત 20 ઓક્ટોબરના રોજ બાળકનું મોત (Death) નિપજ્યું હતું. આ પ્રકરણમાં હોસ્પિટલના બેદરકાર તબીબોએ પોલીસને (Police) જાણ કર્યા વગર તેમજ પોસ્ટ મોર્ટમ (PM) વગર જ બાળકનો મૃતદેહ તેના પરિવારને (Family) સોંપી દીધો હતો. પરિવારે બાળકની અંતિમ વિધી પણ કરી દીધી હતી. જોકે હવે કચરા ગાડીના ચાલક સામે ગુનો નોંધાવવા માટે મૃતકની માતા પોલીસ સ્ટેશન અને નવી સિવિલ હોસ્પિટલના ધક્કા ખાઇ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાંડેસરાની કર્મયાગી સોસાયટી વિભાગ-3માં રહેતા અને ડાઇંગ મીલમાં કામ કરતા રાજમણી સિંગના પુત્ર રિતીક (ઉ.વ.6)ને ગત 7 ઓક્ટોબરે અકસ્માત નડ્યો હતો. રાજમણી સિંગ અને તેની પત્ની નોકરી ઉપર હતા. તે સમયે ઘર નજીક રમી રહેલા રિતીકને મનપાની કચરા ગાડીના ચાલકે ટક્કર મારતા રિતીકને જમણા પગમાં ગંભીર ઇજા થઇ હતી. તેને તાત્કાલિક સારવાર માટે 108માં નવી સિવિલ લઇ જવાયો હતો. આ અકસ્માતના બનાવ અંગે નવી સિવિલમાં તબીબોએ પોલીસને જાણ કરી ન હતી. રિતીકનું નવી સિવિલ હોસ્પિટલમાં ગઇ 20 ઓક્ટોબરે મોત થયું હતું. રિતીક મોતને ભેટ્યો હોવા છતાં પણ બેદરકાર તબીબોઓ પોલીસને જાણ કરી ન હતી કે બાળકનું પોસ્ટ મોર્ટમ પણ કર્યું ન હતું. રિતીકના મોત અંગેની કોઇપણ કાર્યવાહી નહીં કરી ડોક્ટરોએ રિતીકના મૃતદેહને પરિવારને સોંપી દીધો હતો. પરિવારજનો કાયદાકીય પ્રક્રિયાથી અજાણ હોય રિતીકની અંતિમ વિધી પણ કરી દીધી હતી.

આ પ્રકરણમાં હવે મૃતક રિતીકની માતા પુત્રને ન્યાય મળે તે માટે અકસ્માત કરનાર પાલિકાની કચરા ગાડીના ડ્રાઇવર સામે પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચતા તેને નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવાઇ હતી. રિતીકની માતા રેખા કાયદાથી અજાણ હોય પુત્રના મોત અંગેના કાગળો માટે નવી સિવિલ હોસ્પિટલ અને પોલીસ મથકે ધક્કા ખાઇ રહી છે.

Most Popular

To Top