ચલથાણમાં ગટર સાફ કરવા ઊતરેલા સાળા-બનેવીનાં ગૂંગળાઈ જવાથી મોત

પલસાણા: પલસાણાના (Palsana) ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની (Hospital) સામે એક કોમ્પ્લેક્સના ઓટીએસમાં આવેલા સંડાસ બાથરૂમની ગટર સફાઈ કરવા સાળા-બનેવી ગટરમાં ઊતર્યા હતા, જ્યાં તેઓ ગૂંગળાઈ (Suffocation) બેભાન થઈ પડ્યા હતા. તેમને સારવાર અર્થે ખસેડવામાં આવતાં મૃત (Death) જાહેર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના ચલથાણમાં સંજીવની હોસ્પિટલની સામે ને.હા.નં.48ને અડીને આવેલા સત્યમ કોમ્પ્લેક્સની વચ્ચે બનાવેલા ઓ.ટી.એસ. બિલ્ડિંગની સંડાસ બાથરૂમની મુખ્ય ગટર આવેલી છે. જે થોડા થોડા દિવસોમા સફાઈ કરવા માટે બિલ્ડર બહારથી મજૂર મંગાવી સફાઈ કરાવે છે. ગત સોમવારે મોડી સાંજે આ ગટર સફાઈ માટે બિલ્ડરે પ્રમોદ રાજુ તેજી (ઉં.વ.30)(રહે., G-1 સનસિટી, ચલથાણ, મૂળ-કાલવાબારા, તા.મકરાણા, જિ.નાગોર, રાજસ્થાન) અને તેનો કાકાનો જમાઈ વિશાલ નામદેવ પોળ (ઉં.વ.38) (રહે., રામકબીર સોસાયટીની પાછળ, કેતન પટેલના મકાનમાં)ને બોલાવ્યા હતા. બિલ્ડિંગમાં સંડાસ-બાથરૂમની ગટર સાફ કરવા કેમિકલ રેડતાં ધુમાડો શ્વાસમાં જતાં મોત થયું હતું.

મોડી સાંજે 7:30 વાગ્યાના અરસામાં બંને આવ્યા અને સફાઈ માટે જરૂરી કેમિકલનો ડબ્બો અને સળિયો લઈ ઓ.ટી.એસ.માં રહેલી ગટરની સફાઈ કરવા ઊતર્યા હતા. આ ગટરમાં ગૂંગળામણને કારણે બને સફાઈકર્મી ગૂંગળાઈ બેભાન થઇ ઢળી પડ્યા હતા. આ બંને વ્યક્તિને બિલ્ડર તેમજ સફાઈકર્મીના સગા 108ની મદદથી પલસાણા ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવતાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે કડોદરા પોલીસે મૃતકના કાકા ટેકચંદ તેજી પાસેથી ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લામાં કોરોનાની વણસતી સ્થિતિ, નવા 423 કેસ, 3ના મોત
સુરત જિલ્લામાં કોરોનાના ગતિ દિનપ્રતિદિન તેજ બની છે. વિતેલા ચોવીસ કલાકમાં સુરત જિલ્લામાં કોરોનામાં 3 મોત સાથે નવા 423 પોઝિટિવ કેસ નોંધાયા છે.

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે. વિતેલા ચોવીસ કલાકમાં સુરત જિલ્લામાં કોરોનામાં 3 મોત થયા છે. જેમાં માંડવી નગરમાં એક વૃદ્ધ તેમજ એક વૃદ્ધાનું મોત થયું છે. તેવી જ રીતે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં પણ કરચેલીયાની એક આધેડ મહિલાનું કોરોનામાં મોત થયું છે. આ સાથે સુરત જિલ્લામાં કોરોનામાં મરણાંક 497 થયો છે. સુરત જિલ્લામાં પોઝિટિવ કેસની વાત કરીએ તો ચોર્યાસી તાલુકામાં 41, ઓલપાડમાં 77, કામરેજમાં 70, પલસાણામાં 37, બારડોલીમાં 56, મહુવામાં 18, માંડવીમાં 59 તેમજ માંગરોલમાં 57 અને ઉમરપાડામાં 8 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. સુરત જિલ્લામાં આ સાથે કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 35323 થઇ છે. જિલ્લામાં કુલ ડિસ્ચાર્જ પેશન્ટની સંખ્યા 32845 થઇ છે. વિતેલા ચોવીસ કલાકમાં 266 પેશન્ટને રજા અપાઇ છે. હાલ જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1981 થઇ છે.

Most Popular

To Top