Dakshin Gujarat Main

કામરેજમાં બાઇક અથડાતાં કાર સળગી અને બે યુવાનોના મોત થયા

કામરેજ: કામરેજના વાવ-જોખા રોડ પર જોખા રોડ પર ગુરુવારે રાત્રે કાર (Car) લઈને જતાં વાવ ગામના યુવાનની સાથે સામે પૂરપાટ બાઇક (Bike) પર આવતાં બે ઈસમે કાર સાથે બાઇક અથડાવતાં (Accident) કારમાં આગ (Fire) લાગી ગઈ હતી. અકસ્માત થતાં બાઇકસવાર ચાલકનું ઘટના સ્થળે જ મોત (Death) નીપજ્યું હતું. જ્યારે બીજા ઈસમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

કામરેજના વાવ ગામે શ્રીજી રો હાઉસમાં મકાન નં.239માં શૈલેષ દીપક મિસ્ત્રી (ઉં.વ.31) રહે છે. જે સી.સી.ટીવી કેમેરાનું કામ કરે છે. ગુરુવારે રાત્રિના બારડોલી ખાતે માતાને ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું હોવાથી હોસ્પિટલમાંથી રજા આપવાના હોવાથી પોતાની મારુતિ અલ્ટો કાર નં.(જીજે 05 આરબી 6167) લઈ સાંજે આશરે 6.45 કલાકે પોતાની કાર લઈને માતા તેમજ પત્નીને લેવા માટે બારડોલી જવા માટે વાવ-જોખા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે 7 કલાકે જોખા તરફ પૂરઝડપે યામાહા એફઝેડ બાઇક નં.(જીજે 05 એમઈ 0105) પર સવાર ચાલક રમેશ ઉર્ફે રામુ ગુલાબ મિસ્ત્રી (ઉં.વ.30) (રહે.,228 વલ્લભનગર સોસાયટી, પુણા ગામ)એ કારની સાથે ધડાકાભેર બાઇક અથડાવી દેતાં બાઇક પર પાછળ બેસેલો સાગર વિષ્ણુભાઈ શેટ્ટી(ઉં.વ.31) પણ રોડની બાજુમાં પટકાયો હતો. જ્યારે બાઇકચાલક કારના આગળના ભાગે પડતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

કાર અને બાઇક અથડાતાં કારમાં આગ લાગી જતાં કારચાલક શૈલેષ મિસ્ત્રી હેમખેમ પોતાનો જીવ બચાવવા ડ્રાઈવરની બાજુની સીટ પરથી બહાર આવ્યો હતો. જોતજોતામાં કાર આખી બળી જતાં કારની બાજુમાં પડેલા રમેશનો મૃતદેહ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો. આ ઘટનાની જાણ કામરેજ ઈઆરસીની ટીમને થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી કરવામાં આવી હતી. રાત્રિના 11.30 કલાકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાગરનું પણ મોત નીપજ્યું હતું. જે અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇકના આગળના વ્હીલના મેકવીલના ટૂકડે ટૂકડા થઈ ગયા હતા.

આ ઘટના બનતાં જોખા અને વાવના ગામ લોકો મદદે દોડી આવ્યા હતા. સળગી ગયેલી કાર પણ રોડની વચ્ચે પડેલી હોવાથી રાત્રિના કોઈ અન્ય વાહનચાલક અકસ્માતનો ભોગ ન બને એ માટે કારને રોડની સાઈડમાં પણ લઈ લેવામાં આવી હતી.

રૂ,20 હજાર પણ આગમાં બળીને ખાખ
કારમાં સવાર શૈલેષ મિસ્ત્રી માતાને હોસ્પિટલમાંથી રજા આપી દેવાના હોવાથી રોકડા રૂપિયા 20,000 લઈને જઈ રહ્યો હતો. જે રૂપિયા કારમાં મૂકેલા હતા, તે પણ કારની સાથે બળીને રાખ થઈ ગયા હતા. મોબાઈલ પણ બળી ગયો હતો.

Most Popular

To Top