Business

પ્રિય સન્નારી

કેમ છો?
ગણપતિ બાપાની પધરામણી આપણાં સઘળાં વિઘ્નો ટાળે એવી અભ્યર્થના… કોરોના પછી લાંબે ગાળે આ જાહેર ઉત્સવની ઉજવણી થઇ રહી છે તેથી લોકોમાં ઉત્સાહ છે. પ્રતિમા, મંડપ અને અન્ય ખર્ચો વધ્યાં હોવા છતાં માહોલ પર એની ખાસ અસર જણાતી નથી. ડેકોરેશન અને થીમમાં પણ વૈવિધ્ય દેખાય છે. આબાલવૃદ્ધ સહુને જોડતાં આ ઉત્સવની ઉજવણીમાં અતિરેક ન થાય એ જોવાની આપણી ફરજ છે. પર્યાવરણ અને આપણું સ્વાસ્થ્ય બંનેને નુકસાન ન થાય એટલી સાવધાની તો રાખવી જ પડશે. નાની અને ઇકોફ્રેન્ડલી ગણેશપ્રતિમા દ્વારા વિસર્જન પણ સરળતાથી થઇ શકશે. આમેય નદી અને દરિયામાં પાણી ઓછાં છે. મોટી પ્રતિમાઓ અડધી બહાર રહે, ખંડિત થાય અને અજ્ઞાની લોકો એને જેમ-તેમ ફેંકી દે એ ગણેશજીનું અપમાન છે. ભગવાનનાં અનાદર અને અપમાન દ્વારા આપણે આપણી બેદરકારીને પ્રદર્શિત કરીએ છીએ. પ્લીઝ… આ વખતે આવી મૂર્ખામીથી બચીએ.

સન્નારીઓ, ગત સપ્તાહે ટી. વી સ્ટાર સિદ્ધાર્થ શુકલાનું હાર્ટએટેકથી 40 વર્ષની ઉંમરે મૃત્યુ થયું. ફીટનેસ, સકસેસ અને પ્રેમ બધું હોવા છતાં કોઇ સ્ટ્રેસને કારણે અકાળે મોત આવી ગયું. નાની ઉંમરે મરનારા સફળ લોકોની સંખ્યા વધતી જાય છે. એનું મહત્ત્વનું કારણ એ છે કે આજે આપણે સકસેસને જ જીવન ગણી લીધું છે પરંતુ પ્રેમ, હાર, દુ:ખ, પીડા, દોસ્તી અને લગ્નની જેમ જીત પણ જીવનનો એક ભાગ છે. એ ભાગ ખોટકાય તો બીજા ભાગનો સહારો લઇને જીવન જીવવું પડે. વળી, આજે જીતવું જ જરૂરી નથી. એ જીતનું સાતત્ય પણ ટકાવી રાખવું પડે છે. નંબર-1ની લડાઈ ભલભલા મજબૂત માણસને તોડી નાંખે.

જેમ સ્પોર્ટસમાં કોઇ ખેલાડી હંમેશા નંબર-1 નથી રહેતો કે એનું પર્ફોર્મન્સ હંમેશાં સરખું નથી રહેતું એ જ રીતે જીવનના મેદાનમાં કોઇ પણ વ્યક્તિનો પર્ફોર્મન્સ સરખો નથી રહેવાનો. દિલ ફાડીને પ્રેમ કરનાર વ્યક્તિ અહીં ગદ્દારી કરી શકે અને કરોડપતિ રોડ પતી બની શકે. કયારેય વ્યસન ન કરનારને કેન્સર આવી શકે અને પગ લથડી જાય એટલું પીનાર અલમસ્ત હોય શકે. દરેકની જિંદગીનું પોતાનું ગણિત છે અને પોતાના દાખલાઓ છે એના સરવાળા કયારે ગુણાકારમાં અને કયારે બાદબાકીમાં પલટાય એ કહેવાય નહીં. તેથી કર્મ કરવું, એ કર્મ કરવાની આખી પ્રક્રિયાને એન્જોય કરવી અને જો પરિણામ ગમતું આવે તો એને સ્વીકારવું અને ન ગમતું આવે તો ફરી કર્મ કરવું એ જ ઓપ્શન આપણી પાસે છે. હાર મળે તો રડી લેવું પણ એ હારને એટલી વજનદાર ન બનાવવી કે જેથી હાર્ટ બેસી જાય.

આજની પેઢી એમની ઇચ્છિત વસ્તુ મેળવી લીધા પછી પણ ખુશ નથી રહેતી કારણ કે જે મળ્યું છે એના આનંદ કરતાં જે નથી મળ્યું એની ચિંતા, એનો અસંતોષ એમને પીડે છે. વળી જીવનનો આનંદ નિરપેક્ષ-પોતાનો હોવો જોઈએ. કોઇ આપણાથી વધારે આગળ વધે એનાથી આપણી ઊંઘ શા માટે હરામ થવી જોઈએ? આપણને આપણી મંઝિલ મળી ગઇ. ઇટ્સ ઓકે. બીજા દૂર જાય એમાં અંદરથી સળગવાની કે વીલાવાની શી જરૂર? આજકાલ તો લાઈક્સ, કમેન્ટસ અને ફોલોઅર્સના આંકડાની સરખામણી ભલભલા સેલિબ્રિટીઝને ડિપ્રેશનમાં લાવી દે છે. આપણી સ્ટ્રેસનું મહત્ત્વનું કારણ મહત્ત્વાકાંક્ષા કે હાર નથી પરંતુ આપણે બીજાથી પ્રેમમાં, પૈસામાં કે પ્રતિષ્ઠામાં પાછળ રહી જઇએ એ છે. આજે દરેક વ્યક્તિ પર, ખાસ કરીને યુવાનો પર આગળ વધવાનું, જીતવાનું, સુંદર દેખાવાનું, સોશ્યલ મીડિયા પર છવાઈ જવાનું અને કંઇક હટકે બનવાનું પ્રેશર છે.

કંઇક અંશે સમય સાથે ચાલવા એ જરૂરી હશે પરંતુ આ બધું જ આપણાં આનંદ અને જીવન કરતાં મહત્ત્વનું નથી. દુનિયા માત્ર મહાન લોકોથી નથી ચાલતી. સામાન્ય લોકોની અસામાન્યતાથી ચાલે છે. આપણી ચાદર પ્રમાણે પગ લંબાવીએ. આપણી તાકાત પ્રમાણે મહત્ત્વાકાંક્ષા રાખીએ, તનતોડ મહેનત કરીએ પરંતુ કોઇ એક હાર, કોઇ એક વ્યક્તિની બેવફાઇ કે કોઇ રીજેકશન આપણને તોડી નાંખે એટલા તકલાદી ન બનીએ. જીતવા જેટલું જ મહત્ત્વનું જીવવાનું છે. જીવવાનું આપણા હાથમાં છે અને જીતવાનું બીજાં હજાર પરિબળો પર આધારિત છે તો પહેલાં જીવતાં શીખીએ. આનંદ છલકાઈ ઊઠે એવું જીવીએ. જીત પાછળ પાછળ આવશે. પણ એમાં સ્ટ્રેસ કે સરખામણી નહીં હોય. પોતીકો આનંદ હશે.
– સંપાદક

Most Popular

To Top