Business

પ્રિય સન્નારી

કેમ છો?
હેપ્પી જન્માષ્ટમી.
શ્રાવણ મહિનામાં વરસાદની સાથે ધર્મની ધારામાં પણ આપ સહુ ભીંજાતાં રહો એવી શુભેચ્છાઓ….કૃષ્ણ એટલે આબાલવૃદ્ધ સહુના પ્યારા ભગવાન… મધુસૂદન, વાંસળીવાદક, પુરુષોત્તમ, વાસુદેવ કે દેવકીનંદન, એના જીવનકર્મની જેટલી વિવિધતા છે  એટલી અન્ય કોઇ ભગવાનની નથી. આપણાં શાસ્ત્રો મુજબ 33 કરોડ દેવી-દેવતાઓ છે પણ એમાં કૃષ્ણની વાત ન્યારી છે. કોઇને બાળકૃષ્ણ વ્હાલો છે તો કોઈને દ્રૌપદીનાં ચીર પૂરનાર સંરક્ષક કૃષ્ણ ગમે છે. કોઇને રાક્ષસોનો નાશ કરનાર બહાદુર કૃષ્ણ પ્રિય છે તો કોઇનું મન કુરુક્ષેત્રમાં ગીતાનો ઉપદેશ આપનાર યોગેશ્વર કૃષ્ણે મોહ્યું છે. કૃષ્ણનાં વ્યક્તિત્વ અને ગુણોની એટલી બધી વિવિધતા છે કે દરેકને પોતાની પસંદગીનો ભગવાન એમનામાંથી મળી રહે છે.

સન્નારીઓ, આપણે સહુ કૃષ્ણના દિવાના છીએ… પરંતુ એમના જીવનના એક અંશના સોમા ભાગને પણ આપણે ફોલો નથી કરતાં. કૃષ્ણે કહ્યું કે ફળની અપેક્ષા વિના કર્મ કરતા રહો. પરિણામની ચિંતા વિના કર્મની જર્નીને એન્જોય કરો. આજે આપણે ત્યાં ઊલટી ગંગા વહે છે. એક તો આપણને કામ કરવું ગમતું નથી અને કામ કરીએ તો પહેલાં એનાં લાભ-નુકસાનની ગણતરી માંડીએ. ‘લાલો લાભ વિના ન લોટે’ એમ આપણે આપણાં સ્વાર્થ અને ગણતરી વિના કામ કરતા નથી. નવા મોટીવેશનલ ગુરુઓ આપણને પહેલા રિઝલ્ટને ટાર્ગેટ કરતાં શીખવે છે. રિઝલ્ટમાં જરા પણ ગરબડ આવવાની સંભાવના જણાય તો મહેનતની દિશા ચેઇન્જ થઇ જાય. ફળની અપેક્ષા વિના જયારે કાર્ય થાય છે ત્યારે એમાં ડર નથી હોતો, લાલચ નથી હોતી તેથી સો ટકા કર્મમાં ઈન્વોલ્વમેન્ટ આવે છે, એને એન્જોય કરાય છે. દરેક નાનું કામ યોગની કક્ષા પામે છે અને યોગની કક્ષા પામેલું કર્મ નિષ્ફળ કઇ રીતે નીવડે?

સન્નારીઓ, કૃષ્ણ આપણને આજમાં જીવતાં શીખવે છે. ભવિષ્યનાં સપનાં જુઓ પણ એની ચિંતા કર્યા વિના જીવો આજમાં… જે આજમાં જીવે છે તે માનિસક પૂર્ણતા પામે છે અને જેતે ક્ષણને ન્યાય આપે છે. કૃષ્ણને ભવિષ્યમાં બનનારી તમામ ઘટનાઓનું જ્ઞાન હતું છતાં એમણે એ વિશે વિચાર્યા વિના એમના જીવનમાં બનતી તમામ ઘટનાઓ પર જે-તે ક્ષણે પૂરું ધ્યાન આપ્યું. જયારે આપણને તો ભવિષ્યની જરા ય ખબર નથી ત્યારે વર્તમાનમાં જીવીને એ ક્ષણને સભર કરવાનું મહત્ત્વ ઓર વધી જાય છે.

કૃષ્ણે પોતાના જીવનમાં ઉતાર્યું અને ગીતામાં કહ્યું કે ક્રોધથી બુદ્ધિ, સન્માન અને વિવેક નાશ પામે છે અને માણસ અપકીર્તિને મેળવે છે. કૃષ્ણે નાની-મોટી અનેક લડાઈ લડી, ગમતાં- ન ગમતાં અનેક નિર્ણયો લીધા પરંતુ કયાંય પણ આવેશ કે ક્રોધની વાત નથી. જે કર્યું એ સમજી-વિચારી પોતાનું કર્તવ્ય માની જનસમુદાય અને આવનારી પેઢીના હિતાર્થે કર્યું. કૃષ્ણે જીવનમાં બલિદાનનું મહત્ત્વ પણ સમજાવ્યું. કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હે, કૌરવોના અધર્મને રોકવા માટે કરોડો યોધ્ધાઓનું બલિદાન એમણે સ્વીકાર્ય ગણ્યું, તો યુદ્ધમાં જીતવા માટે કર્ણ પાંડવોનો ભાઈ છે એ જાણવા છતાં અર્જુનને ઇન્દ્રાસ્ત્ર છોડવા માટે પ્રેર્યો. યુદ્ધમાં જીતવા અર્જુનનું બલિદાન અનિવાર્ય હતું. બલિદાન વગર સફળતા મળતી નથી. જયાં સુધી આપણે આપણાં કમ્ફર્ટ ઝોન, ઇગો, સમય, અને સલામતીનું બલિદાન નથી આપતાં ત્યાં સુધી સિદ્ધિ મળતી નથી.

જીવનમાં શક્તિ અને તાકાત હોય તો અભિમાનમાં છકીને ઉધ્ધત બનવાનો ઇજારો નથી મળતો. નમ્રતા અને સૌજન્ય એ વ્યક્તિનાં એવા આંતરિક ગુણો છે કે જે હંમેશાં બીજાને આનંદ આપે છે. કૃષ્ણે એમના વડીલો, સ્વજનો, મિત્રો અને ગુરુઓ સાથે નમ્ર અને પ્રેમાળ વર્તન કર્યું છે. ભગવાન હોવાનો અહમ્ કયારેય વચ્ચે નથી આવ્યો. જયારે જયારે એમની જરૂર પડી ત્યારે તેઓ હાજર થયા છે. આ સાથે એમણે કોઇ પણ કામ નાનું કે મોટું નથી એ વાત પણ સમજાવી. એમનામાં એકલા હાથે યુદ્ધ લડવાની તાકાત હતી છતાં તેઓ અર્જુનના રથના સારથિ બન્યા. કોઇક કામ નાનું નથી હોતું. કામ પ્રત્યેનો પ્રેમ અને 100% સમપર્ણ જ એને મોટું બનાવે છે. કૃષ્ણે જીવી બતાવેલી આ વાત આજે પણ એટલી જ સાર્થક છે.

આજે માણસ પાસે થોડો પૈસો આવે એટલે એ ગરીબ મિત્રોને ભૂલી જાય છે અથવા એમના સંકટ સમયે મોં ફેરવી લે છે પરંતુ કૃષ્ણે સુદામાને મદદ કરી એમની મૈત્રી નિભાવી…  સખી દ્રૌપદીનાં ચીરહરણ પ્રસંગે વસ્ત્રો પૂરી મૈત્રી નિભાવી એટલું જ નહીં સ્ત્રી સન્માન અને સ્ત્રીની રક્ષા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું. જયાં અન્યાય અને અત્યાચાર થાય છે ત્યાં લડવું, નબળાંઓને રક્ષણ પૂરું પાડવું એ વીરનો ધર્મ છે. એ વાત આજના સ્વકેન્દ્રિત સમાજ માટે સૌથી મોટી શીખ છે. કૃષ્ણનું જીવન એક એવું દર્પણ છે જેમાંથી દરેક વ્યક્તિને પોતાને જોઈતા માર્ગદર્શનનું પ્રતિબિંબ મળતું રહે છે. બસ જરૂર છે એ પ્રતિબિંબને નીરખવાની દૃષ્ટિની. ફરી એક વાર હેપ્પી જન્માષ્ટમી.
– સંપાદક

Most Popular

To Top