Business

પ્રિય સન્નારી

પ્રિય સન્નારી,
કેમ છો?
હેપ્પી રક્ષાબંધન….
હાંસિયામાં ધકેલાઇ જતાં આપણા તહેવારોની વચ્ચે રક્ષાબંધનની જાહોજહાલી હજુ ખાસ ઝાંખી નથી પડી એ આનંદની વાત છે. પરિવારનાં સુખદુ:ખમાં સાથે રહી પાંગરતો ભાઇ-બહેનનો સંબંધ અન્ય સંબંધો કરતાં સાવ અલગ છે. અપેક્ષા તો અહીં પણ છે છતાં અનેક યાદોથી જોડાયેલા અને લાગણીથી સિંચાયેલા આ સંબંધમાં જે જોડાણ છે તે બીજા સંબંધમાં નથી. વ્યકિતનાં જીવનમાં મિત્ર તરીકે કોઇ વ્યકિત પ્રવેશે એ પહેલાં ભાઇ-બહેન એકબીજાનાં ફ્રેન્ડ હોય છે. હસવું – રમવું, લડવું – રડવું, એકબીજાની વસ્તુઓ ઝૂંટવી લેવી અને સામે છેડે બધું જ આપી દેવું, બહારનું કોઇ હેરાન કરે તો એક થઇને પેલાને ધીબેડી દેવો, મમ્મી – પપ્પા સામે એકબીજાને બચાવી લેવા, કોઇ કંઇ આપે તો ભાઇ-બહેન માટે પણ લઇને જ રહેવું કે આંખના ઇશારે એકબીજાની વાત સમજી જવી.

કેટલા બધા રંગો છે આ સંબંધના… બહેન સાસરે ન જાય અને ઘરમાં ભાભી ન આવે ત્યાં સુધી આ સંબંધમાં તારું – મારું હોય તો પણ બધું એક હોય છે. એ પહેલાં કોઇ ઝઘડા – મતભેદ કે અન્ય કારણો એમાં ભાગ્યે જ અંતર ઊભું કરી શકે છે. ન પૈસાની ગણતરી થાય છે કે ન લાગણીની પણ પછી બહેન અચાનક પારકી બની જાય છે. એનું ઘર બદલાય છે અને બહેનની યાદોથી સજેલું ઘર ભાભીનું બને છે. એવું નથી કે લાગણીના રંગો ઝંખવાઇ જાય છે પરંતુ વ્યવહારનાં અને અપેક્ષાનાં ગણિત બદલાઇ જાય છે.

આજ સુધી દરેક બાબતે ભાઇ પાસે જીદ કરતી બેન નાની બાબતે પણ સંકોચ પામે છે અને બહેન સાથે કંઇ પણ બોલતા – ઝઘડતા ભાઇનાં વાણીવર્તનમાં થોડું ડહાપણ આવી જાય છે. પ્રેમ હોવા છતાં એક અદ્રશ્ય રેખા બંનેના સંબંધોમાં અંકાઇ જાય છે. માતા-પિતા હોય ત્યાં સુધી તો તેઓ એક કડી બનીને એમની વચ્ચે રહે છે પણ એ ન હોય ત્યારે દરેકનાં સ્વભાવ અને બોન્ડિંગની માત્રા પ્રમાણે એનાં રંગ-ઢંગ બદલાતા રહે છે ત્યારે રક્ષાબંધન અને ભાઇ-બીજ જેવા તહેવારો શુષ્ક બનેલી લાગણીને અને થીજી ગયેલી યાદોને જીવંત કરે છે.

એક સમયે પિયર જવા માટે સ્ત્રી માટે રક્ષાબંધન અને ઉનાળુ વેકેશન એ બે જ મહત્ત્વનાં કારણો રહેતાં અને ભાઇ-બહેન એની કાગડોળે રાહ જોતાં. પુરુષ આર્થિક રીતે સ્વતંત્ર અને શારીરિક રીતે મજબૂત અને બેન પરાવલંબી અને નાજુક હોવાથી બેનનાં રક્ષણની જવાબદારી ભાઇને સોંપવામાં આવી હશે. આ એ સમયનું સત્ય હતું. બહેનને પિતાની મિલકતમાંથી કરિયાવર, મામેરું જેવાં બે – ચાર મોટા પ્રસંગને બાદ કરતાં રક્ષાબંધને ગિફટ મળતી. એ એના માટે એક અમૂલ્ય યાદ રહેતી. હા, એમાં પૈસાનું મૂલ્ય જરૂર હશે પરંતુ લાગણીનું મૂલ્ય જરાય ઓછું નહોતું.

આજે સ્થિતિ બદલાઈ છે. વચ્ચેની પેઢીમાં આ સંબંધમાં ખાસ્સો ચડાવ-ઉતાર જોવા મળતો. ત્યારે ભાઇ-બહેન વધારે હતાં એટલે કાચા કાનનાં ભાઇ-બહેનને સામાન્ય મુદ્દે ઓછું આવી જતું. નાની બાબત વટનું કારણ બની જતી. હવેની પેઢી બહુ સ્પષ્ટ છે. માતા-પિતા છોકરીને દીકરાની જેમ જ ઉછેરે છે એટલે ભાઇ બહેનના અધિકાર અંગે જૂની માન્યતાઓમાં માનતા નથી. વળી, મોટે ભાગે એક જ ભાઇ-બહેન હોવાથી તેઓ ખોટી માથાકૂટમાં પડતાં નથી. તેઓ ફન લવીંગ છે, સપોર્ટીવ છે. ભાઇ જ નહીં બહેન પણ ભાઇને હેલ્પ કરે છે.

ન ગમતી બાબતે તેઓ સ્પષ્ટ છે. એમની પાસે હોય તો આપવું એમને ગમે છે. બહાર ભણતાં ભાઇ-બહેન હવે જાતે જ એકબીજાને ઓનલાઇન પસંદગીની ગિફટ મોકલતાં રહે છે. એમનો બ્રો-કોડ અને સિસ-કોડ આગલી પેઢી કરતાં વધારે મજબૂત છે. એમની વચ્ચે શેરીંગ અને કેરીંગ બંને છે. પહેલાં માત્ર બેન સાસરે જતી અને હવે ભાઇ પણ નોકરી – ધંધાર્થે બહાર રહે છે તેથી સંબંધનું મૂલ્ય તેઓ સમજતાં થયાં છે. દિવાળીની જેમ રક્ષાબંધને પણ અનેક યુવાનો ઘરે આવે છે. એમની સંબંધોની વ્યાખ્યા કે રૂપરંગ સમય પ્રમાણે બદલાયાં છે પરંતુ સંબંધ પરનો વિશ્વાસ ઊઠયો નથી. ભાઇ-બહેનની લાગણી હજુ અકબંધ છે. રૂઠેલાં ભાઇ-બહેન પણ દુ:ખમાં એકબીજાની પડખે ઊભાં રહે છે. જયાં સુધી ભાઇ-બહેનના સંબંધમાં પ્રેમ-લાગણી અને વિશ્વાસ છે ત્યાં સુધી રક્ષાબંધન જેવા તહેવારોને કોઇ આંચ નહીં આવે. શું માનવું છે તમારું?

ફરીથી હેપ્પી રક્ષાબંધન.
 સંપાદક

Most Popular

To Top