Dakshin Gujarat

સાપુતારા ઘાટ માર્ગમાં દ્રાક્ષ ભરેલ કન્ટેનર ભેખડ સાથે અથડાઈ પલ્ટી મારી જતા ચાલકનું ઘટના સ્થળે મોત

સાપુતારા: (Saputara) મહારાષ્ટ્રનાં નાસિકથી દ્રાક્ષનો જથ્થો ભરી કચ્છ જઇ રહેલ કન્ટેનરને સાપુતારાથી સામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં ગણેશ મંદિર નજીકનાં વળાંકમાં અકસ્માત નડ્યો હતો. ચાલક (Driver) દ્વારા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને ચાલકે કન્ટેનરને ભેખડ સાથે અથડાવતા ઘટના સ્થળે પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું.

કન્ટેનર ન.જી.જે.12.બી.એક્ષ.3586 જે સાપુતારાથી સામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં ગણેશ મંદિર નજીકનાં વળાંકમાં અકસ્માતનાં બનાવમાં ટ્રક ચાલક નામે શંભાજીભાઈ લક્ષમણભાઈ માળી. ઉ.34.રે અનાલી.તા.ધારાશિવ.જી.ઉષ્માનાબાદ જેઓ કન્ટેનરની કેબિનમાં દબાઈ જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સાથે કન્ટેનરને જંગી નુકસાન થયુ હતુ. કન્ટેનરનાં વજનદાર કેબિનમાં દબાયેલ ચાલક નામે શંભાજી લક્ષમણ માળીને હાથ, પગ અને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ. જ્યારે આ કન્ટેનરમાં સવાર અન્ય એક ઇસમ નામે ધનાજી બાળાશો સેડસેને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે નજીકનાં શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

સ્થળ પરથી સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ. એન.ઝેડ.ભોયાની ટીમે કન્ટેનરનાં કેબિનમાં દબાઈને મોતને ભેટનાર ચાલકની લાશને બહાર કાઢી પી.એમ.માટે શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં આ અકસ્માતનાં બનાવ અંગે સાપુતારા પોલીસે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

Most Popular

To Top