Sports

ચાર મેચ હાર્યા પછી સીએસકે પહેલી મેચ જીત્યું

નવી મુંબઇ : આઇપીએલની (IPL) 15મી સિઝનની આજે અહીં રમાયેલી 22મી મેચમાં (Match) રોબિન ઉથપ્પા અને શિવમ દુબેની અર્ધસદીની સાથે બંને વચ્ચેની 165 રનની શતકીય ભાગીદારીની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે (CSK) મુકેલા 217 રનના લક્ષ્યાંક સામે ટોપ ઓર્ડરના બેટરોની નિષ્ફળતા પછી સુયશ પ્રભુદેસાઇ, શાહબાઝ અહેમદ અને દિનેશ કાર્તિકની આક્રમક ઇનિંગ છતાં આરસીબી આ મેચ 23 રને હાર્યું હતું.

આરસીબીના દાવની શરૂઆત ખરાબ રહી હતી અને 50 રનના સ્કોર સુધીમાં તેમણે ટોપ ઓર્ડરની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી શાહબાઝ અહેમદ અને ડેબ્યુટન્ટ સુયશ પ્રભુદેસાઇ મળીને 60 રનની ભાગીદારી કરીને સ્કોર 110 સુધી લઇ ગયા હતા, ત્યારે 18 બોલમાં આક્રમક 34 રન કરનાર સુયશ આઉટ થયો હતો તે પછી બે ઓવરમાં શાહબાઝ, હસરંગા અને આકાશદીપની વિકેટ આરસીબીએ ગુમાવતા તેમનો સ્કોર 8 વિકેટે 146 રન થયો હતો. તે પછી દિનેશ કાર્તિક 14 બોલમાં 34 રનની ઇનિંગ રમીને આઉટ થતાં આરસીબીની આશાનો અંત આવી ગયો હતો અને 20 ઓવરમા અંતે આરસીબી 9 વિકેટે 193 રન સુધી જ પહોંચતા સીએસકેનો 23 રને વિજય થયો હતો.

આરસીબીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી દાવ લેવા ઉતરેલી સીએસકેની શરૂઆત સારી રહી નહોતી અને બોર્ડ પર માત્ર 36 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી ઉથપ્પા અને શિવમ દુબેએ મળીને 10 રનથી વધુની એવરેજથી રન બનાવીને શતકીય ભાગીદારી કરી હતી. આ દરમિયાન બંનેએ પોતપોતાની અર્ધસદી પણ પુરી કરી હતી. ઉથપ્પા 50 બોલમાં 9 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 89 રનની ઇનિંગ રમીને 19મી ઓવરમાં આઉટ થયો તેની સાથે દુબે સાથેની તેની 165 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. 201 રનના સ્કોરે ત્રીજી વિકેટ પડ્યા પછી બીજા જ બોલે રવિન્દ્ર જાડેજા પણ આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં બે છગ્ગા સાથે 14 રન કરીને ચેન્નાઇને 216 રનના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. શિવમ દુબે 46 બોલમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 95 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ચેન્નાઇ સુપર કિંગ્સનો ઝડપી બોલર પીઠની ઇજાને કારણે આઇપીએલમાંથી આઉટ
મુંબઇ : બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં પગની ઇજામાંથી સારવાર કરાવવા માટે ગયેલા ઝડપી બોલર દીપક ચાહરને હવે પીઠમાં ઇજા થવાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 15મી સિઝનમાંથી આઉટ થઇ ગયો છે અને તેના કારણે ચેન્નાઇ સુપર કિંગ્સની મુશ્કેલી વધી ગઇ છે.
ચાહર ઘાયલ થવાની ખોટ સીએસકેને પડી છે અને શરૂઆતની ચારેય મેચ હારીને તે પોઇન્ટ ટેબલમાં સૌથી નીચલા સ્થાને ચાલી રહી છે. સીએસકેએ હંમેશા એવો દાવો કર્યો હતો કે ચાહર બીજા અઠવાડિયા પહેલા ફિટ થઇ જશે, જો કે તેને એનસીએમાં રિહેબિલિટેશન દરમિયાન હવે પીઠમાં ઇજા થઇ છે અને તેના કારણે તેની આ સિઝનમા રમવાની સંભાવના જ પુરી થઇ ગઇ છે. ચાહર એક મહિના કરતાં વધુ સમયથી એનસીએમાં છે. વેસ્ટઇન્ડિઝ સામેની સીરિઝમાં પગમાં થયેલી ઇજામાંથી સાજો થવા તે એનસીએમાં આવ્યો હતો.

Most Popular

To Top