નિષ્ઠુર તંત્ર : કોરોના દર્દીઓને ભગવાન ભરોસે મૂકીને સ્ટાફ પરત ખેચી લેતા ચકચાર

બીલીમોરા : ગણદેવી તાલુકાના ઘકવાડા ગામે ભગવાનજી કાળીદાસ વેલફેર મેડીકલ સેન્ટરમાં ટ્રસ્ટ અને સહયોગી દાતાઓનાં સથવારે 19 ઓક્સીજન બેડ સાથેની સુવિધાયુક્ત કોવિડ સેન્ટર શરૂ કરાયું હતું. પણ આરોગ્ય વિભાગની આડોડાઈથી ત્રણ દિવસ અગાઉ કોરોના દર્દીઓને રામ ભરોસે છોડી પોતાનો તમામ સ્ટાફ પરત ખેંચી લેતા ચકચાર મચી હતી.


કોરોનાગ્રસ્ત ( corona) દર્દીઓને ઘર આંગણે વિનામૂલ્યે સારવાર આપવા ધકવાડા ગામે ભગવાનજી કાલિદાસ વેલફેર ટ્રસ્ટ (રમણભાઈ), વિદેશથી વતનનું ઋણ અદા કરતા મહાનુભાવો અને દાતાઓના સંયુક્ત ઉપક્રમે 19 ઓક્સીજન બેડ ( oxygen bed) ની સુવિધા અને દવાઓ ઉપલબ્ધ કરાઈ છે. દરમિયાન ત્રણ દિવસ બાદ ગત.તા.30 એપ્રિલે આરોગ્ય વિભાગે ટ્રસ્ટને નોટિસ પાઠવી હતી. જેમાં આરોગ્ય વિભાગનાં 4 ડોક્ટર, 6 નર્સ સહીતનો સ્ટાફ પરત ખેંચી લેવાનાં હોય વ્યવસ્થા કરવા કહ્યું હતું.

જેમાં ટ્રસ્ટનાં ઉપપ્રમુખ લક્ષમણ પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, સરપંચે સરકારને આજીજી કરી હતી કે ટ્રસ્ટ દ્રારા વ્યવસ્થા ઉભી થાય ત્યાં સુધી સ્ટાફ રહેવા દો, તેમ છતાં તંત્રએ કોઈ વાત સાંભળી ન હતી. અને સારવારગ્રસ્ત દર્દીઓને રામ ભરોસે મૂકી ગત તા.3 મેનાં રોજ સ્ટાફને ઉઠાવી લીધો હતો. આ કપરી સ્થિતિમાં ટ્રસ્ટ અને ગ્રામજનોએ સરાહનીય ભૂમિકા અદા કરી 1 એમડી તબીબ, 3 એમબીબીએસ, 8 સ્ટાફ નર્સ, 3 વોર્ડ બોય, 3 આયા મહિલા, 1 ઓક્સીજન એટેન્ડન્ટની ભરતી કરી હતી. 16 જેટલા દર્દીઓને કોરોનામુક્ત કરી નવજીવન મળતા સ્વગૃહે પરત ફર્યા છે. અને 8 દર્દી સારવાર હેઠળ છે. સરકાર નો સાથ નહી મળતા હવે વિનામૂલ્યે શરૂ સેવા માટે દર્દ્દીઓએ મિનિમમ ચાર્જ ચૂકવવા પડશે. જેમાંથી આરોગ્ય સ્ટાફનો ખર્ચો કરાશે. જેનો બોજો ગરીબ દર્દીઓના માથે જ પડશે

Related Posts