Sports

આક્રમક ક્રિકેટ રમીને જ WTCની ફાઇનલમાં જગ્યા બનાવી શકીશું : કેએલ રાહુલ

ચટગાંવ: ભારતના (India) સ્ટેન્ડ-ઈન કેપ્ટન કેએલ રાહુલે સોમવારે જણાવ્યું હતું કે સ્ટાર વગરની ભારતીય ટીમ જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (World Test Championship) ફાઇનલમાં પહોંચવા માંગે છે તો અમારે બુધવારથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટની સીરિઝમાં બાંગ્લાદેશ સામે આક્રમક ક્રિકેટ (Cricket) રમવાની જરૂર છે. ભારતીય ટીમ તેના ત્રણ મુખ્ય ખેલાડીઓ, નિયમિત કેપ્ટન રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ વિના રમી રહી છે. તે તમામ ઈજાના કારણે બહાર છે.

  • ભારતીય ટીમ તેના ત્રણ મુખ્ય ખેલાડીઓ, નિયમિત કેપ્ટન રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ વિના રમી રહી છે
  • ભારતીય ટીમે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે છ ટેસ્ટ જીતવી જરૂરી
  • અમારે શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે શું કરવાની જરૂર છે તેનું દરરોજ અને દરેક સેશનમાં મૂલ્યાંકન કરીશું: કેએલ રાહુલ

રાહુલે ટ્રોફીના અનાવરણ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમારે ટેસ્ટ ચેમ્પિયનશિપ ક્વોલિફિકેશન માટે આક્રમક રીતે રમવું પડશે. અમે જાણીએ છીએ કે અમે ક્યાં છીએ અને ફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે અમારે શું કરવાની જરૂર છે. તેણે કહ્યું હતું કે અમારે શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે શું કરવાની જરૂર છે તેનું દરરોજ અને દરેક સેશનમાં મૂલ્યાંકન કરીશું.

ભારતીય ટીમે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે છ ટેસ્ટ જીતવી જરૂરી
પહેલેથી જ વન ડે સીરિઝ હારી ચૂકેલી ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ ટુમાં રહેવા માટે બાંગ્લાદેશ સામેની બે અને ઓસ્ટ્રેલિયા સામેની 4 મળીને આગામી છ ટેસ્ટ જીતવી જરૂરી છે. ભારતીય ટીમ અત્યારે 52.08 ટકા પોઈન્ટ્સ સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 75 ટકા પોઈન્ટ સાથે ટોચ પર છે, અને દક્ષિણ આફ્રિકા 60 ટકા પોઈન્ટ સાથે બીજા ક્રમે છે અને શ્રીલંકા 53.3 ટકા પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે.

Most Popular

To Top