Sports

ક્રિકેટ જગતમાં શોક: ભારતના મહાન સ્પિનર ​​બિશન સિંહ બેદીનું નિધન, 77 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પૂર્વ ભારતીય ક્રિકેટર (Cricketer) અને મહાન સ્પિનર (Spinner) એવા બિશન સિંહ બેદીનું નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. બેદીએ ભારત માટે કુલ 77 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેમણે 273 વિકેટ ઝડપી હતી. બેદીને ભારતીય ટેસ્ટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ સ્પિનરોમાં ગણવામાં આવે છે. બેદીએ 1966માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે તેઓની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1979માં રમી હતી. બિશન સિંહ બેદીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમના પરિવારમાં પત્ની અંજુ, પુત્ર અંગદ અને પુત્રી નેહા છે.

ક્રિકેટ જગત માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર ​​બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન થયું છે. 1970ના દાયકામાં પ્રખ્યાત સ્પિન બોલિંગ ચોકડીનો ભાગ બનેલા બિશન સિંહ બેદી હવે નથી રહ્યા. તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી હતી. તેઓ તેમની રહસ્યમય સ્પિન બોલિંગ માટે જાણીતા હતા. જણાવી દઈએ કે બિશન સિંહ બેદીના પુત્રનું નામ અંગદ બેદી અને પુત્રવધૂનું નામ નેહા ધૂપિયા છે. આ બંને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેમનો પુત્ર અંગદ ‘ટાઈગર ઝિંદા હૈ’ અને ‘પિંક’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે.

બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો. બેદીની ગણતરી ભારતના શ્રેષ્ઠ સ્પિન બોલરોમાં થતી હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન પણ તેમની સામે રમવામાં ખચકાતા હતા. તેમણે 1966 થી 1979 દરમિયાન ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી હતી અને તે પ્રખ્યાત ભારતીય સ્પિન ચોકડી (બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, રાઘવન)નો પણ ભાગ હતા. તેમણે 67 ટેસ્ટ મેચોમાં 266 વિકેટ લીધી હતી. તેમણે 15 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી અને એક વખત મેચમાં 10 વિકેટ પણ લીધી હતી. આ સિવાય તેમણે 10 ODI મેચમાં 7 વિકેટ લીધી હતી. તેમણે પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દી 1560 વિકેટ સાથે પૂરી કરી.

કેપ્ટનશીપ કરવાની પણ તક મળી
બિશન સિંહ બેદીને ભારતીય ટીમની કેપ્ટનશિપની પણ તક મળી હતી. તેમને 1976માં આ જવાબદારી સોંપવામાં આવી હતી. મહાન ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીની જગ્યાએ બેદીને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. કેપ્ટન તરીકે તેમની પ્રથમ જીત 1976ના પ્રવાસમાં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે મળી હતી. આ પછી ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં 3-2થી અને પાકિસ્તાન પ્રવાસ પરની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હાર્યા બાદ તેમને સુકાનીપદેથી દૂર કરવામાં આવ્યા હતા. તેમના પછી સુનીલ ગાવસ્કર કેપ્ટન બન્યા હતા.

Most Popular

To Top