Gujarat

કોરોનાના ઈલાજ માટે રામબાણ રીમડેસિવીર ઇન્જેક્શનનાં કરોડો રૂપિયાના ડોઝનો નાશ કરાશે

અમદાવાદ: છેલ્લા 2 વર્ષથી સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોનાં(Corona) મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. હાલમાં ભલે દેશમાં કોરોનાનાં કેસો ઓછા નોંધાઈ રહ્યા છે. પરંતુ વર્ષ 2021માં ઉનાળાની ઋતુમાં જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધારે હતું ત્યારે કોરોનાની દવાનો જરૂરીયાત વધી હતી. જેમાં ખાસ કરીને રેમડેસિવીર ઇન્જેકશનની જરૂરીયાત એટલી હદે વધી ગઈ હતી કે દર્દીનાં સંબંધીઓ માત્ર એક ડોઝ માટે કલાકો સુધી હોસ્પિટલોમાં કે દવાનું દુકાનોની બહાર લાઈનોમાં ઉભા રહેતા હતા. પરંતુ હવે આ જ ઇન્જેક્શનનાં કરોડો રૂપિયાના ડોઝની ડેટ એક્સપાઈર થવા આવી છે. જેથી હવે લાખો રીમડેસિવીરની શીશીઓનો નાશ કરવામાં આવશે.

60 લાખ રીમડેસિવીર શીશીઓની ડેટ એક્સપાઈર નજીક
કોરોનાની બીજી લહેરમાં જ્યારે રીમડેસિવીર ઇન્જેક્શનની ડિમાન્ડ વધારે હતી જેની સામે પુરવઠો ઓછો હોવાને લઇ કંપનીએ ઉત્પાદનમાં વધારો કર્યો હતો. પરંતુ એક વર્ષ બાદ આનાથી વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે હવે માંગ ઓછી થતા કંપનીએ ઉત્પાદ ઘટાડી દીધું છે. જો કે આ એક વર્ષમાં 60 લાખ રીમડેસિવીર શીશીઓની ડેટ એક્સપાઈર થવા આવી છે. જેથી તેનો નાશ કરવામાં આવશે.

1 હજાર કરોડની દવા વણવપરાયેલી
મુંબઈ મુખ્ય મથક BDR ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન ધર્મેશ શાહના જણાવ્યા અનુસાર દેશમાં રૂ. 800 કરોડથી રૂ. 1,000 કરોડની કિંમતની કોરોનાની દવાઓનો વપરાશ થયો નથી અને તે સ્ટોક વણવપરાયેલો પડી રહ્યો છે. આ દવાઓમાં રેમડેસિવીર, લિપોસોમલ એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શન, પોસાકોનાઝોલ ટેબ્લેટ્સ અને ઈન્જેક્શન્સ, બેરીસીટીનીબ ટેબ્લેટ્સ, મોલનુપીરાવીર ટેબ્લેટ્સ અને ફેવીપીરાવીર ટેબ્લેટ્સનો સમાવેશ થાય છે.

ફાર્માસ્યુટિકલ કંપનીને કરોડો રૂપિયાનું નુકશાન
આ દવાઓની એક્સપાઈરી ડેટ નજીક આવી રહી છે. જેથી આ દવાઓનો નાશ કરવામાં આવશે. દવાઓના નાશના પગલે ફાર્માસ્યુટિકલ કંપનીને કરોડો રૂપિયાનું નુકશાન થશે. ચેરમેન ધર્મેશ શાહે જણાવ્યું કે ફાર્મા કંપનીઓએ આ નુકસાન સહન કરવું પડશે કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી. ફાર્મા કંપનીઓએ ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલને સ્ટેબિલિટી ડેટા સબમિટ કર્યા હતા. જેમાં રૂ. 600 કરોડની કિંમતની રિમડેસિવીર શીશીઓ, રૂ. 200 કરોડની કિંમતની રિમડેસિવીર API (સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો) અને અન્ય કોરોનાને સંબંધિત દવાઓની એક્સપાઈરી ડેટ નજીક છે. જેથી તેનો નાશ કરવામાં આવશે.

Most Popular

To Top