National

નાનકડા વિરામ બાદ પરત ફરેલા કોરોનાને કારણે માસ્કની વાપસી, શું ફરી પ્રતિબંધો લદાશે?

નવી દિલ્હી: દેશમાં થોડા સમય માટે કોરોનાના (Corona) કેસોએ થોડો વિરામ લીધો હતો. પણ આ નાનકડા વિરામ બાદ ફરીથી કોરોના નવા વેરિયન્ટ (New variant) સાથે પાછો ફર્યો છે. દેશમાં કોરોનાની ઝડપ ફરી એકવાર વધવા લાગી છે. આ વધતાં કેસોને લઈને ઘણા રાજ્યોની સરકારો એલર્ટ (Alert) થઈ ગઈ છે. ભારતની રાજધાની દિલ્હી (Delhi) અને એનસીઆરના વિસ્તારોમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. ત્યાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થઈ રહ્યા છે. તેથી ત્રીજી લહેર ઓછી થયા બાદ જે પ્રતિબંધો લાગવામાં આવ્યા હતા તેને ફરીથી લાગુ કરવામાં આવ્યા છે. ઉપરાંત યુપી સરકારે પણ લખનઉ સહિત યુપીના અન્ય 7 શહેરોમાં ફરીથી માસ્ક ફરજિયાત કરી દીધા છે. કોરોનાની હાલની સ્થિતિને લઈને બુધવારે DDMAની બેઠક પણ યોજાવાની છે. જેમાં કોરોનાની હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને કેટલાક પ્રતિબંધો અંગે નિર્ણય લેવામાં આવશે.

હાલમાં કોરોનના કેસો દિલ્હી-એનસીઆરમાં સૌથી વધુ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 24 કલાકમાં કોરોનાના 1,247 કેસ નોંધાયા છે. તેમાંથી 501 કેસ એકલા દિલ્હીના જ છે. રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે લખનઉ સહિત અન્ય 7 જિલ્લામાં એટલે કે ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, બુલંદશહર અને બાગપતમાં માસ્ક ફરજિયાત કરી દીધા છે. જણાવી દઈએ કે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં ઉત્તર પ્રદેશમાં જાહેર સ્થળોએ 1 એપ્રિલથી જ માસ્કને મરજિયાત કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે ફરીથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે અને તેની સાથે માસ્ક નહીં પહેરવા પર 1 હજાર રૂપિયાનો દંડ ચૂકવવો પડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત યોગીએ અધિકારીઓને પણ કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું કહ્યું છે.

બસ-રેલ્વે સ્ટેશન, એરપોર્ટ પર માસ્ક ફરજિયાતની સાથે હવે ફરીથી કોરોનાનું માસ ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. લખનઉમાં હવે દિલ્હી, NCR, નોઈડા, ગાઝિયાબાદ, હરિયાણા અને મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનો એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેની સાથે શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને મેડિકલ યુનિવર્સિટીઓમાં પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. લખનઉમાં વહીવટીતંત્રે કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવા માટે પણ સૂચના આપી છે.

કોરોનાને લીધે રાજધાની દિલ્હીમાં સ્થિતિ સતત બગડી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર 5 ટકાથી વધુનો ચેપ દર ચિંતાજનક છે. દિલ્હીમાં ત્રણ દિવસથી ચેપનો દર 5 ટકાથી ઉપર 8 ટકા થઈ ગયો છે. દિલ્હીમાં જો સતત બે દિવસ સુધી ચેપ દર 5 ટકાથી વધુ રહે છે, તો રેડ એલર્ટ લાગુ આપવામાં આવશે. રેડ એલર્ટ જાહેર કરવામાં આવે તો તે વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે છે. પરંતુ આ વખતે સંપૂર્ણ લોકડાઉનની સંભાવના ખુબ જ ઓછી છે. કારણ કે ભલે ચેપ વધી રહ્યો છે પરંતુ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે. લખનઉની જેમ દિલ્હીમાં પણ સરકાર ફરીથી માસ્ક ફરજિયાત કરી શકે છે.

Most Popular

To Top