National

કોવેક્સિનમાં ગાયના વાછરડાનાં સિરમના ઉપયોગને લઈ વિપક્ષ મેદાને, સરકારે આપ્યો આ ખુલાસો

દેશમાં 21 જૂનથી કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે નિશુલ્ક રસીકરણ ( vaccination) શરૂ કરવામાં આવશે. આ દરમિયાન વેક્સિનને લઈને હવે એક નવો તર્ક વિવાદનું કારણ બન્યો છે. ભારત બાયોટેક ( bharat bio) કંપનીની કોરોના વેક્સિન ( corona vaccine ) કોવેક્સિન ( covaxin) બનાવવા માટે ગાયના વાછરડાના સિરમનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. જેને લઈને વિપક્ષી દળોએ હોબાળો મચાવ્યો છે. આ અંગે ભારત બાયોટેકે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે સેલ્સના વિકાસ માટે તેનો ઉપયોગ થયો હતો, પરંતુ કોવાક્સિનનાં ફાઇનલ ફોર્મ્યુલામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ અંગે સરકારે પણ સ્પષ્ટતા કરી છે. પીઆઈબી દ્વારા બહાર પડેલા એક નિવેદનમાં કહેવાયું છે કે ‘કોવેક્સીનની સંરચના અંગે કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો છે કે રસીમાં વાછરડાનું સીરમ (Calf Serum)  હોય છે. તે સાચું નથી અને તથ્યોને તોડી મરોડીને રજુ કરાયા છે.’

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) વિરુદ્ધ જંગમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે રસી અંગે અનેક પ્રકારની ગેરસમજ છવાયેલી રહે છે જેને સરકાર સમયાંતરે દૂર કરવાની કોશિશ પણ કરે છે. કોવેક્સીન (Covaxin) માં વાછરડાના સીરમનો ઉપયોગ થવા અંગે વાયરલ થઈ રહેલી કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ( social media post) પર સરકારે સ્પષ્ટતા કરી છે અને કહ્યું કે તથ્યોને તોડી મરોડીને રજુ કરાયા છે. 

આ પહેલાં એક રિસર્ચ પેપરમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે કોવેક્સિન બનાવવા માટે નવજાત પશુના બ્લડના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. એનો પ્રથમ વખત કોઈ વેક્સિનમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો ન હતો. આ બધું બાયોલોજિકલ રિસર્ચનો જરૂરી ભાગ હોય છે. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોવેક્સિન માટે નવજાત વાછરડાનું 5%થી 10% સીરમની સાથે ડલબેકોના મોડિફાઇડ ઇગલ મીડિયમ (DMEM)નો ઉપયોગ કરવામાં આવે છે. DMEMમાં અનેક જરૂરી પોષક તત્ત્વ હોય છે, જે સેલને વિભાજિત કરવા માટે જરૂરી હોય છે.

કોંગ્રેસ નેતાએ આ દાવો કર્યો હતો
કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક ગૌરવ પાંધીએ બુધવારે દાવો કર્યો હતો કે કોવાક્સિનમાં ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાંધીએ એક આરટીઆઈના જવાબમાં મળેલા એક દસ્તાવેજને શેર કર્યો છે કે ગાયના વાછરડાનુ સીરમ જે 20 દિવસથી ઓછું જૂનું હોય તેનો ઉપયોગ કોવાક્સિન બનાવવા માટે થાય છે. તેમણે દાવો કર્યો હતો કે આ જવાબ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસકો) એ વિકાસ પટણી નામના વ્યક્તિની આરટીઆઈ પર આપ્યો છે. ત્યારબાદ વિપક્ષે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.

Most Popular

To Top