Gujarat

શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર પાંચ રૂપિયામાં બાંધકામ ક્ષેત્રના કામદારોને ભોજન મળશે

ગાંધીનગર : રાજય સરકાર દ્વારા આગામી તા.૦૮ઓકટોબરના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ, અમદાવાદ (Ahmedabad) ખાતે રાજ્યના મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૨૨ ભોજન કેન્દ્રોનું તથા શ્રમયોગીઓને યોજનાકીય લાભોના ઓનલાઇન વિતરણ માટેના શ્રમ સન્માન પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ફક્ત રૂ.૫માં બાંધકામ શ્રમિક તથા તેના પરિવારજનોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તથા શ્રમ સન્માન પોર્ટલ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ઓનલાઇન અરજી કરી શકાશે તથા કરેલ અરજીનું લાઈવ સ્ટેટસ જાણી શકાશે.

બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદ તથા ગાંધીનગર ખાતે આવેલા કુલ-૨૨ કડીયાનાકાઓ પર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થનાર છે. જે તબક્કાવાર સમગ્ર રાજ્યભરમાં શરૂ કરવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર ૫૦થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.હાલમાં બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ બાંધકામ શ્રમયોગીઓ માટે આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષાને લગતી કુલ-૨૦ યોજનાઓ કાર્યરત છે. જ્યારે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ સંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કુલ-૧૪ યોજનાઓ કાર્યરત છે.
બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓનો લાભ મેળવવા માટે શ્રમિકની બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી હોવી જરૂરી છે. જે નોંધણી કરાવ્યા બાદ તેમને ઓળખ સ્વરૂપે ઇ-નિર્માણ કાર્ડ આપવામાં આવે છે. આ નોંધણી સ્વનોંધણી, સી.એસ.સી. સેન્ટર તથા ઇ ગ્રામ કેન્દ્રોના માધ્યમથી કરાવી શકાય છે.

Most Popular

To Top