Gujarat

મહેમદાવાદમાં ઉતરાયણના પર્વ નિમિત્તે બે કોમ વચ્ચે અથડામણ

નડિયાદ, તા.16
મહેમદાવાદમાં ફરી એકવાર બે કોમ વચ્ચે અથડામણ થઈ છે. વાસી ઉતરાયણની મોડી સાંજે બે કોમના યુવકો નજીવી બાબતે સામસામે આવી ગયા હતા અને હિંસક મારામારી થઈ હતી. જ્યાં પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો છે. આ મામલે પોલીસે બંને પક્ષની ફરીયાદ નોંધી કેટલાક આરોપીઓની અટકાયત કરી છે. હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અજંપા ભરેલી શાંતિ છે.
મહેદાવાદમાં ઉતરાયણના પર્વ નિમિત્તે હિન્દુ અને મુસ્લિમ કોમના યુવકો વચ્ચે હિંસક મારામારી થઈ છે. મહેમદાવાદ પોલીસે આ મામલે બંને પક્ષની સામસામે ફરીયાદ નોંધી બંને પક્ષના કેટલાય આરોપીઓની અટકાયત કરી છે. આ મામલે દર્શન ડાભીની ફરીયાદ મુજબ ઢાંકણીવાડ વિસ્તારમાં રહેતા તોફીક મલેક અને નાગરકુઈ વિસ્તારના યુવકો વચ્ચે પતંગ ઉડાડવા બાબતે બોલાચાલી થઈ હતી. તોફીક મલેકે પતંગ બાબતે થયેલ ઝઘડાની અદાવત રાખી તલવાર જેવા ઘાતક હથિયારો સાથે દર્શનભાઈ વિનુભાઈ ડાભી, અજય તથા નયન પર હુમલો કરી ગડદા પાટુ માર માર્યો હતો. આ ઝઘડામાં સુમન પઠાણે દર્શન ડાભીને માથા પાછળ તલવાર મારી ઇજા પહોંચાડી હતી તેમજ ગમે તેમ ગાળો બોલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ અન્ય લોકો દ્વારા પણ હુમલો કરાયો હતો, જે અંગે દર્શન ડાભીની ફરીયાદના આધારે પોલીસે તોફીક મલેક, કાલુ, જુનેદ ખોખર, ફેઝલ અન્સારી, અજ્જુ ગેરેજ, સુજાન પઠાણ સહિત 20થી 25 માણસોના ટોળા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સામા પક્ષે સમીરખાન ઉર્ફે મિથુન મુસ્તુફાભાઈ પઠાણે ફરીયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ ઢાંકણીવાડના યુવકો તેમજ નાગરકૂઈના યુવકો વચ્ચે પતંગ કાપવા બાબતે બોલાચાલી થતાં સમીર પઠાણ છોડાવવા વચ્ચે પડયો હતો. ત્યારે અજય ડાભી તેમજ અન્ય ઈસમોએ ગાળો બોલી કહ્યુ હતુ કે,તમે ઢાંકણીવાડના લોકોને બહુ પાવર ચડી ગયો છે, ત્યારબાદ દશરથભાઈએ તલવાર મારી એકટીવાને નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ સમીર પઠાણને એકટીવા ઉપરથી નીચે ઉતારી અજય અને દર્શને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સમીર પઠાણની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે અજય મેલાભાઈ ડાભી, દર્શન વિનુભાઈ ઉર્ફે બોખી ડાભી, દશરથ વિનુભાઈ ડાભી, શંભુનો મોટો છોકરો તમામ રહે. નાગરકુઈ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરીયાદના આધારે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top