SURAT

ચીટર મિતુલ ત્રિવેદીએ પિંજરતના સમુદ્રમાં સમુદ્રમંથન થયું હોવાનું સર્ટિફિકેટ પણ બનાવ્યું હતું

સુરત(Surat): ઇસરો (ISRO) અને નાસાના (NASA) નામે સાચા વૈજ્ઞાનિકોની (Scientist) સિદ્ધિઓ પોતાના નામે ચઢાવી પ્રસિદ્ધિ સાથે પારકો જશ લૂંટનાર ઠગ મિતુલ ત્રિવેદીનો (Cheater Mitul Trivedi) ચહેરો પોલીસ તપાસમાં ખુલ્લો પડી ગયો છે. મિતુલ ત્રિવેદીએ ભગવાનના મંદિરના ટ્રસ્ટીઓને પણ ગપગોળાઓ ફેંકી છેતર્યા હતાં.

ટ્રસ્ટીઓએ એના આ કહેવાતા સંશોધન માટે કોઈ નાણાં ચૂકવ્યા ન હતા પણ મિતુલ ત્રિવેદીએ સર્ટિફિકેટ (Certificate) આપતા ‘તાપી સાગર સંગમ સ્તેનેશ્વર તીર્થરાજ’ (TapiSagarSangamSteneshwarTirthraj) નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. આ પુસ્તકના પાના નંબર 4 પર ઉલ્લેખ છે કે વર્ષ 2011 દરમ્યાન ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓસ્નોલોજીની મરિન આર્કિયોલોજી શાખા દ્વારા હાથ ધરાયેલા ‘સમુદ્રમંથન’ પ્રોજેક્ટ અંતર્ગત સુરત નજીકનાં પિંજરતના સમુદ્રિ વિસ્તારમાં દરિયામાં ડુબકી મારી અંડર વોટર પુરાતત્વીય સંશોધકોની ટુકડીને પુરાણકાળમાં દેવો-દાનવોએ કરેલા સમુદ્રમંથન દરમ્યાન મંથન માટે ઉપયોગ કરાયેલા ‘મંદરાચલ’ પર્વતના અવશેષો મળી આવતા તેની વિશેષ વૈજ્ઞાનિક ટેક્નોલોજીકલ ઉપકરણોથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા, તે બિહાર વિસ્તારમાં આવેલા ‘મંદરાચલ’ પર્વતના અવશેષો સાથે મેચ થતા હોવાનું જણાયું છે.

તે માટે સામુદ્રિક સંશોધકોની ટુકડીમાં સામેલ નાસા-ઇસરોના વૈજ્ઞાનિક ડૉ. મીતુલ ત્રિવેદીએ પ્રમાણપત્ર પણ આપેલ છે. જેથી પિંજરતનાં સમુદ્ર વિસ્તારમાં સમુદ્ર મંથન થયું હોવાનું અનુમાનને સમર્થન મળે છે. એટલે કે,મિતુલે પોતાને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓસ્નોલોજીની મરીન આર્કીયોલોજીનાં ‘સમુદ્રમંથન’ પ્રોજેક્ટનાં નિષ્ણાત તરીકે ઓળખાવી સુરતનાં ઓલપાડમાં પિંજરતનાં સમુદ્ર વિસ્તારમાં સમુદ્ર મંથન થયું હોવાનું સર્ટિફિકેટ આપ્યું હતું. એના કથિત આ સંશોધનને જે તે સમયે ખૂબ પ્રસિદ્ધી મળી હતી જો કે, ભગવાન મહાદેવનું આ મંદિર ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક હોવાથી ત્રિવેદીએ અનુમાનિત તુક્કા દોડાવ્યા હતા.

તેના ગામના સ્તેનેશ્વર મહાદેવનું પૌરાણિક માહાત્મ્ય……
સુરત જીલ્લાનાં તાલુકા ઓલપાડનાં સમુદ્ર કિનારે પિંજરત ગામ પાસે આવેલા “તેના” ગામે પૌરાણિક અને સુપ્રસિદ્ધ સ્વયંભુ શિવલીંગ ‘સ્વૈનેશ્વર મહાદેવ બીરાજમાન છે. આ મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, સૂર્યપુત્રી તાપી નદી અને સમુદ્રના સંગમ સ્થાને આવેલા સ્તેનેશ્વર મહાદેવનો મહિમા તાપી પુરાણમાં 72માં અધ્યાયમાં વર્ણવવામાં આવ્યો છે.

જેનો સારાંશ એ છે કે, દેવો-દાનવો દ્વારા સમુદ્ર મંથન દરમ્યાન તેમાંથી અમૃત કળશ સાથે ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. અમૃતપાન કરવા બ્રહ્મદેવે પરમ કલ્યાણકારી એવા તાપી-સાગર સંગમ સ્થળે તીર્થસ્નાન કરી અમૃતપાન કરવા સૂચવ્યું. તેથી અહીં 33 કોટિ દેવો ભેગા થયા અને ભગવાન ધન્વંતરીને અમૃત કળશ સાચવવા સોંપ્યો. દાનવોએ તે અમૃત કળશ કપટ કરી મુનિ વેશ ધારણ કરી હસ્તગત કર્યો.

તીર્થસ્નાન બાદ દેવો અમૃતપાન કરવા ભેગા થયા પરંતુ અમૃત કળશ ન દેખાતા ત્રિલોચન ભગવાન શંકરનું ધ્યાન ધર્યું, ત્યારે ભગવાને શોધી કાઢ્યું કે અમૃત કળશ દાનવો ચોરી ગયા છે. એમણે ભગવાન વિષ્ણુને મોહિની રૂપ ધારણ કરવાનું સૂચવતા, ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરી દાનવોને મોહિત કરી અમૃત કળશ પાછો મેળવ્યો અને દાનવોને તેનાથી દૂર રાખ્યા. તે પછી ભગવાન શંકર વૈદમય શરીર ધારણ કરી સ્નેનેશ્વર નામે સ્વયંભૂ પ્રગટ થયા.

આ સ્થાને દેવોને પરમ આનંદ પ્રાપ્ત થયો તેથી સ્તનમ્બર- તીર્થરાજ’ અને ‘તીર્થોનાં પરમ તીર્થ સઘળા તીર્થોમાં શ્રેષ્ઠ ગણાય છે. સંસ્કૃતમાં ‘તેન’ શબ્દનો અર્થ ચોરી જવું-હરી જવું થાય છે. આજ સત્ય અને પૌરાણિક હકીકત હતી છે અને રેહશે.

ઠગ મિતુલ ત્રિવેદીએ સ્તેનેશ્વર મહાદેવ મંદિરના પૌરાણિક હોવાના પુરાવા લાવી આપવા કહ્યું હતું: ટ્રસ્ટી
સ્તેનેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી નવિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, એક મંદિરમાં મિતુલ ત્રિવેદી સાથે ટ્રસ્ટીઓની ઓળખાણ થઈ હતી. મિતુલ ત્રિવેદીએ અદ્દભૂત વાક્છટા દ્વારા સ્તેનેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક હોવાના પુરાવા પોતે મેળવી આપશે તેવી વાતો કરી હતી. મંદિર તરફથી તેને કોઈ અવેજ અપાયું નહોતું પરંતુ મિતુલ ત્રિવેદીએ પોતાની જાતને સાચા સાબિત કરવા માટે સર્ટિફિકેટ આપ્યા હતા. જે તે સમયે અન્યોની જેમ મંદિરના ટ્રસ્ટીઓ પણ મિતુલ ત્રિવેદીની ધાર્મિક વાતોથી દોરાઈ ગયા હતા.

Most Popular

To Top