SURAT

‘ગુજરાતમિત્ર’એ કાન આમળતાં સુરત મનપાનું તંત્ર જાગ્યું! 30 હજાર કૂતરાના રસીકરણ-ખસીકરણ કરાશે

સુરત: છેલ્લા છ માસથી સુરતમાં(Surat) માસુમ બાળકોને (Child) ફાડી ખાવાથી માંડીને લોકોને કરડીને હડકવા (Rabies) કરી દેતા રખડતા કૂતરાઓનો (Street Dog) ત્રાસ વધી ગયો હતો. શહેરમાં જ્યાં જુવો ત્યાં કૂતરાઓના ઝુંડ જોવા મળતા હતા અને તંત્ર કૂતરાઓને અંકુશમાં લઈ શકતું નહોતું.

રખડતા કૂતરાઓના આ ત્રાસ મામલે ‘ગુજરાતમિત્ર’એ અહેવાલો દ્વારા ભાજપ શાસકો અને મનપા તંત્રનો કાન આમળતાં હવે તંત્ર જાગ્યું છે અને સુરતમાં 30 હજાર કૂતરાઓના રસીકરણ (Vaccination) અને ખસીકરણ માટે આયોજનો કરવામાં આવ્યા છે. રખડતા કૂતરાઓને રાખવા માટેની ક્ષમતા પણ ત્રણ ગણી કરવામાં આવશે. આ માટે તંત્રએ દરખાસ્ત તૈયાર કરીને મનપાના શાસકોની મંજૂરી માંગી છે.

સુરતમાં આશરે 80 હજાર જેટલા કૂતરાઓ હોવાનો અંદાજ છે. જો કે, હાલમાં સરવે કરવામાં આવે તો રખડતા કૂતરાઓની સંખ્યા સવા લાખથી પણ વધારે થાય તેમ છે. મનપાના રસીકરણ-ખસીકરણના દાવાઓ વચ્ચે રખડતા કૂતરાઓની સંખ્યા ઘટવાને બદલે વધતી જ રહે છે. જેને કારણે સુરતમાં ડોગ બાઈટ્સના (Dog Bites) રોજ 50થી 100 જેટલા કેસ નોંધાતા હતા. રખડતા કૂતરાઓને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

જો કે, હવે તંત્ર આ માટે કામગીરી કરવા તૈયાર થયું છે. મનપા દ્વારા આ માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રખડતાં કૂતરાને જે તે સ્થળેથી ઉંચકીને શેલ્ટર હોમમાં રાખીને તેનું રસીકરણ-ખસીકરણ કરી તેને પરત તે જ સ્થળે છોડવાની કામગીરી કરવાનું નિયત કરવામાં આવ્યું છે. આ ટેન્ડરિંગમાં ત્રણ સંસ્થા દ્વારા ટેન્ડરો ભરવામાં આવ્યા હતા. જેમાં યશ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટરનું ટેન્ડર 1190 રૂપિયા પ્રતિ કૂતરાએ સૌથી ઓછા ભાવનું હોવાથી તેનું ટેન્ડર સ્વીકારવાની ભલામણ તંત્ર દ્વારા શાસકોને કરવામાં આવી છે. રૂપિયા 4.15 કરોડના ખર્ચે 30 હજાર રખડતા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવામાં આવશે.

રસીકરણ-ખસીકરણનું તટસ્થ મોનીટરીંગ પણ જરૂરી..નહીતર જંગલમે મોર નાચા… જેવી સ્થિતી
સુરત મહાપાલિકા દ્વારા હાલમાં પણ રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવામાં આવી જ રહી છે છતાં પણ રખડતા કૂતરાઓની સંખ્યા વધી જ રહી છે. જેને પગલે આ કામગીરીનું મોનિટરિંગ થાય છે કે કેમ? તે સૌથી મોટો પ્રશ્ન છે. એજન્સીઓ દ્વારા કામગીરી નહીં કરી બારોબાર મનપા પાસેથી નાણાં વસૂલી લેવામાં આવી રહ્યા હોવાની આશંકાઓ પણ ઉઠી રહી છે.

ખુદ મનપાનું તંત્ર છાતી ઠોકીને રસીકરણ અને ખસીકરણની કામગીરી થઈ રહી છે તેમ કહી શકે તેમ નથી. રસીકરણ અને ખસીકરણ કરવા છતાં પણ રખડતા કૂતરાઓ કરડવાની ઘટનાઓ ઘટતી નથી. આ કારણે જ હવે જ્યારે નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે ત્યારે સૌથી જરૂરી છે કે રસીકરણ અને ખસીકરણની કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવે.

તંત્રના અધિકારીઓ અને હજુ સુધી ડોગ બાઈટ્સનો ભોગ બનેલાની મુલાકાત પણ નહીં લેનાર મનપાના શાસકો કંઈ નહીં તો મોનિટરિંગ કરે તે જરૂરી છે. જો યોગ્ય રીતે આ કોન્ટ્રાક્ટની કામગીરીનું મોનિટરિંગ કરવામાં નહીં આવે તો અગાઉ જેવી જ સ્થિતિ રહેશે તે નક્કી છે.

મનપા દ્વારા રસીકરણ-ખસીકરણ અને કુતરા રાખવાની ક્ષમતામાં ત્રણ ગણો વધારો
છેલ્લા છ માસ માસથી શહેરમાં ડોગબાઇટના વધતા કેસને લઇ મનપા દ્વારા રસીકરણથી માંડીને પકડાયેલા કુતરાઓને રાખવાની ક્ષમતામાં ત્રણ ગણો વધારો કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અગાઉ 25 જેટલા પાંજરા હતા પરંતુ હવે ભેસ્તાન ખાતે નવા 55 પાંજરા બનાવી કુલ 570 ડોગ રાખવાની કેપેસીટી કરવામાં આવી છે.

જયારે છેલ્લા 3 વર્ષમાં શહેરમાં 21371 રખડતા કુતરા પકડીને તે પૈકી 17735 કુતરાઓમાં ખસીકરણ-રસીકરણ કરાયું જેમાં છેલ્લા છ મહિનામાં જ 7996 કુતરાઓનું રસીકરણ-ખસીકરણ કર્યુ હોવાનો દાવો મનપા દ્વારા કરાયો છે. છ માસથી ડોગબાઇટના કેસ વધતા તંત્ર દ્વારા રસીકરણ ખસીકરણની ઝડપ વધારવા માટે છ ટીમ અને પાંચ ડોકટરનો વધારો કરવામાં આવ્યો છે.

Most Popular

To Top