Gujarat

બ્રોડકાસ્ટની ચેનલોના ભાવમાં અસહ્ય વધારો થતા રાજ્યના કેબલ ઓપરેટરો લડાયક મૂડમાં

અમદાવાદ: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)ના નવા ટેરીફ ઓર્ડરમાં છટકબારીઓ શોધીને અસહ્ય ભાવ વધારો કરીને ચેનલોનું (Channels) પ્રસારણ અટકાવી દેતાં મનોરંજન મેળવતી જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોઈપણ જાતની જાણ કર્યા વિના અચાનક જ પે ચેનલોના ભાવ વધારા કરી, ઓપરેટરોને જાણ કર્યા વગર જ ચેનલ બંધ કરી દેતાં રાજ્યના કેબલ ઓપરેટરોમાં (Cable operators) ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ તમામ મુદ્દાઓ અંગે કેબલ ઓપરેટર એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાશે. જો પ્રશ્નનો સુખદ ઉકેલ નહીં આવે તો આ અંગે રાજ્યભરમાં ઉગ્ર આંદોલન ચલાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

કેબલ ઓપરેટર એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ પ્રમોદ પંડ્યાએ જણાવ્યું હતું કે અવારનવાર ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) તથા ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીમાં સતત રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેને કારણે કેબલ ઓપરેટરો મુશ્કેલીમાં મુકાયા છે. ઓટીટી (ઓવર ધ ટોપ) દ્વારા જ્યારે ચોથા ભાગના ભાવે ચેનલ દર્શાવવામાં આવે છે. એ જ ચેનલની અહીંયા (કેબલ ટીવી) પૂરી કિંમત વસૂલવામાં આવે છે. અમુક ચોક્કસ ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે આ રીતે થઈ રહ્યું છે. 2019 માં ટેરીફ ઓર્ડર-1 લાગુ થયો એ સમયે દેશભરમાં લગભગ 15 લાખથી વધુ કેબલ ઓપરેટર સક્રિય હતા. આજે એમાંથી 6 લાખથી વધુ ઓપરેટરો આ ધંધો છોડીને જતા રહ્યા છે. હજુ પણ જો કોઈ નક્કર પગલા નહીં લેવામાં આવે તો આ ઉદ્યોગ પડી ભાંગશે.

આ બાબતે કેબલ ઓપરેટર એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન પણ દાખલ કરવામાં આવી છે. આ પિટિશનની સુનાવણી આગામી મહિનામાં હાથ ધરાનાર છે.

પ્રમોદ પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે જો હાઇકોર્ટમાં આ અંગે કોઈ યોગ્ય ઉકેલ નહીં આવે તો, આ સમગ્ર મામલે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ સાંસદોના ઘેરાવા કરવાનો કાર્યક્રમ પણ કરાશે. આ ઉપરાંત કેબલ ઓપરેટર એસોસિયેશન દ્વારા દરેક જિલ્લાએ ઉગ્ર આદોલન કાર્યક્રમો આપી વિરોધ કરાશે.

Most Popular

To Top