World

અમેરિકામાં શાળા પર થયેલા ફાયરીંગ બાદ કેનેડામાં લેવાયો આ નિર્ણય

કેનેડા: અમેરિકા(America)નાં ટેક્સાસ શહેરમાં 6 દિવસ અગાઉ શાળા પર 18 વર્ષીય યુવકે પ્રાથમિક શાળામાં ગોળીબાર (Firing) કર્યો હતો. જેમાં 19 વિદ્યાર્થી સહિત 23નાં મોત થયા હતા. આ ઘટના બાદ હવે કેનેડા(Canada)માં બંદૂક(Gun)ના ખરીદ- વેચાણ પર પ્રતિબંધ લાવવામાં આવશે. આ માટે સાંસદમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જે અંગે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ અંગે જાહેરાત કરી હતી.

બંદુકનાં ખરીદ-વેચાણ પર પ્રતિબંધ લાગશે
કેનેડાનાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે હેન્ડગનની માલિકી પર રાષ્ટ્રીય મોરેટોરિયમ લાગુ કરવા માટે કાયદો રજૂ કરી રહ્યા છીએ એટલે કે તેના પર પ્રતિબંધ લાગુ કરવા માટે કાયદો લાવી રહ્યા છે. જેથી હવે કેનેડામાં ક્યાંય પણ હેન્ડગનની ખરીદી –વેચાણ કે પછી આયાત-નિકાસ કરી શકાશે નહિ. સંયુક્ત રાજ્ય અમેરિકાએ તાજેતરમાં જ સ્કૂલમાં થયેલા ગોળીબાર પછી નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ બિલ હજી સંસદમાં પસાર કરવાનું બાકી છે, જ્યારે સંસદમાં સત્તામાં રહેલી પાર્ટીઓ પાસે સીટ પણ ઓછી છે.

કેનેડામાં લગભગ 10 લાખ હેન્ડગન
સરકારી એજન્સીનાં અહેવાલ મુજબ, કેનેડામાં તમામ હિંસક ગુનાઓમાં હથિયારો સંબંધિત હિંસક ગુનાઓ ત્રણ ટકાથી ઓછા છે. પરંતુ 2009થી કોઈ વ્યક્તિ પર બંદૂક ચલાવવાનો માથાદીઠ દર લગભગ ત્રણ ગણો વધી ગયો છે, જ્યારે મારવા અથવા ઘાયલ કરવાના ઉદ્દેશ્ય સાથે બંદૂકનો ઉપયોગ કરવાનો દર પાંચ ગણો વધી ગયો છે. શહેરી વિસ્તારોમાં લગભગ બે તૃતીયાંશ ગન ગુનાઓમાં હેન્ડગન સામેલ હતા. પબ્લિક સેફ્ટી મિનિસ્ટર માર્કો મેન્ડિસિનોએ અનુમાન લગાવ્યું હતું કે આ દેશમાં લગભગ 10 લાખ હેન્ડગન છે. જે એક દશકા પહેલાંની સરખામણીએ ઘણી વધારે છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2020 માં ગ્રામીણ નોવા સ્કોટીયામાં કેનેડાના સૌથી ખરાબ સામૂહિક ગોળીબારમાં 23 લોકો માર્યા હતા ત્યાર બાદ સરકારે 1,500 પ્રકારના લશ્કરી-ગ્રેડ અથવા હુમલો-શૈલીના હથિયારો પર પ્રતિબંધ મૂક્યો હતો.

બંદૂકની હિંસા એક જટિલ સમસ્યા: પી.એમ ટ્રુડો
પી.એમ ટ્રુડોએ ટિપ્પણી કરતા સ્વીકાર્યું કે, “બંદૂકની હિંસા એક જટિલ સમસ્યા છે. આપણા સમુદાયોમાં આપણી પાસે જેટલી ઓછી બંદૂકો છે, તે વધુ સુરક્ષિત છે. લોકોએ કોઈપણ ડર વિના સુપરમાર્કેટ, તેમની શાળા અથવા તેમના પૂજા સ્થળ પર જવા માટે મુક્ત હોવું જોઈએ. છૂટાછવાયા ગોળીથી શું થશે તેની ચિંતા કર્યા વિના લોકોએ પાર્કમાં જવા અથવા જન્મદિવસની પાર્ટી કરવા માટે મુક્ત હોવું જોઈએ.

Most Popular

To Top