Business

શેરબજારમાં ભારે કડાકો: અદાણીના શેર્સની કિંમતમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો

મુંબઈ: સપ્તાહનો ત્રીજો ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજારના (Share Market) રોકાણકારો માટે ખૂબ જ ખરાબ રહ્યો. બજાર ઘટાડે શરૂ થયું હતું. પહેલાં બે કલાકમાં જ ભારે કડાકો બોલી ગયો હતો, જે બજાર બંધ થયું ત્યાં સુધી યથાવત રહ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 773.69 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું. BSEના પગલે નિફ્ટી પણ 255 પોઈન્ટ તૂટ્યો હતો. સૌથી વધુ બેન્કિંગ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સેક્ટરમાં રોકાણકારો માથે હાથ દઈને રડ્યા હતા.

શરૂઆતી બે કલાકમાં સેન્સેક્સ 869 પોઈન્ટ સુધી ગગડ્યો
બુધવારે સવારે 11.30 વાગ્યા સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ773.69 પોઈન્ટ અથવા 1.27 ટકા ઘટીને 60,250.78 ના સ્તરે પહોંચ્યો હતો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 226.35 પોઈન્ટ અથવા 1.25 ટકા ઘટીને 17,891.95ના સ્તરે બંધ થયો હતો.

શેરબજારમાં મજબૂત વેચવાલી
બુધવારે શેરબજાર ખુલતાની સાથે જ વેચાણની પ્રક્રિયા શરૂ થઈ અને તેનું દબાણ એટલું વધી ગયું કે બજાર તૂટી ગયું. જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. તેમાં લગભગ ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. આ સાથે જ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની કંપનીઓના શેર પણ ખરાબ રીતે ટ્રેડ થયા હતા.

અદાણીના શેરમાં ઘટાડો
દિવસના ટ્રેડિંગ દરમિયાન બુધવારે ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ્સ 6.59 ટકા ઘટીને રૂ. 711.00, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ 2.93 ટકા ઘટીને રૂ. 3,341.20, અદાણી વિલ્મર લિમિટેડ 4.37 ટકા ઘટીને રૂ. 547.65 અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ 7.21 ટકા ઘટીને રૂ. 463.00ના સ્તરે બિઝનેસ કરે છે.

બેંકિંગ શેરોમાં જબરદસ્ત ઘટાડો
શેરબજારમાં સુનામીની અસર બેંકિંગ શેરો પર પણ જોવા મળી હતી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાથી લઈને એચડીએફસી બેંક સુધીના શેરમાં ભારે ઘટાડો થયો હતો.બેંક ઓફ બરોડાના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. અત્યાર સુધી 5.73 ટકાનો ઘટાડો થયો હતો.167.75 રૂ. પર આવી પહોંચ્યો હતો.

આ સાથે જ બેન્ક ઓફ ઈન્ડિયાનો શેર 5.54 ટકા ઘટીને રૂ. 81.05 અને કેનેરા બેન્કનો શેર 4.98 ટકા ઘટીને રૂ. 304.65 થયો હતો. SBIનો શેર 3.71 ટકા ઘટીને રૂ. 572.30ના સ્તરે આવ્યો હતો. તે જ સમયે, HDFC બેંકનો શેર 2.43 ટકા ઘટીને રૂ. 1,654.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ શેરોના રોકાણકારોને પણ આંચકો લાગ્યો હતો.
શેરબજારમાં આવેલા ઘટાડાની અસર માત્ર અદાણી ગ્રૂપની કંપનીઓ અને બેન્કિંગ શેર્સ પૂરતી મર્યાદિત ન હતી. ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડસ ટાવર્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા.

Most Popular

To Top