Gujarat

વડોદરાની કંપનીમાં બોઈલર ફાટ્યું, 2 કામદારોના મોત, 14ને ઈજા, બાળકો પણ દાઝ્યા

વડોદરા: મધ્ય ગુજરાતમાં (Madhya Gujarat) દસ દિવસના ગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આજે વડોદરાના (Vadodara) વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની (Boiler blast) ઘટના બની હતી. વડોદરાના મકરપુરાના GIDCની કેન્ટોન લેબોરેટરીમાં(Canton Laboratory) આજે સવારે બોઈલર ફાટ્યું હતું, જેના લીધે આગ ફાટી નીકળી હતી. બોઈલરની નીચે દબાઈ જવાના લીધે 2 કામદારોના મોત થયા છે, જ્યારે બાળકો સહિત 14 કામદારોને ઈજા થઈ હોવાના અહેવાલ સાંપડ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. બોઈલર નીચે વધુ કામદારો દબાયેલા હોવાની આશંકાના પગલે ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.

  • કેન્ટોન લેબોરેટરી કંપની દ્વારા ઘરની બાજુમાં ગેરકાયદે બોઈલર ઉભું કરાયું હતું, બોઈલર પાસે જ કામદારો રહેતા હતા
  • કેન્ટોન લેબોરેટીઝ કંપનીના પરિસરમાં જ કામદારોના રહેવા માટે એક વસાહત બનાવાઈ હતી
  • બોઈલરનું ટેમ્પરેચર મેઈન્ટેઈન નહીં કરાતા ગરમ થવાથી ફાટ્યું હોવાનું અનુમાન
  • વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે દોઢ કિલોમીટર દૂર સુધી તેના ઝાટકા અનુભવ્યા

વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં આજે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ બોઈલર ફાટવાની ઘટના બની છે. બોઈલર ફાટતાં કંપનીમાં કામ કરતા અનેક કર્મચારીઓ દાઝ્યા છે. તમામ કર્મચારીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી.

કેન્ટોન લેબોરેટીઝ કંપનીના પરિસરમાં જ કામદારોના રહેવા માટે એક વસાહત બનાવાઈ છે. આ વસાહતની નજીક જ બોઈલર ફાટ્યું હતું, જેના લીધે કામદારોના નાના બાળકો પણ આગની ઝપેટમાં વી ગયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના ઔદ્યોગિક એકમો હચમચી ઉઠ્યા હતા. દોઢ કિલોમીટર દૂર સુધીની ઈમારતોના કાચ તૂટી ગયા હતા. કંપનીની બાજુમાં આવેલા ઘરની દીવાલ પણ તૂટી ગઈ હતી.

ફાયરના સૂત્રોએ કહ્યું કે, કંપની દ્વારા ગેરકાયદે બોઈલર બનાવાયું હતું. ઘરની બાજુમાં બોઈલર બનાવી શકાય નહીં, તેમ છતાં કંપની દ્વારા આ ગેરકાયદે કામ કરાયું હતું. ઘરમાં કામદારો અને તેમના પરિવારજનો રહેતા હતા. બોઈલર વધુ ગરમ થતાં ફાટ્યું હોવાનું અનુમાન છે.

દસ દિવસ પહેલાં જ પંચમહાલની GFL કંપનીમાં બ્લાસ્ટ થયો હતો

હજુ દસ દિવસ પહેલાં જ મધ્યગુજરાતમાં મોટી આગની ઘટના બની હતી. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPI-1 પ્લાન્ટમાં 16 ડિસેમ્બરના રોજ સવારે પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત 20 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા.

Most Popular

To Top