Charchapatra

સહકારી સંસ્થાઓનું ભાજપીકરણ!!

દેશભરમાં સહકારી  સંસ્થાઓ ચાલે છે, જેમાં ગુજરાતની સહકારી પ્રવૃત્તિમાં સુરત જિલ્લાની સહકારી પ્રવૃત્તિ અવ્વલ નંબરે છે, કેમકે સો ટચના સોના જેવા સહકારી નેતાઓ સહકારી ભાવનાથી રંગાયેલા છે. પહેલાં સહકારી સંસ્થાઓમાં રાજકારણ ન હતું. સંચાલકમંડળમાં અનુભવી પીઢ કાર્યકરને પક્ષપાત વિના સ્થાન આપવામાં આવતું હતું. પરંતુ જયારથી ભાજપે કેન્દ્ર કે રાજયોમાં સત્તા મેળવી ત્યાર પછી હવે ભાજપ નાની મોટી સંસ્થાઓમાં પણ પગપેસારો કરવા લાગી છે. કોંગ્રેસી ગણાતા કાર્યકરોને વીણી વીણીને કાઢવા માંડી છે અને દરેક સંસ્થામાં પ્રમુખ ઉપપ્રમુખ કે ડિરેકટરો ભાજપી જ હોવા જોઇએ તેવો વ્યૂહ અપનાવી રહી છે.

સહકારી સંસ્થાની બોડી પણ બિનહરીફ કરવા પેંતરા રચવામાં આવી રહ્યા છે. પ્રમુખ ઉપપ્રમુખ માટે પણ બંધ કવરમાં આદેશ  મોકલાય છે. આ પ્રણાલિકા યોગ્ય નથી કેમ કે ચુંટાયેલા સભ્યો નક્કી કરે તે જ હોદ્દેદારો બની શકે, તજ સાચી લોકશાહી ગણાય છે. કેમકે મેન્ડેન્ટ આપવામાં પણ સોદાબાજી થતી હોય તેમ કહેવાય છે. આજે તો સહકારી નેતાઓ પણ સત્તા પર ચીટકી રહેવા માટે ‘પવન જોઇને સૂપડું મૂકી રહ્યા છે. આ દેશમાં લોકશાહી છે. આથી આ દેશમાં આદેશ ન જોઇએ. આદેશ કરવાથી આવેશ ઊભો થાય છે. અંતમાં સહકારી સંસ્થાઓનું ભાજપીકરણ થવાથી સંસ્થાઓ રાજકીય અખાડો બને તો નવાઇ નહીં. સહકારી સંસ્થાઓમાં રાજકારણ ન હોવું જોઇએ.
તરસાડા  – પ્રવીણસિંહ મહિડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top