Dakshin Gujarat

હત્યારાએ મિત્રને આપી ધમકી- ‘રાજા આવે તો કહેજે, અજય છૂટી ગયો છે, જ્યાં હોય ત્યાંથી ભાગી જાય’

બીલીમોરા: (Bilimora) નવ મહિના પહેલા આતલીયાના તત્કાલિન સરપંચના પુત્રની હત્યામાં (Murder) સંડોવાયેલા આરોપીએ મરનારના મિત્રને ઇંસ્ટાગ્રામ (Instagram) ઉપર મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે (Police) આરોપી સામે થયેલી ફરિયાદના આધારે આઈ.ટી એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

  • ‘કેમ ભૂલી ગયો, રાજા ક્યાં છે એ આવે તો કહેજે, અજય છૂટી ગયો છે, જ્યાં હોય ત્યાંથી ભાગી જાય’
  • આતલીયાના સરપંચના પુત્રની હત્યામાં સંડોવાયેલા આરોપીની મરનારના મિત્રને ઇંસ્ટાગ્રામ ઉપર મારી નાખવાની ધમકી

આતલિયા ગામના માજી સરપંચ લલીતાબેન છગનભાઈ પટેલના પુત્ર નિમેષ છગનભાઈ પટેલનું નવ મહિના પહેલા બીલીમોરા ગોહરબાગમાં મર્ડર થયું હતું. જે પછી પોલીસે 13 આરોપીઓની ધરપકડ કરી જેલમાં પૂરી દીધા હતા, તે પૈકી એક આરોપી અજય સુભાષ યાદવ પણ સજા ભોગવતો હતો. પણ હાલમાં જ જેલમાંથી બહાર આવતાં મરનાર નિમેષ પટેલનો આતલિયાની શિવશક્તિ નગરમાં રહેતો મિત્ર અજયકુમાર ઉર્ફે રાજા અનિલસિંહ રાજપૂત (22) ના મોબાઈલ ફોન ઉપર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગઈ તારીખ 9/6/2022 અજય સુભાષ યાદવએ મેસેજ મુક્યો હતો.

જેમાં જણાવ્યું હતું કે ‘કેમ ભૂલી ગયો, રાજા ક્યાં છે’ એ આવે તો કહેજે કે અજય છૂટી ગયો છે, જ્યાં હોય ત્યાંથી ભાગી જાય’ કહી ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા અજયકુમાર ઉર્ફે રાજા અનિલસિંહ રાજપૂત કે જે વિરોધી ગ્રુપનો મિત્ર હોવાનું કહેવાય છે. તેને ધમકી આપનાર અજય સુભાષભાઈ યાદવ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા હત્યા કેસના આરોપીની ધમકીને પોલીસે ગંભીરતાપુર્વક લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની તપાસ સિનિયર પો.સ.ઇ ડીઆર પઢેરિયા કરી રહ્યા છે.

એરૂ ગામમાંથી એક જ રાતમાં 2 બાઈક ચોરાઈ
નવસારી : એરૂ ગામેથી એક રાતમાં કોઈ અજાણ્યો ચોર 2 બાઈક ચોરી કરી નાસી ગયાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના એરૂ ગામે નાની દેસાળપોળમાં રહેતા રમેશભાઈ નટવરલાલ પટેલે તેમની બાઈક (નં. જીજે-21-બીઆર-3095) ઘર પાસે મૂકી હતી. તેમજ એરૂ ગામે કુંભારવાડમાં રહેતા હિમાંશુભાઈએ તેમની બાઈક (નં. જીજે-21-બીપી-8222) પણ તેમના ઘર આંગણે પાર્ક કરી હતી. દરમિયાન મોડી રાત્રે કોઈ અજાણ્યો ચોરે રમેશભાઈની બાઈક અને હિમાંશુભાઈની બાઈકનું સ્ટિયરીંગ લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવી વડે સ્ટિયરીંગ લોક ખોલી બાઈકની ચોરી કરી નાસી ગયો હતો.

બીજા દિવસે સવારે રમેશભાઈ અને હિમાંશુભાઈને તેમની બાઈક નહીં મળતા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ તેમની બાઈક મળી ન હતી. આ બનાવ અંગે રમેશભાઈએ જલાલપોર પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એ.એન. ચૌધરીએ હાથ ધરી છે. હાલમાં નવસારી અને આજુબાજુના વિસ્તારોમાં ચોરીનું પ્રમાણ વધી ગયું છે. ચોરટાઓ રોજ વિવિધ વિસ્તારોમાં બંધ ઘરોમાં ઘુસી રોકડા અને સોના-ચાંદીની ચોરી કરી રહ્યા છે. તેમજ બાઈક અને મોબાઈલની ચોરી કરી રહ્યા છે. પરંતુ પોલીસ હજી ચોરીનો સિલસિલો રોકી શકી નથી. ચોરટાઓ બેફામ થઇ રહ્યા છે. જોકે પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ વધુ કરી રહી છે. છતાં પણ ચોરટાઓ પકડાતા નથી.

Most Popular

To Top