Dakshin Gujarat

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર સુરત અને ભરૂચથી આવતા વાહનો વચ્ચે સર્જાયો વિચિત્ર અકસ્માત

ભરૂચ: (Bharuch) ભરૂચના નર્મદા મૈયા બ્રિજ (Narmada Maiya Bridge) ઉપર સુરત અને ભરૂચથી આવતા વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. નર્મદા મૈયા બ્રિજ પર રવિવારે બપોરે અંકલેશ્વર જતી લેન ઉપર ભરૂચથી રોંગસાઈડ આવતી કારને પગલે સુરત (Surat) તરફથી આવતા અન્ય વાહન ચાલકોએ બ્રેક મારતા એકબીજાની પાછળ 5થી વધુ કાર ભટકાઈ હતી. અકસ્માતના પગલે બાળક સહિત 5 લોકોને ઇજા થઇ હતી.

  • ભરૂચ બ્રિજ ઉપર રોંગસાઈડ જતી 4 કારને પગલે સામેથી આવતા વાહનોએ બ્રેક મારતા અનેક કાર ભટકાઈ
  • અકસ્માતના પગલે નર્મદા મૈયા બ્રિજ અને કોલેજ રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો, બાળક સહિત પાંચના ઇજા, કોઈ જાનહાની નહીં
  • કોલેજ રોડ ઉપર શોભાયાત્રા હોવાના કારણે વન વે કરાતા કાર ચાલકો રોંગસાઈડ પ્રવેશતા ઘટના ઘટી

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર બે વર્ષમાં પહેલીવાર 4 કાર ચાલકો રોંગ સાઇડમાં ઘુસી જવાની ઘટના રવિવારે બની હતી. ભરૂચ તરફથી સુરત બાજુની લેન ઉપર મહારાષ્ટ્ર પાર્સિંગની ઇનોવા, તેની પાછળ ઇકો, સ્વિફ્ટ સહિત 4 વાહનો આવી ચઢ્યા હતા. બ્રિજની વચ્ચેના ભાગે સામેથી રોંગસાઈડ આવતી કાર જોઈ સુરત તરફથી ભરૂચ બાજુ આવી રહેલા વાહનચાલકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સામ સામે ગાડીઓ ટકરાય નહી એટલે વાહન ચાલકોએ એકાએક બ્રેક મારતા બંને તરફ પાછળ રહેલી પાંચથી વધુ કાર એકબીજા સાથે અથડાતા બાળક સહિત 5 લોકોને નાની મોટી ઇજા પહોચી હતી. અકસ્માતગ્રસ્ત ગાડીઓના ખડકલા વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતની જાણ 108ને થતા ઘટના સ્થળે પહોચી હતી. ઇજાગ્રસ્તોને સ્થળ ઉપર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બ્રિજની બંને તરફની લેનમાં વાહનોની કતારો લાગી ગઈ હતી.

અકસ્માતમાં ઘવાયેલા 4 થી 5 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોલેજ રોડ ઉપરનો રસ્તો શોભાયાત્રાને કારણે વન વે હોવાથી ભરૂચ તરફથી ઇનોવા કારનાં ચાલકે નર્મદા મૈયા બ્રિજ ઉપર અંકલેશ્વરથી આવતી લેનમાં રોંગસાઈડ વાહન ચલાવ્યું હતું. મહારાષ્ટ્ર પાર્સિંગની ઇનોવા કાર પાછળ અન્ય 3 વાહનો પણ બ્રિજ પર રોંગસાઈડ ઘુસી જતા સામ સામે અને બ્રેક મારતા એકની પાછળ એક કાર ઘુસી જવાની ઘટના બની હતી.

Most Popular

To Top