SURAT

રોડ પર હોળી પ્રગટાવતા પહેલાં આટલી બાબતોનું રાખજો ધ્યાન, સુરત મનપાની લોકોને અપીલ

સુરત(Surat): હોળી (Holi) તહેવાર (Festival) નજીકમાં જ છે. રવિવારે તા. 24 માર્ચના રોજ હોળી છે. આ પાવન પર્વમાં ભક્તો ઠેરઠેર જાહેરમાં હોળી પ્રગટાવી હોલિકાની પૂજા કરતા હોય છે. આ વર્ષે સુરત મનપા (SMC) દ્વારા હોળી પ્રગટાવવા અંગેની ગાઈડલાઈન (SMC Guideline) જાહેર કરાઈ છે. ગાઈડલાઈનનું પાલન કરવા સુરત મનપાએ લોકોને અપીલ (Appeal) કરી છે.

સુરત મહાનગરપાલિકાએ હોળી કેવી રીતે પ્રગટાવવી તે માટેની ગાઈડલાઈન જાહેર કરી છે. શહેરના જાહેર કે સોસાયટીના રોડ પર માટી તથા છાણ મિશ્રિત લીંપણ કર્યા બાદ એક ઈંટનું થર પાથરી હોળી પ્રગટાવવા માટે સુરત મનપા દ્વારા સુચના જાહેર કરવામાં આવી છે.

હોળી પ્રગટાવવા માટે પાલિકાની ગાઈડલાઈન

  • હોળી સીધે સીધે સિમેન્ટ-કોંક્રિંટ કે ડામરના રોડ પર પ્રગટાવવી નહીં
  • રોડ પર છાણ-માટીનું લીંપણ કરી તેની પર ઈંટ અથવા રેતી માટીનું થર પાથરી તેની પર હોળી પ્રગટાવવી
  • રાહદારી, વાહનચાલકોને હોળીની જ્વાળાથી નુકસાન ન થાય તેવી જગ્યા પર હોળી પ્રગટાવવી
  • હોળી ઠરી ગયા બાદ રાખ, બળેલું લાકડું કે અન્ય પૂજા સામગ્રીને સલામત સ્થળે ખસેડવાનું ધ્યાન રાખવું

સીધા ડામર રોડ ઉપર લાકડાં, ઘાસ, છાણા વિગેરે એકઠા કરી હોળી પ્રગટાવવી નહી તેવી સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. ડામરના રોડ પર સીધી જ હોળી પ્રગટાવવાના લીધે હોળીની આગની સીધી ગરમીના લીધે રસ્તાના ડામર પીગળી જાય છે અને તેના લીધે રોડના જંકશન તૂટી જાય છે. હોળી બાદ જંકશનના મેઈન્ટેન્સ પાછળ પાલિકાને ખર્ચ થાય છે.

આ રીતે હોળી પ્રગટાવવા અપીલ
હોળીની ગરમીથી રોડને બચાવવા માટે પાલિકાએ ગાઈડલાઈન જાહેર કરી છે. મનપાએ ગાઈડલાઈનમાં સ્પષ્ટ લખ્યું છે કે, ડામર રસ્તા પર પહેલાં છાણ અને માટીનું જાડું લીંપણ કરવામાં આવે. તે લીંપણ પર ઈંટ અથવા રેતી-માટીના થર પાથરવામાં આવે. આ થર પર જ હોળી પ્રગટાવવાની સૂચના છે. આ રીતે હોળી પ્રગટાવવાથી પાલિકાના રોડને ઓછું નુકસાન થાય છે. આ ઉપરાંત ટ્રાફિક અવરોધાય નહીં, રાહદારીઓને હોળીની જવાળાથી નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવા અપીલ કરાઈ છે. હોળી ઠરી ગયા બાદ બળેલા લાકડાં, રાખ, પુજા સામગ્રી સલામત સ્થળે ખસેડવા પણ વિનંતી કરાઈ છે.

Most Popular

To Top