SURAT

બોલો, સુરતના ફાયર વિભાગે કામદાર રાજ્ય વીમા હોસ્પિટલને જ સીલ મારી દીધું, આ ખામી હતી

સુરત: સરકારી તંત્રના લાપરવાહ કારભારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજ્ય કામદાર વીમા હોસ્પિટલમાં (State Workers’ Insurance Hospital) જ ઓક્સિજનનો (Oxygen) અભાવ હતો. આ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ નહીં કાઢવામાં આવતા આખરે સુરત મનપા હેઠળના ફાયર વિભાગે હોસ્પિટલને સીલ મારી દીધું છે.

  • રિંગરોડની રાજ્ય કામદાર વીમા હોસ્પિટલને સીલ મરાયું
  • ભાડાની હોસ્પિટલના બેઝમેન્ટમાં ચાલતી હતી હોસ્પિટલ
  • બેઝમેન્ટમાં ઓક્સિજન લેવલ ઓછું હોઈ નોટીસ આપી હતી
  • બે મહિનામાં બે વાર નોટીસ આપી છતાં કોઈ સુધારો કર્યો નહીં

આજે ગુરુવારે તા. 23 નવેમ્બરના રોજ સુરત ફાયર ડિપાર્ટમેન્ટે રિંગરોડ ખાતે ભાડાના મકાનના બેઝમેન્ટમાં ચાલતી કામદાર રાજ્ય વિમા હોસ્પિટલને સીલ માર્યું છે. આ હોસ્પિટલ જૂની સબજેલ નજીક ભાડાની હોસ્પિટલના બેઝમેન્ટમાં ચાલી રહી હતી. બે મહિના અગાઉ ફાયર બ્રિગેડના ઈન્સ્પેક્શન દરમિયાન બેઝમેન્ટની આ ઓફિસમાં પર્યાપ્ત ઓક્સિજન નહીં હોવાનું સામે આવ્યું હતું.

વીતેલા બે મહિનામાં ફાયર બ્રિગેડ દ્વારા આ મામલે હોસ્પિટલના વહીવટકર્તાઓને બે વાર નોટીસ ઈશ્યુ કરાઈ હતી. અનેકોવાર મૌખિક સૂચના આપવામાં આવી હતી, પરંતુ કોઈએ કાને ધરી નહોતી, તેથી આખરે આજે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા હોસ્પિટલને સીલ મારી દેવાયું છે.

ફાયર ઓફિસર ઓમપ્રકાશએ જણાવ્યું હતું કે બિલ્ડિંગના બેઝમેન્ટમાં ઓક્સિજન લેવલ ઓછું હોવાથી દર્દીઓ અને સ્ટાફના જાનને જોખમ હતું. હોસ્પિટલ તંત્રને આ બાબતે વારંવાર સૂચના આપવામાં આવી હતી. બે મહિનામાં બે વાર નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે ફાયર વિભાગની ચેતવણી અને નોટિસને અવગણીને હોસ્પિટલની કામગીરી ચલાવનાર વહીવટદારોની શાન ઠેકાણે લાવવા જ સિલ મારવામાં આવ્યું છે.

વધુમાં ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે કામદાર રાજ્ય વીમા હોસ્પિટલ, હાલ ભાડાની એક હોસ્પિટલના બિલ્ડિંગના બેઝમેન્ટમાં ચાલી રહી છે. જ્યાં ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું છે. અહીં એક બાજુ દવા સ્ટોર અને બીજી બાજુ વહીવટી ઓફીસ કાર્યરત હતી. જેમાં લગભગ 10 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આવી ગંભીર પરિસ્થિતિમાં વારંવાર રૂબરૂ મળીને સમજાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ બે મહિનામાં બે વાર નોટિસ પણ આપવામાં આવી હતી.

ફાયર ઓફિસર ઓમપ્રકાશએ વધુમાં જણાવ્યું હતું કે અનેકોવાર સૂચના આપ્યા બાદ પણ હોસ્પિટલના વહીવટી તંત્રએ વેન્ટિલેશનના અભાવ અને ઓક્સિજન લેવલ ઓછું હોવા મામલે કોઈ કામગીરી કરી નહોતી જેનું નિરીક્ષણ કર્યા બાદ ચેતવણી પણ અપાઈ હતી. આખરે ફાયર સુરક્ષાના ભાગરૂપે સીલ મારવાનો નિર્ણય લીધો હતો.

Most Popular

To Top