National

20 લાખ સુધીની લોન ભરપાઇ ન થતા બેંકો મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી કરી શકશે, કાર લોનમાં 1 લાખ સુધીની મર્યાદા

સુરત: (Surat) કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકો સરળતાથી લોનની રિકવરી કરી શકે તે માટે કેટલીક જોગવાઇઓમાં બદલાવ કર્યો છે. અત્યાર સુધી રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો પ્રોપર્ટી મોર્ગેજ (Mortgage) કરી મેળવવામાં આવતી 50 લાખ સુધીની લોનની (Loan) ભરપાઇ નહીં થાય તો જ મિલકતની હરાજી કરી શકતા હતાં પરંતુ, હવે સરફેસી એકટમાં સુધારો કરી લોન વસૂલાત માટે હરાજીની મર્યાદા ઘટાડીને 20 લાખ કરવામાં આવી છે. વ્હિકલ લોન માટે 5 લાખની મર્યાદા ઘટાડીને 1 લાખ કરવામાં આવી છે. એટલે કે બેંકોને નિયમિત હપ્તા નહીં ભરનાર કાર લોનધારક 1 લાખ સુધીના હપ્તા નહીં ભરે તો બેંક આવા વાહનો ખેંચી હરાજી કરી શકશે.

  • નાણા મંત્રીએ બેંકોની રીકવરીને સરળ બનાવવા મિલકત મોર્ગેજ પરની મર્યાદા 50 લાખથી ઘટાડી 20 લાખ કરી,
  • કાર લોનમાં 1 લાખ સુધીના ડીફોલ્ટરનું વાહન ખેંચી બેંકો હરાજી કરી શકશે
  • મધ્યમવર્ગીય પરિવારો જો આર્થિક કારણોસર લોનના હપ્તા ભરવામાં ચૂક કરશે તો તેઓની મિલકત હરાજીને પાત્ર બનશે.


નાણા મંત્રીએ કેન્દ્રીય બજેટમાં કરેલા આ નવા સુધારાને બેન્કિંગ સેકટરે આવકાર્યો છે. સિક્યુરીટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરરિટી ઈન્ટરેસ્ટ એક્ટ 2002 એટલે કે સરફેસી એક્ટની જોગવાઈમાં નાણામંત્રીએ બજેટમાં ફેરફાર કર્યા છે. અત્યાર સુધી જો કોઈ કમર્શિયલ કે રેસિડેન્સિયલ પ્રોપર્ટી પર 50 લાખ કે તેથી વધુ રકમની લોન હોય અને લોનધારકે તે લોન ભરપાઈ કરી નહીં હોય તો તેવા કિસ્સામાં બેંક વસૂલાત માટે લોન લેનારની મિલકતની હરાજી કરી શકતી હતી.

નાણામંત્રીએ આ મર્યાદા 50 લાખથી ઘટાડી 20 લાખ કરી દીધી છે. જેના લીધે હવે બેંકો 20 લાખ સુધીની લોનમાં પણ હરાજીનો શસ્ત્ર ઉગામી શકશે. ધી વરાછા કો.ઓપ. બેન્કના ચેરમેન કાનજીભાઈ ભાલાળાએ કહ્યું કે, એનપીએના કેસો પર અંકુશ લાવવા અને બેંકોની તંદુરસ્તી સુધારવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું લાગી રહ્યું છે. ચોક્કસપણે બેંકો હવે ઓછી રકમની લોનના કિસ્સામાં પણ મિલકતની હરાજી કરી પોતાની લેણી રકમની વસૂલાત કરી શકશે.
બેંકોને આ જોગવાઈથી લાભ થશે. ખાસ કરીને કોરોનાને લીધે જે બેંકોના એનપીએ વધી ગયા છે તેવી બેંકોને એનપીએમાં સુધારો કરવા અને રિકવરી કરવામાં સરળતા પડશે. રૂપિયા 20 લાખ કે તેથી વધુની લોન લેનાર મધ્યમવર્ગીય પરિવારો જો કોરોના કે અન્ય આર્થિક કારણોસર લોનના હપ્તા ભરવામાં ચૂક કરશે તો તેઓની મિલકત હરાજીને પાત્ર બનશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top