National

આવતા વર્ષના જુલાઇથી દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટકની વસ્તુઓ પર પ્રતિબંધ

કેન્દ્ર સરકારે જાહેરનામુ બહાર પાડ્યું છે કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (સુધારા) નિયમો, ૨૦૨૧ મુજબ ૧ જુલાઇ, ૨૦૨૨થી દેશમાં એક જ વખત વાપરીને ફેંકી દેવામાં આવતી પ્લાસ્ટિકની વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ આવી જશે. આમાં કેન્ડી સ્ટીક્સ, પ્લાસ્ટિકની પ્લેટો, કપ અને કટલરી વગેરેનો સમાવેશ થાય છે.

આ જાહેરનામામાં જણાવાયું છે કે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧થી પ્લાસ્ટિકની કેરી બેગોની છૂટ માટેની જાડાઇ પ૦ માઇક્રોનથી વધારીને ૭પ માઇક્રોન કરવામાં આવશે અને ડીસેમ્બર ૩૧થી ૨૦૨૨થી ૧૨૦ માઇક્રોન જાડાઇના પ્લાસ્ટિકની આવી થેલીઓની છૂટ આપવામાં આવશે. આ રીતે વધુ જાડાઇના પ્લાસ્ટીકના કારણે થેલીઓ ફરી વપરાશમાં પણ લઇ શકાશે એ મુજબ નિવેદનમાં જણાવાયું છે. નોન-વુવન પ્લાસ્ટિક કેરી બેગો દર ચોરસ મીટરે ૬૦ ગ્રામથી ઓછા વજનની હોવી જોઇએ નહીં. આ નિયમ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧થી અમલમાં આવશે.

પહેલી જુલાઇ, ૨૦૨૨થી સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ જેમાં પોલસ્ટ્રિન અને એક્સપાન્ડેડ પોલિસ્ટ્રીનનો પણ સમાવેશ થાય છે તેના ઉત્પાદન, આયાત, સંગ્રહ, વેચાણ અને વપરાશ પર પ્રતિંબધ આવી જશે એમ આ જાહેરનામામાં જણાવાયું છે. આ વસ્તુઓમાં કેન્ડિની સળીઓ, આઇસક્રીમ સ્ટીક્સ, પ્લાસ્ટિકના ઝંડાઓ, ડેકોરેશન માટેના પોલિસ્ટ્રીન(થર્મોકોલ), પ્લેટો, કપો, ચમચા, છરી જેવી કટલરી, સ્ટ્રો, ટ્રે, રેપરની કે પેકીંગની વસ્તુઓ, ૧૦૦ માઇક્રોન કરતા ઓછી જાડાઇના પીવીસી બેનરો વગેરેનો સમાવેશ થાય છે એમ જાહેરનામામાં જણાવાયું છે. આ મનાઇ જો કે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકની વસ્તુઓને લાગુ પડશે નહીં એમ જાહેરનામામાં જણાવાયું છે.

એક નિવેદનમાં પર્યાવરણ મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે આ મનાઇ હેઠળ આવરી નહીં લેવાયા હોય તેવા પ્લાસ્ટિક પેકેજીંગના કચરાને પર્યાવરણને નુકસાન નહીં થાય તે રીતે ભેગો કરીને તેનું વ્યવસ્થાપન કરવામાં આવશે. ૨૩ જુલાઇએ દેશના ૧૪ રાજ્યો અને સંઘ પ્રદેશોએ પ્લાસ્ટિકના કચરાના વ્યવસ્થાપન માટે એક સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ રચ્યું છે અને પર્યાવરણ મંત્રાલયે પણ આ દિશામાં સંકલન માટે એક નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે.

Most Popular

To Top