Dakshin Gujarat

બલેશ્વરમાં માતા ઘરે જોવા ન મળતાં 10 વર્ષની બાળકી શોધવા નીકળી પડી

પલસાણા: બલેશ્વરમાં 10 વર્ષીય બાળકી સ્કૂલેથી ઘરે આવી ત્યારે તેની માતા ઘરે ના હોવાથી તેને શોધવા નીકળેલી બાળકી ચલથાણ પહોંચી જતાં પલસાણા પોલીસની સમયસૂચકતાથી બાળકીને શોધી તેની માતાને સોંપવામાં આવી હતી.
બલેશ્વર ગામે બિલાલનગરમાં રહેતી એક પરિણીતાએ પલસાણા પોલીસ સ્ટેશન ખાતે આવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ.ગઢવીને જણાવ્યું કે, મારી પુત્રી સોનલ (નામ બદલેલ છે આજરોજ સ્કૂલેથી બપોરે એક વાગ્યે સ્કૂલેથી ઘરે પરત આવી હતી. ત્યાર બાદ તેણે પોતાનું બેગ મૂકી જમીને સોસાયટીમાં રમવા માટે જતી રહી હતી.
ઊંડાણથી તપાસ કરવા બાળકીની શોધખોળ શરુ કરી હતી
મોડી રાત સુધી નહીં આવતાં તેમણે આસપાસ અને સોસાયટીમાં શોધતાં બાળકી મળી નહીં આવતાં પોલીસમથકે જાણ કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે આધારે પલસાણા પી.એસ.આઈ. સી.એમ.ગઢવીએ ઘટનાની ગંભીરતા જાણી અંગત રસ દાખવી ઊંડાણથી તપાસ કરવા બાળકીની શોધખોળ માટે ચોક્કસ દિશામાં ટેક્નિક સપોર્ટ તથા હ્યુમન ઈન્ટેલિજન્સ આધારે અને બાતમીદારો એલર્ટ કરી પોતાની સાથે પોલીસમથકની ત્રણ ટીમ બનાવી અને બાળકીની શોધખોળ ચાલુ કરી હતી. એ દરમિયાન પલસાણા વિસ્તારના પોલીસની ટીમ અલગ અલગ સ્થળે બાળકીનો ફોટો બતાવી બાળકીની શોધખોળ કરી અને વિવિધ વોટ્સએપ ગ્રુપમાં બાળકીનો ફોટો મોકલી બાળકીની શોધખોળ માટે અપીલ કરી હતી.
બાળકી ચલથાણ રેલવે ફાટક પાસેથી મળી
અને શોધખોળ દરમિયાન બાળકી ચલથાણ રેલવે ફાટક પાસેથી મળી આવતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો અને આ બાળકીને પલસાણા પોલીસમથકે લાવી પૂછપરછ કરતાં બાળકીએ જણાવ્યું હતું કે, તેની માતા કોઈ કામ અર્થે બહાર ગયેલી હતી ત્યારે જલદી પરત નહીં આવતાં બાળકી માતાને શોધવા જતાં રસ્તો ભૂલી ગયેલી હોવાની હકીકત બહાર આવી હતી. પલસાણા પોલીસે મોડી રાતે સાડા દસ વાગ્યે બાળકીના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી જરૂરી કાગળો કરી બાળકીનો કબજો સોંપ્યો હતો.

Most Popular

To Top