Charchapatra

અંગદાન માટે જાગૃતિ જરૂરી છે

સમાજમાં અંગદાન માટે જાગૃતિ લાવવાની જરૂર છે. અલબત્ત સુરતમાં આ પ્રવૃત્તિ વેગ પકડી છે. મોટાં શહેરોમાં અંગદાન થાય છે. પરંતુ ગામડામાં આ જાગૃતિ લાવવાની જરૂર છે. બ્લડ કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિ ગામડાં સુધી પહોંચે તો ઘણાને  નવજીવન મળી રહે. ખાસ કરીને ગુજરાતમાં બ્રેઇન હેમરેજ અને કિડની ફેઇલ જેવી બિમારી વધુ જોવા મળે છે. આ માટે સેવાભાવી સંસ્થા રેડક્રોસ લાયન્સ કલબ કે સામાજિક સંસ્થા દ્વારા અંગદાન કરનાર પરિવારનું તથા લોહી આપનાર દાતાનું જાહેરમાં સન્માન કરી આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનું જરૂરી છે. મનુષ્યની અંતિમ ઇચ્છાને કોઇને કામ આવવું તે જ હોય છે. આપણાથી કોઇનું જીવન  ઉજળું થતું હોય તો એથી વધુ રૂડું શું?
બાબરા    – મુકુંદરાય ડી. જસાણી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

મિલેટ યર
કહેવત છે કે, ‘ઉતાવળે આંબા ન પાકે’. સિઝન વગર કેમિકલ-સ્પ્રેથી શાકભાજી અને ફળો પાકે! ન્યુટ્રીશન એક્સપર્ટના જણાવ્યા અનુસાર ફળો-શાકભાજીને પકવવા, બહારથી આકર્ષક દેખાડવા ઘાતક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. આમ કરનારને કેદ અને દંડની જોગવાઈ છે. છતાં પરિણામ શૂન્ય! ભેળસેળયુક્ત ખોરાકથી જીવલેણ રોગ થાય છે. અસર સમગ્ર દેશના સ્વાસ્થ્ય-અર્થતંત્ર પર પડે છે. આરોગ્યના પ્રશ્નનો ઉપાય છે, બરછટ અનાજ. ભારતની પહેલ બાદ સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2023ને ઈન્ટરનેશનલ મિલેટ યર તરીકે મનાવવાની જાહેરાત કરી છે.

દેશમાં આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને જીએસટી કાઉન્સિલની 52મી બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો- મિલેટ એટલે કે બરછટ અનાજ-લોટથી બનેલી પ્રોડક્ટ પર જીએસટી 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો છે. બરછટ અનાજ હેઠળ બાજરો, રાગી, જુવાર, કંગની, કુટકી, કોદો, સુવા, ચણા, જવ વગેરે આવે છે. બરછટ અનાજ પોષક તત્ત્વોને કારણે લોકપ્રિય છે. બરછટ અનાજ, જાડા ધાન્યમાંથી વિવિધ વાનગીનો સ્વાદ લઈ શકાય છે. અનાજમાં સામો-ભગર, કુરી, કાંગ નાગલી, કોદરીનો સમાવેશ થાય છે.કેટલાક વિસ્તારોમાં નાગલીનું પૌષ્ટિક સુપ, ઢોસા, ઈડલી, કોદરીની ખીચડી, ભાત અને અન્ય ધાન્યમાંથી વડા, ભજીયા, હલવો, ઉપમા અને સલાડ જેવી વાનગીઓ બને છે. આવો નિરોગી સમાજ માટે એક પગલું ભરીએ, બરછટ અનાજના ઉપયોગને પ્રોત્સાહન આપીએ.
નવસારી   – કિશોર આર. ટંડેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top