World

લેખક સલમાન રશ્દીની હાલત ગંભીર, એક આંખ ગુમાવે તેવી શક્યતા

ન્યુયોર્ક: જાણીતા લેખક(Author) સલમાન રશ્દી(Salman Rushdie) પર ન્યૂયોર્ક(New York)માં હુમલો(Attack) થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુમલાખોરે તેને ગરદન અને પેટમાં ઘા માર્યા બાદ તે ઘણા કલાકોની સર્જરી બાદ વેન્ટિલેટર(Ventilator) પર છે. એક ન્યૂઝ એજન્સીનાં અહેવાલ અનુસાર, સલમાનના બુક એજન્ટે લેખકના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે હુમલા બાદ તેની એક આંખ ગુમાવી શકે છે. હુમલા બાદ સલમાન રશ્દીની સારવાર કરનાર ડૉક્ટરે જણાવ્યું હતું કે રશ્દીના શરીર પર છરાના અનેક ઘા હતા, જેમાંથી એક તેની ગરદનની જમણી બાજુએ હતો અને તેઓ લોહીના ખાબોચિયામાં પડેલા હતા. અમેરિકાના એક પ્રતિષ્ઠિત અખબારના અહેવાલ મુજબ, રશ્દી જે કાર્યક્રમને સંબોધવાના હતા તે કાર્યક્રમમાં હાજર એન્ડોક્રિનોલોજિસ્ટ રીટા લેન્ડમેન રશ્દીને પ્રાથમિક સારવાર આપવા માટે સ્ટેજ પર ગયા હતા.

હુમલો કરનાર શકમંદની ઓળખ કરાઈ
પોલીસે જણાવ્યું હતું કે રશ્દી વેન્ટિલેટર પર છે અને કલાકોની સર્જરી પછી પણ બોલી શકતા નથી. દરમિયાન, વિશ્વભરના લેખકો અને રાજકારણીઓ દ્વારા તેમના પરના હુમલાની નિંદા કરવામાં આવી છે. રશ્દીના બુક એજન્ટ એન્ડ્રુ વાઈલીએ ઈ-મેલ સંદેશમાં જણાવ્યું હતું કે “સમાચાર સારા નથી, સલમાનની આંખ ગુમાવવાની સંભાવના છે”. તેના હાથની નસો પણ તૂટી ગઈ હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સલમાન રશ્દી પર હુમલો કરનાર શકમંદની ઓળખ કરી લીધી છે. ન્યૂયોર્ક પોલીસે જણાવ્યું કે હુમલાખોરનું નામ હાદી માતર છે અને તે અમેરિકાના ન્યૂ જર્સીના ફેયરવ્યૂનો રહેવાસી છે. જો કે હુમલાખોરે કયા હેતુથી હુમલો કર્યો હતો. આનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

લેક્ચર શરૂ કરતા પહેલા સ્ટેજ પર છરી વડે જીવલેણ હુમલો
શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ અંગ્રેજી ભાષાના પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર હુમલો કર્યો હતો. પશ્ચિમ ન્યૂયોર્કમાં ચૌટૌકા ઇન્સ્ટિટ્યૂટમાં એક કાર્યક્રમ દરમિયાન સલમાન રશ્દી પોતાનું લેક્ચર શરૂ કરવાના હતા ત્યારે એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો અને તેણે રશ્દીને મુક્કો માર્યો અને છરો માર્યો હતો. અચાનક થયેલા આ હુમલાથી લેખક જમીન પર પડી ગયા હતા.

રશ્દીના પુસ્તકને લઈને વિવાદ છેડાયો છે
હુમલાખોરે સ્ટેજ પર સલમાન રશ્દી પર હુમલો કર્યો ત્યારે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને ઝડપી લીધો હતો અને તેની અટકાયત કરી હતી. તમને જણાવી દઈએ કે રશ્દીની વિવાદાસ્પદ પુસ્તક ‘ધ સેટેનિક વર્સીસ’ ઈરાનમાં 1988થી પ્રતિબંધિત છે. ઘણા મુસ્લિમો માને છે કે રશ્દીએ આ પુસ્તક દ્વારા નિંદા કરી છે. ન્યૂયોર્ક પોલીસે જણાવ્યું હતું કે સ્ટેજ એટેકમાં સલમાન રશ્દીને ગરદનમાં ઈજા થઈ હતી. તેને હેલિકોપ્ટર દ્વારા લઇ જઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રશ્દીને ફાંસીની સજા ફટકારવામાં આવી
ઈરાનના તત્કાલિન સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખમેનીએ રશ્દીની વિવાદાસ્પદ પુસ્તક ધ સેટેનિક વર્સીસને લઈને રશ્દીની ફાંસીની સજાનો ફતવો બહાર પાડ્યો હતો. રશ્દીની હત્યા કરનાર વ્યક્તિ માટે US$3 મિલિયનથી વધુનું ઈનામ પણ ઓફર કરવામાં આવ્યું હતું. ઘણા ઇસ્લામિક નેતાઓએ તેની વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો છે. ઈરાનની સરકારે ખામેનીના હુકમથી પોતાને લાંબા સમય સુધી દૂર રાખ્યા છે, પરંતુ લોકોમાં રશ્દી વિરોધી ભાવના હજુ પણ છે.

ભારતીય મૂળના લેખક રશ્દીને બુકર પુરસ્કાર મળ્યો છે
સલમાન રશ્દીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓને ‘ધ સેટેનિક વર્સેસ’ અને ‘મિડનાઈટ્સ ચિલ્ડ્રન’ જેવા પુસ્તકો લખવા માટે બુકર પ્રાઈઝ આપવામાં આવ્યું છે. 75 વર્ષના સલમાન રશ્દીએ તેમના પુસ્તકોથી વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. તેમની બીજી નવલકથા ‘મિડનાઈટ્સ ચિલ્ડ્રન’ માટે, તેમને 1981માં ‘બુકર પ્રાઈઝ’ અને 1983માં ‘બેસ્ટ ઑફ ધ બુકર્સ’ એનાયત કરવામાં આવ્યા હતા. રશ્દીએ 1975માં તેમની પ્રથમ નવલકથા ગ્રિમસથી લેખક તરીકેની શરૂઆત કરી હતી.

Most Popular

To Top