Sports

અશ્વિન આ સિદ્ધી હાંસલ કરનાર પહેલો ભારતીય બોલર બન્યો

હૈદરાબાદ: ઈંગ્લેન્ડની (England) ટીમ હૈદરાબાદમાં (Hyderabad) ભારત (India) સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની (TestSeries) પ્રથમ મેચ રમી રહી છે. આ મેચમાં ઈંગ્લિશ ટીમે એ જ બેઝબોલ સ્ટાઈલ બતાવી જે તે છેલ્લા દોઢ વર્ષથી ફોલો કરી રહી છે.

ઈંગ્લેન્ડે ઝડપી રીતે 50 થી વધુ રન બનાવ્યા હતા, પરંતુ રવિચંદ્રન અશ્વિને (RavichandranAshwin) બોલિંગની જવાબદારી સંભાળતાની સાથે જ પહેલા ઓપનિંગ જોડી તોડી અને પછી રવિન્દ્ર જાડેજાને (RavindraJadeja) સફળતા મળી. આ પછી અશ્વિને બીજી વિકેટ લીધી અને આ સાથે તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTCમાં ભારતીય ટીમ માટે ઈતિહાસ રચ્યો.

અશ્વિન WTC ઈતિહાસમાં ભારત માટે માત્ર સૌથી વધુ વિકેટ લેનાર બોલર નથી, તે 150 વિકેટ લેનાર પ્રથમ ભારતીય પણ બન્યો છે. અત્યાર સુધી દુનિયામાં માત્ર બે જ બોલર હતા જેમણે આ સિદ્ધિ મેળવી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ ત્રીજી સાઈકલ રમાઈ રહી છે અને અત્યાર સુધી માત્ર ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ અને સ્પિનર નાથન લિયોને 150 કે તેથી વધુ વિકેટ લીધી હતી, પરંતુ હવે આ યાદીમાં આર અશ્વિનનું ત્રીજું નામ જોડાઈ ગયું છે. તેણે ઈંગ્લેન્ડ સામે બે વિકેટ લેતા જ આ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

અશ્વિન માત્ર તેની 31મી મેચમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 150 વિકેટના આંકને સ્પર્શવામાં સફળ થયો, જ્યારે નાથન લિયોન અને પેટ કમિન્સે 169-169 વિકેટ લેવા માટે અનુક્રમે 41 અને 40 મેચ રમી છે. અશ્વિનને વિદેશ પ્રવાસમાં ઓછી તકો મળે છે. આ જ કારણ છે કે તેની વિકેટોની સંખ્યા આ બે દિગ્ગજો કરતા ઓછી છે. જો અશ્વિન વિદેશ પ્રવાસ પર રમવાનું શરૂ કરે છે અને વિકેટ લે છે, તો તે તેમના કરતા આગળ નીકળી જશે. જો કે હાલમાં ત્રણેય ખેલાડીઓ પોતપોતાના દેશો માટે WTC મેચ રમી રહ્યા છે.

રવિન્દ્ર જાડેજા -અશ્વિનની જોડી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય જોડી બની
આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર જોડીમાં અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનું નામ સામેલ થયું છે. જાડેજા અને અશ્વિન સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર જોડી બની છે. આ અગાઉ આ રેકોર્ડ હરભજન અને અનિલ કુંબલેના નામે હતો. કુંબલે અને હરભજને સાથે રમતા કુલ 501 ટેસ્ટ વિકેટ લીધી હતી. જેમાં કુંબલેએ 281 અને હરભજને 220 વિકેટ લીધી હતી. પરંતુ હવે આ રેકોર્ડ અશ્વિન-જાડેજાના નામે છે. આ બંને ખેલાડીઓએ માત્ર 50 ટેસ્ટ મેચમાં નવો ઈતિહાસ રચ્યો છે. તેઓએ હરભજન અને કુંબલેનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

Most Popular

To Top