SURAT

97 વર્ષથી બુટ-ચંપલ, બેગ સાંધી આપવામાં માસ્ટર છે અશોક બેગ-શૂઝ રીપેરીંગ સેન્ટર

અત્યારના જમાનામાં લોકોને બુટ, ચંપલ અને બેગ ક્યા મટિરિયલની લેવી તેની ઘણી બધી ચોઇસ ઉપલબ્ધ છે. લોકો મનપસંદ મટિરિયલની આ વસ્તુઓ ખરીદી લઈ પોતાના પગની અને હાથની શોભા વધારતા હોય છે. પણ એક જમાનો એવો હતો કે જ્યારે બુટ અને ચંપલ ઓરીજીનલ ચામડું અને રબરના મળતા. એ જમાનામાં લોકો પાસે ચોઇસ લિમિટેડ હતી. ત્યારે આપણને એવો પ્રશ્ન થાય જ કે, આજ થી 90 કે 100 વર્ષ પહેલાં સુરતમાં ચંપલ કે શૂઝ બનાવવા માટે ચામડું કે રબર કઈ રીતે મળતું?

ત્યારે બુટ-ચંપલની દુકાનો પણ સુરતમાં ખૂબ ઓછી હતી એટલે આ ચંપલના સાંધા તૂટી જાય કે પછી બૂટના સોલ નવા નાખવા પડતા તો ત્યારે સુરતમાં સહેલાઈથી રીપેર કરનારા મળી રહેતા ખરા? તો તમને જણાવી દઈએ કે, 100 વર્ષ પહેલાં ભોજુભાઈ વાઘ અને પછીથી તેમના પુત્ર દેવરામ વાઘ સુરતની ગલીઓ અને શેરીઓમાં ફરી લોકોના ચંપલ સાંધી આપતા. ઘરે-ઘરે જઈને લોકોના પગના માપ લઈને પગરખાં બનાવી આપતા. દેવરામભાઈના પુત્રએ આર્થિક સ્થિતિ સુધરતા અશોક બેગ-શૂઝ રીપેરીંગ સેન્ટર નામની દુકાન શરૂ કરી. આ દુકાનમાં વર્ષોથી શહેરના અલગ-અલગ વિસ્તારના લોકો બુટ-ચંપલ કે બેગ રીપેરીંગ માટે આ પેઢી પર શા માટે વિશ્વાસ રાખે છે? તે આપણે આ દુકાનના ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

કાનપુર, કોલ્હાપુરથી ચામડું આવતું, રબર મુંબઈથી આવતું: અશોકભાઈ વાઘ
દાદા ભોજુભાઈ અને પિતા દેવરામભાઈના આ કામને અશોકભાઈ વાઘે પણ રોજી-રોટી બનાવી તેમણે નાનપુરા પોપટ મોહલ્લામાં અશોક બેગ-શૂઝ રીપેરીંગ સેન્ટર નામની દુકાન બનાવી. અશોકભાઈએ જણાવ્યું કે, પહેલાં સુરતમાં ચામડા અને રબરની જ ચંપલો, સેન્ડલ,બૂટ લોકો પહેરતા. એ સમયે ચામડું ઉત્તરપ્રદેશના કાનપુર, મહારાષ્ટ્રના કોલ્હાપુરથી મોટા દુકાનદારો મંગાવતા હતાં. જયારે રબર અમદાવાદ અને મુંબઈથી મંગાવવામાં આવતું. ત્યારે ચામડું અને રબર કિલોના ભાવે મળતું. અત્યારે તે ખૂબ મોંઘું મળે છે. એ વખતે એક કિલોમાં ત્રણ જોડી બૂટ અને 6 જોડી ચંપલ બનતી.

B.Com. કર્યું પણ, નોકરી કરવા કરતાં પરિવારનો ધંધો સંભાળ્યો: નરેશ વાઘ
ચોથી પેઢીનાં નરેશભાઈ વાઘે જણાવ્યું કે મેં B.Com. સુધીનું એજ્યુકેશન મેળવ્યું છે. જોકે, 10-15 હજાર રૂપિયાની નોકરી કરવા કરતા મને પેઢી દર પેઢી ચાલતા આ ધંધામાં બેસવું યોગ્ય લાગ્યું. મારા ફાધરને આ વાત કરી અમારો આ ધંધો સંભાળવાનું શરૂ કર્યું. મારા ફાધરે 1985થી બેગ રિપેરીંગનું કામ શરૂ કર્યું. જૂની બેગના સ્પેર પાર્ટ્સ છુટા પાડીને નવી બેગ બનાવીએ છીએ. હવે સ્કૂલો શરૂ થશે એટલે પેરેન્ટ્સ બાળકોની સ્કૂલ બેગ રીપેરીંગ માટે આવશે. અમે રીપેરીંગ કરવા ઉપરાંત નવી બેગના વેચાણનું પણ કામ કરીએ છીએ.

ચામડું મોંઘું બનતા રેકઝીન અને કપડાના બૂટનો જમાનો આવ્યો છે
નરેશભાઈ વાઘે જણાવ્યું કે, રેકઝીનની ચંપલ અને બૂટ બંને મળે છે. તે 70 અને 80 રૂપિયે મીટર પર મળે છે. એક મીટરમાં 12 જોડી ચંપલ બની જાય. રેકઝીન ફાટી જાય છે એટલે કેટલાંક વર્ષથી કપડાના બૂટનો જમાનો આવ્યો છે. કપડાના બુટમાં અંદરથી અસ્તરનું કોટિંગ હોય છે. આવા બુટમાં ચાલવાની પણ મજા આવે અને તે લાંબો સમય ચાલે છે અને ગરમી નથી લાગતી.

સુરત આવતા N.R.I. પણ બેગ રીપેરીંગ કરાવે છે
નરેશભાઈ વાઘે જણાવ્યું કે અમારી દુકાનમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, કેનેડા વસેલા સુરતી લોકો ટ્રાવેલિંગ બેગ રીપેર કરાવવા આવતા હોય છે. આ N.R.I.નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં સુરત આવે છે. તેઓ જ્યારે રોટર્ન થતા હોય ત્યારે તેમની મોંઘી, કિંમતી બેગને ઘસરકો લાગ્યો હોય કે પછી હેન્ડલ તૂટ્યું હોય ત્યારે તેના રીપેરીંગ માટે અમારી દુકાને આવતા હોય છે. આ લોકોનું માનવું છે કે અમે ખૂબ સારી રીતે રિપેરીંગનું કામ કરીએ છીએ. સુરતના પીપલોદ, સ્ટેશન, વરાછા, વેસુ, પાલ, અડાજણ, કતારગામ વિસ્તારમાં રહેતા લોકો પણ અમારી પાસે બૂટ, ચંપલ, બેગ રીપેર કરાવવા આવતા હોય છે. પહેલાં આ જ વિસ્તારમાં રહેતા લોકો હવે અલગ-અલગ વિસ્તારમાં શિફ્ટ થયા છે. તે લોકો અમારી દુકાને બેગ ખરીદવા અને રીપેર કરાવવા પણ આવે છે.

પહેલાં 6-7 રૂપિયામાં ચંપલ મળતા અને બૂટ 15-16 રૂપિયામાં મળતા
અશોકભાઈ વાઘે જણાવ્યું કે મારા દાદાના સમયમાં બૂટ-ચંપલ સસ્તામાં મળતા. ચંપલ 6-7 રૂપિયા મળતી તો બૂટ 15-16 રૂપિયામાં મળતા. જ્યારે મારા ફાધરના સમયમાં ચંપલ 35 રૂપિયામાં અને બૂટ 80 રૂપિયામાં મળતા હતા. જ્યારે હવે 200થી માંડીને 1500 અને એનાથી પણ વધારે કિંમતની મળે છે. જ્યારે ચામડાની ચંપલ 700થી 800 રૂપિયાની કિંમતે મળે છે. બુટ 250 રૂપિયાથી માંડીને ઉચ્ચ ક્વોલિટીના બૂટ 8-10 હજારથી વધુ કિંમતના મળે છે.

30 વર્ષથી અહીં જ બેગ, ચંપલ રીપેર કરાવું છું: શબ્બીર હુસેન
રાંદેર રોડ વિસ્તારમાં રહેતા શબ્બીરભાઈ હુસેને જણાવ્યું કે હું 30 વર્ષથી આ જ દુકાનમાં બેગ અને ચંપલ રીપેર કરાવું છું. મને અશોકભાઈના રીપેરીંગના કામ પર વિશ્વાસ છે. હું હેલ્મેટ સંધાવાના કામ માટે પણ અહીં આવું છું.
ભોજુભાઈ વાઘ મહારાષ્ટ્રથી આવ્યા હતા સુરતમાં શેરીઓમાં ફરી ચંપલ સાંધી આપતા
અશોક બેગ-શૂઝ રીપેરીંગ સેન્ટર પેઢીનાં અશોકભાઈ વાઘના દાદા મહારાષ્ટ્રથી રોજગારીની તલાશમાં સુરત 100 વર્ષ પહેલાં આવ્યા હતા. જોકે, મહારાષ્ટ્રના કયા ગામથી આવેલા તે તેમના પૌત્ર અશોકભાઈને ખ્યાલ નથી. પણ ભોજુભાઈ સુરત આવ્યા બાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફરીને લોકોના ચંપલ સાંધી આપતા, બૂટ પોલિશ કરી આપતા. ડુમસ, ભીમપોર સુધી મોચીકામ માટે જતાં. પોલિશના 25 પૈસા લેતા અને રિપેરીંગમાં 10-15 પૈસા લેતાં.

2006ની રેલમાં રીપેરીંગ માટે આવેલી બેગોને નુકસાન થયું છતાં લોકો કાંઈ બોલ્યા નહીં
અશોકભાઈ વાઘે જણાવ્યું કે, 2006માં સુરતમાં ભયાનક રેલ આવી હતી. અમારી આ દુકાનમાં 5થી 6 ફૂટ પાણી ભરાયું હતું. એ રેલને કારણે અમારા ધંધાને આર્થિક ફટકો પડયો હતો. રબર ઘસવાનું મશીન અને સિલાઈ મશીન ખરાબ થયું હતું. લોકોએ તેમની બેગ રીપેર કરવા માટે આપી હતી તે બેગ્સ પણ સાવ ખરાબ થઈ ગઈ હતી. જોકે, જેમની બેગ્સ હતી તે લોકો કાંઈ જ બોલ્યા નહીં હતા. ઉલટાનું લોકો અમારી દુકાનને કોઈ નુકસાન તો નથી થયું ને, અમે તો હેમખેમ છીએ કે નહીં તે જાણવા આવ્યા હતાં.

મોટી દુકાનવાળા એક-બે રૂપિયાની મજૂરી પર ઘરે ચંપલ-બૂટ બનાવવા સામાન આપતા
ભોજુભાઈના દીકરા દેવરામભાઈ પણ શહેરની શેરીઓ અને ગલીઓમાં ફરી લોકોની ચંપલ સાંધવાનું કામ કરતા. શહેરની ચંપલ-શૂઝની મોટી દુકાનવાળા તેમને ઘરે ચંપલ-બૂટ બનાવવાનો સામાન આપતા. દેવરામભાઈ રાતે ઘરે બૂટ-ચંપલ બનાવવાનું કામ કરતા. જેના બદલામાં તેમને એક કે બે કે ત્રણ રૂપિયાની મજૂરી મળતી. તેઓ આખો દિવસમાં 10-12 રૂપિયાની કમાણી કરતાં.

પહેલાં સ્કૂલ બેગ એલ્યુમિનિયમની પેટી અને કપડાની થેલીની હતી હવે મેટી કાપડની સ્કૂલ બેગ બને છે
અશોકભાઈ વાઘે જણાવ્યું કે, પહેલાંના જમાનામાં તો પ્લાસ્ટીકની બેગ હતી જ નહીં. એ સમયે સુકલના બાળકોનું દફતર કાપડની થેલીનું હતું. પૈસાદાર લોકોના બાળકો પાસે એલ્યુમિનિયમની પેટી સ્કૂલ બેગ તરીકે હતી. હવે મેટી કપડાની સ્કૂલ બેગ બને છે. આ કાપડ અમદાવાદથી આવે છે. આ બેગ વજનમાં હલ્કી હોય છે. વરસાદનું પાણી તેમાં નથી જતું. પૈસાદાર કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બાળકો આવી સ્કૂલ બેગ રાખે છે. અમે ટિફિનની બેગ, લેપટોપની બેગ, પ્લાસ્ટીકની બેગ પણ રીપેર કરીએ છીએ.

Most Popular

To Top