SURAT

ભાવ વધતા લોકો શાકભાજીને બદલે હવે આ ચીજ ખરીદવા લાગ્યા

સુરત: હાલમાં શાકભાજીઓના (Vegetables) ભાવમાં (Price) સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ઘરનું સંચાલન કરતી ગૃહિણીઓની (HouseWife) સાથે જ શાકભાજીનું વેચાણ કરતાં વિક્રેતાઓનું પણ રૂટીન બજેટ ખોરવાઈ ગયું છે. જેના કારણે શાકભાજી વિક્રેતાઓમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

નવસારી બજારમાં શાકભાજીનું વેચાણ કરતા નિલેશભાઈ દલાલે જણાવ્યું હતું કે, ‘હાલમાં શાકભાજીની ખરીદી કરતા ગ્રાહકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 10 વાગ્યાથી માંડીને બપોરે 2 વાગ્યા સુધી 500 રૂપિયાનો ધંધો થવો પણ મુશ્કેલ બની ગયું છે.

શાકભાજીના વેચાણમાં 50થી 60 ટકાનો ઘટાડો થયો છે. રોજ લાવવામાં આવતી શાકભાજીનું બજેટ ખોરવાઈ ગયું છે. પહેલાં કરતાં અડધો માલ લાવવો પડી રહ્યો છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘જો શાકભાજી વધુ પ્રમાણમાં લાવીએ અને એનું વેચાણ નહીં થાય તો તે બીજા દિવસે ખરાબ થઈ જાય છે. આવા સંજોગોમાં શાકભાજી વધુ પ્રમાણમાં ખરાબ નહીં થાય એ માટે અનેકવાર 5થી 10 રૂપિયા ખોટ ખાઈને પણ તેનું વેચાણ કરવું પડી રહ્યું છે.’

શહેરમાં અનાજ અને કરિયાણાની દુકાન ધરાવતા પરિમલભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, ‘હાલમાં કઠોળ ભરવાની સિઝન નથી. પણ શાકભાજીના વધતા ભાવને જોતાં અનેક ગૃહિણીઓ કઠોળ તરફ વળી છે. જેના કારણે કઠોળના વેચાણમાં આંશિક વધારો થયો છે. તે પાછળ અનેક ગૃહિણીઓનો એવો તર્ક છે કે, 80થી 100 રૂપિયા કિલોની શાકભાજીમાં 2-3 વાર શાક બને છે. તો એની જગ્યાએ 1 કિલો કઠોળમાં તેઓ અનેકવાર શાક બનાવે છે અને કઠોળ લાંબા સમય સુધી સારું રહેતું હોવાથી તે ખરાબ થવાનો ભય પણ રહેતો નથી.’

શાકભાજીના ભાવમાં થયેલો વધારો
શાકભાજી હાલમાં ભાવ (પ્રતિ કિલો) પહેલાનો ભાવ (પ્રતિ કિલો)

  • 1.દૂધી રૂ.100 રૂ.40થી 50
  • 2.ભીંડા રૂ.80 રૂ.40
  • 3.મરચાં રૂ.120 રૂ.50 થી 70
  • 4.આદુ રૂ.200 રૂ.70 થી 80
  • 5.ટામેટાં રૂ.180 રૂ.40થી 50

Most Popular

To Top