Madhya Gujarat

કડાણાના મારૂવાડાનું આર્યુવન ઉજ્જડ બન્યું

સંતરામપુર : કડાણા તાલુકાનાં મારૂવાડા ગામે ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે આર્યુવનનું નિર્માણ કરી વર્ષ 2010માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ વનવિભાગ દ્વારા આ આર્યુવનની યોગ્ય જાળવણી નહીં કરાતા હાલ મારૂવાડા ગામની શોભામાં વધારો કરતું આયુર્વન જર્જરીત અને ઉજજડ બની ગયું છે. તેની માવજત કરી ફરી પ્રવાસીઓ આકર્ષાય એવું બનાવવાની તૈયારી રીગણીયા ગ્રામ પંચાયતે બતાવી અને વનવિભાગને રજૂઆત કરવામાં આવી છે.
મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાં આવેલા મારૂવાડા ખાતે વનવિભાગ દ્વારા વર્ષ 2010માં વિવિધ ઔષધીઓ અને સુંદર મજાના ફૂલ છોડ અને પ્લાન્ટેશન કરી લાખ્ખો રૂપિયાના ખર્ચે આર્યુવન બનાવ્યું હતું.

આ આર્યુવનમાં બનાવવામાં આવેલા સુંદર ફુવારાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, ફૂલ છોડને પાણી પીવડાવવા માટે રખાયેલી મોટરો, સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. જે વનવિભાગ દ્વારા આ આર્યુવન જાળવણીને માવજત કોઈ અગમ્ય કારણોસર નહીં કરવામાં આવતાં આ આર્યુવન હાલ બંધ હાલતમાં બીનઉપયોગી અને ઉજજડ વેરાન જોવા મળી રહયું છે. સુંદર અને શાંતિમય વાતાવરણ ધરાવતું આ આર્યુવનમાં ઊગી નીકળેલી ઝાડી-ઝાંખરા અને બાવળીયાના લીધે આ આર્યુવન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયુ છે.

અહીંયા દિવસ દરમિયાન કોઈ રખેવાળ ન રહેતા દારૂની મહેફિલો માણવામાં આવે છે. જેને કારણે પરિવાર સાથે આવેલા પ્રવાસીઓને જગ્યા છોડી જવું પડે છે. ગ્રામ પંચાયત દ્વારા આર્યુવનનો નિભાવની કામગીરી અગાઉ પણ વનવિભાગ પાસે વારંવાર માંગવામાં આવી હતી. પરંતુ કામગીરી ન સોંપાતા હાલ આર્યુવન ખંડેર બની ગયું છે. જેથી ગામની શોભા વધારતુ વન શોભાને દાગ લગાડી રહ્યું છે. જો વન વિભાગ દ્વારા પોતે જવાદારી ના નિભાવી શકાતી હોય તો રીંગણીયા ગ્રામ પંચાયતને નિભાવની જવાબદારી સોંપે તો આર્યુવન ફરી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવાની તૈયારી બતાવવામાં આવી છે. હાલ આર્યુવનમાં સુવિધાના સાધનો જર્જરીત છે.

વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા સુંદર કુટિર અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવી છે તેમજ સાફ સફાઈ પણ થતી નથી. તો કેટલાયે ફૂલ છોડ પણ સુકાઈ ગયા છે0 હાલ આ જગ્યા વેરાન બની જતા અહીંયા પ્રેમી પંખીડા અને અસામાજિક તત્વો માટે દારૂની મહેફિલ માણવા માટે ઉત્તમ જગ્યા બની ગઈ છે. સરકાર દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચ જે ઉદેશ્યથી આર્યુવનનું નિર્માણ કર્યું હતું તે હેતુ સાર્થક થયો નથી. રીગણીયા પંચાયતને આર્યુવનની જવાબદારી સોંપવામાં આવે તો આ વનની શોભામાં વૃદ્ધિ થાય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે.

Most Popular

To Top