Charchapatra

ઘમંડ: પડતીની નિશાની

વિદાય લેતા રાષ્ટ્રપ્રમુખ કોવિંદે યોજેલા છેલ્લા સમારંભમાં આ રાષ્ટ્રપ્રમુખની વધુ પડતી નમ્રતા અને પ્રધાનમંત્રીનો વધુ પડતો ઘમંડ ધ્યાન ખેંચનારાં બની રહ્યાં. રાષ્ટ્રપ્રમુખ એ રાષ્ટ્રપ્રમુખ છે ભલે એ બ્રાહ્મણ હોય, મુસ્લિમ હોય કે દલિત હોય. તેને તેના પદ પ્રમાણેનું માન સન્માન પ્રધાનમંત્રીએ આપવું જોઇએ. રાજીવ ગાંધી પ્રધાનમંત્રી તરીકે ઘમંડમાં આવી ગયા હતા અને રા.પ્ર. ઝૈલ સિંહની અવગણના કરવા લાગેલા. એક વાર તો ઝૈલ સિંહે રાજીવ ગાંધી સામે જનતાનો આક્રોશ જોઇ તેમને પ્રધાનમંત્રી પદેથી બરતરફ કરવા પણ વિચારેલું પરંતુ બુધ્ધશાળી આએએસ અમલદારોએ તેમને આમ કરતા રોકેલા. રાજીવ ચૂંટણી હારી ગયેલા એ ઘમંડીની હાર હતી.

આ થઇ પરસ્પરના સંબંધોની લક્ષ્મણ રેખા. એક વાર ઝૈલસિંહ એકલવાયા જીવનથી કંટાળી ગયા અને પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને ફોન કર્યો કે પોતે તેમને મળવા આવી રહ્યા છે. ઇન્દિરાજીએ કહ્યું નહીં, નહીં આપ યહાં નહીં આ શકતે. હમ કો આપકે પાસ આના ચાહિયે. આપ રાષ્ટ્રપ્રમુખ હૈ. આમ કહી ઇન્દિરાબેન તો ઝડપથી તૈયાર થયાં, એટલી ઝડપથી કે પગમાં ઘરમાં પહેરવાનાં ચંપલ પણ બદલ્યાં નહીં. આ થઇ ડિલ અને પોતાના કરતા ઊંચા હોદ્દેદાર પ્રત્યેના આદરભાવની વાત. આ તો ભાઇ સંસ્કારની વાત છે તે અમથા થોડા આવે છે? રા.પ્ર. કોવિંદ બધાને નમસ્કાર કરતા જાય છે, વચ્ચે મોદી આવે છે, મોદી રાષ્ટ્રપ્રમુખ સામે જોઇ તેમના નમસ્કારનો જવાબ નમસ્કારથી આપવાની દરકાર કરતા નથી અને મોં પણ તેમના તરફ ફેરવતા નથી. મોં રા.પ્ર. તરફ કરે તો નમસ્કાર કરવા પડે ને?

યુવાન પેઢી આવા પ્ર.મં. પાસેથી કેવા સંસ્કાર ગ્રહણ કરે? પ્રધાનમંત્રીનું આ વર્તન રા.પ્રમુખ પ્રત્યે અપમાનનું થયું ઠીક છે, આ રા.પ્ર. મોદીના કહ્યાગરા બની ગયા. વટહુકમ કે કાયદા પર સહી કરવા મારતે વિમાને કાર્યક્રમ રદ કરીને દિલ્હી પહોંચી સહી કરવાની ઉતાવળે તેમને જનતા તેમજ મોદી ખુદની નજરમાં નીચે પાડી દીધા, હવે નીચા પડવાનો વારો મોદીનો આવ્યો અને તે કેવી રીતે નીચે પડી ગયા તે જનતાએ જોયું. મોદીનો ઘમંડ હવે ચરમસીમાએ પહોંચી ગયો લાગે છે અને હવે તેની પડતી ચાલુ થઇ જશે એમ લાગે છે.
સુરત     – ભરતભાઇ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top