uncategorized

વિકાસશીલ ગુજરાતમાં ગરીબો વધી રહ્યા છે?

ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે, કહેવાય છે અને લોકોએ જોયું પણ છે કે 2001 માં ગુજરાતના મુખ્ય મંત્રી બનેલા નરેન્દ્ર મોદી આખા દેશમાં ગુજરાત મોડેલનો પ્રચાર કરીને દિલ્હી બેસી ગયા પણ હાલમાં ગુજરાતમાં ગરીબીના આંકડાએ ભાજપ અને સરકારના વિકાસના આંકડાઓ અને દાવાઓ સામે અનેક પ્રશ્નો કરતા આખા ગુજરાતમાં કોરોનાકાળમાં પણ ચર્ચા ખૂબ થઇ રહી છે કે શું ગુજરાત ગરીબ બની રહયું છે?

એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબ છે. છેલ્લાં એક વર્ષમાં 46,651 ગરીબ પરિવારો વધ્યા છે. સરેરાશ એક કુટુંબ દીઠ છ સભ્ય ગણવામાં આવે તો, 1.88 કરોડ ગરીબોની સંખ્યા થાય. ગુજરાતમાં 0થી 16 ગુણાંકવાળા 16,19,226 પરિવારો છે જયારે 17થી 20 ગુણાંકવાળા 15,22,005 પરિવારો છે. કુલ મળીને 31,41,231 પરિવારો ગરીબી રેખા નીચે જીવતા પરિવારો છે. છેલ્લાં બે વર્ષમાં 46,651 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. સૌથી વધુ અમરેલીમાં 2411, રાજકોટમાં 1509 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. 8-7-2019 ના રોજ વિધાનસભામાં સરકારે આંકડા રજૂ કર્યા હતા કે ગરીબીરેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા 30,94,580 છે જયારે ડિસેમ્બર,2020ની સ્થિતિએ ગરીબીરેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધીને 31,41,231 થઇ છે. હવે તમે વિચારો કે આમાં ગુજરાત મોડેલ ક્યાં આવ્યું ? આમાં ગુજરાતનો વિકાસ ક્યાં? આમાં વિકાસશીલ સરકાર શું કેટલાંક લોકો પૂરતો વિકાસ કરે છે? શું સરકાર કેટલાંક લોકો માટે જ કામ કરે છે? સરકારની વાત જો વિકાસ માટે સાચી હોય તો આ આંકડાઓ કોણે આપ્યા? ક્યાંથી આવ્યા? આવા અનેક પ્રશ્નો અને ચર્ચાએ ગાંધીનગરમાં વેગ પકડ્યો છે.

પૈસા મારા- તમારા લીલાલહેર બાબુઓને?

ગાંધીનગરમાં હાલ વિધાનસભા સત્ર પત્યા પછી અનેક જાતની ચર્ચાઓ થઇ રહી છે. એમાં એક ચર્ચા છે સરકારનાં વાહનો ભાડે રાખવાની પોલિસી, હાલ ગૃહમાં સરકારે જે આંકડા આપ્યા એ પછી તો ખૂબ ચર્ચા ચાલી છે કે જેટલું ભાડું ચૂકવાય છે એના કરતાં તો સરકાર ગાડીઓ ખરીદી લે તો શું વાંધો છે? સરકારના સરકારી ભાડા અંગેના આંકડા જોઈને હાલ અનેક પ્રશ્નો અને ચર્ચાઓ થઇ રહી છે. કહેવાય છે કે પ્રજા પોતાના એક લાખ રૂપિયા ચૂકવે છે ત્યારે સરકારી અધિકારીઓ તેના 12 હજાર કરી નાંખે છે. એક અંદાજ મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કચેરીઓમાં ખાનગી વાહનો ભાડે રાખ્યા પછી બે વર્ષમાં કુલ 15.39 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ વાહનો રાજ્યની વિવિધ 22 એજન્સીઓ મારફતે ભાડે લેવામાં આવ્યાં હતાં. આરોગ્યવિભાગની નેશનલ હેલ્થ મિશન, અધિક નિયામક, તબીબી શિક્ષણ, સીઇઓ, જીએમઇઆરએસ, મુખ્ય ઇજનેર, પીઆઇયુ, આયુષ નિયામક તેમ જ જીએમએસસીએલના એમડીની કચેરીમાં 2019ના વર્ષમાં 270 અને 2020ના વર્ષમાં 274 ખાનગી વાહનો ભાડે રાખવામાં આવ્યાં હતાં. 5થી 6 લાખ એક વાહનનું ભાડું થયું. ચાર વર્ષમાં ભાડાનાં વાહન ફ્રી થઈ જાય છે. આરોગ્યના સાત પેટા વિભાગો માટે વાહનો ભાડે રાખવાનો વાર્ષિક ખર્ચ 7થી 8 કરોડ રૂપિયા આવતો હોય છે. જો એક વાહનની કિંમત માત્ર 10 લાખ રૂપિયા ગણવામાં આવે તો પણ આટલી રકમમાં તો વિભાગ 70 થી 80 વાહનો ખુદનાં ખરીદી શકે છે. વાહનો ભાડે લેવાના ખર્ચની સરખામણીએ પોતાનું વાહન લેવું વધારે સસ્તું પડે. પણ સરકાર અને સરકારી બાબુઓને કદાચ આ ગણિત સમજાતું નથી કે પછી પ્રજાના પૈસાની ચિંતા અને ચિંતન થતું નથી એટલે…. કરો લીલાલહેર બીજું શું?

ગુજરાતમાં રોજ કેટલા રૂપિયાનો સરકારી દારૂ પીવાય છે?

દારૂનું નામ પડતાં જ ગુજરાતમાં અનેક લોકોનાં ભવાં ઊંચાં થઇ જાય છે. જો કે વાસ્તવિકતા એ પણ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ધૂમ દારૂ વેચાય છે. બધાંએ સાંભળ્યું છે, વાંચ્યું છે અને સમાચારમાં પણ દેખાય છે કે ઘણી વખત પોલીસકર્મીઓ જ દારૂની હેરાફેરી કરતા પકડાય છે. મહત્ત્વનું છે કે આવા સંજોગોમાં ગુજરાતમાં આરોગ્યના કારણોસર મેડિકલ બોર્ડની ભલામણ પછી વ્યક્તિને દારૂ પીવાની પરમિટ કાઢી આપવામાં આવે છે. પરમિટ ધારકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષના સમયમાં 31,499 પરમીટ આપી છે અને તેનાથી 19,10,26,275 રૂપિયાની આવક સરકારને થઇ છે. આમ ગુજરાતમાં એક વ્યક્તિ દીઠ રૂ.6065નો વર્ષે દારૂ પીવા પાછળ ફી અને એટલું ખર્ચ વેરા પાછળ કરે છે. જે રોજના રૂ.17નો દારૂ પીવે છે. જો કે પરમિટ હોવા છતાં બજારનો દારૂ મોટા પ્રમાણમાં પરમિટધારક પીવે છે. આમ ગણવામાં આવે તો દરેક વ્યક્તિ રોજના રૂ.40 રૂપિયાનો દારૂ પી જાય છે.

એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં 25 ટકા લોકો ઘરે અને અડ્ડા પર દારૂ પીએ છે. તે હિસાબે 1.50 કરોડ લોકો દારૂ પીતાં હોય તો રોજનો રૂ.60 કરોડ અને વર્ષે રૂ.22 હજાર કરોડનો દારૂ પીવાતો હોવાની ચર્ચા છે. જેમાં એટલો હપ્તો પોલીસ, રાજનેતાઓ, સામાજિક કાર્યકરો, બીજા વગદાર વર્ગોને આપવામાં આવતો હોય એવી ચર્ચા છે. બીજાં રાજ્યો 100 ટકા વેરો લે છે, એ રીતે ગુજરાત જો વેરો લે તો વર્ષે રૂ.22 હજાર કરોડની આવક વેરા પેટે મેળવી શકે છે.પણ અહીં આંકડા મૂક્યા છે એ પ્રમાણે તમે ગણિત મૂકો અને સમજો તો ખ્યાલ આવશે કે વેરો સારો પડે કે હપ્તો ? બાકી તમે પોતે જ સમજદાર છો..!

Most Popular

To Top