Dakshin Gujarat

ઘરેથી ભાગેલી ધો.10ની વિદ્યાર્થિનીને પોલીસે ચાલુ ટ્રેનમાંથી યુવકના સકંજામાંથી મુક્ત કરાવી

ભરૂચ: અંકલેશ્વર, (Ankleshwar) માતા-પિતા (Parents) અને ટીન એજર્સ માટે સાવધાનરૂપ કિસ્સો અંકલેશ્વરમાંથી સામે આવ્યો છે. ફ્રી ફાયર ગેમના (Free Fair Game) માધ્યમથી પશ્ચિમ બંગાળના યુવાનના સંપર્કમાં આવેલી અંકલેશ્વર ગડખોલની (Gudkhol) દસમાં ધોરણની છાત્રાને યુવાન અપહરણ (Kidnapping) કરી લઈ જતો હતો. જોકે લગ્નની લાલચે ભગાડી જનાર આરોપીને ચાલુ ટ્રેનમાંથી પશ્ચિમ બંગાળના ખડકપુર ખાતેથી RPF પોલીસની મદદથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે (Bharuch Crime Branch) ઝડપી લીધો હતો.અંકલેશ્વર શહેર ગડખોલ વિસ્તારમાં ગત-૧૬મી સપ્ટેમ્બરે સગીરાને લગ્નની લાલચ આપી કોઈ યુવાન ભગાડી ગયો હતો. અંકલેશ્વર શહેર પી.આઈ. આર.એચ.વાળા તથા એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ દ્વારા ગુમસુદા બાળકોને શોધી કાઢવા ટીમની રચના કરાઈ છે.

હ્યુમન ઇન્ટેલિજન્સ ટેક્નિકલ સર્વલન્સથી પુછપરછથી માહિતી મેળવી

આ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વલન્સથી તથા સાહેદોની પુછપરછથી માહિતી મેળવી આરોપી આ સગીરાને હાવડા સુપરફાસ્ટ ટ્રેન મારફતે વેસ્ટ બંગાળ લઇ જઇ રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું. જેની જાણ RPF પોલીસને કરી અને ભાગેલી સગીરાના ફોટા શેર કર્યા હતા. જેથી RPF પોલીસ દ્વારા ખડકપુર ખાતેથી હાવડા સુપરફાસ્ટ ટ્રેનમાંથી ભોગ બનનાર સગીરા સાથે આરોપીને ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો.અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પશ્ચિમ બંગાળનો આરોપી અસદુલ અપચાર ગાજી અને સગીરાને લઈ આવી સગીરાને તેના વાલીને સોપી હતી. જ્યારે યુવાનની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top