Columns

પ્રાચીન ભરૂચ અને સિલ્ક રોડ

આપણે ટેલિસ્કોપથી જોઇએ તો ભૃગુકચ્છ / બારીગાઝા અલૌકિક, ચિત્રવિચિત્ર અને રોમાંચક લાગે. તે સિલ્ક રોડ / રૂટથી વીંટળાયેલું મહાબંદર હતું. તે જમીન તેમજ દરિયાઇ માર્ગે એશિયા, આફ્રિકા અને યુરોપ સાથે સંકળાયેલું હતું. વિવિધ દેશોના વણજારાઓ સિલ્ક રૂટ પર આવન – જાવન કરતા. આજે પણ સિલ્ક રૂટનું મહત્ત્વ એટલું બધું છે કે ચીનના પ્રમુખ ઝી જીનપીંગે ‘બેલ્ટ એન્ડ રોડ’ના ખ્યાલને આગળ ધપાવવા હિંદ તથા પેસિફિક મહાસાગરો ઉપર સત્તા જમાવવાની કોશિશ કરી છે. તેને ખાળવા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેવલ ફોર્સને વધારે કાર્યક્ષમ બનાવ્યો છે.

મે 2022માં ટોક્યોમાં મળેલી ઇન્ડો – પેસિફિક કોન્ફરન્સમાં ભારત જોડાયું હતું અને તેણે યુનાઇટેડ સ્ટેટસ, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, મલેશિયા અને થાઇલેન્ડ જેવા દેશો સાથે આર્થિક પાર્ટનરશીપ સ્થાપી હતી. ચીનની મુરાદ એણે પ્રાચીન સમયમાં શરૂ કરેલા સિલ્ક રોડ પર સત્તા જમાવવાની છે. સિલ્ક રોડ માત્ર વ્યાપારની દૃષ્ટિએ જ નહીં, પણ હા, વિવિધ દેશો વચ્ચેના સાંસ્કૃતિક આંતર સંબંધોની દૃષ્ટિએ પણ મહત્ત્વનો હતો અને ભૃગુકચ્છ, સુર્પારક અને દ્વારકા જેવાં બંદરો તેની સાથે સંકળાયેલાં હતાં. આ સિલ્ક રોડ એટલે શું? તેની સમજૂતી નીચે આપી છે.

‘સિલ્ક રોડ / રૂટ’નો અર્થ :
સિલ્ક રોડ એટલે ચીનના રેશમના વેપારને પ્રાચીન વિશ્વ સાથે જોડતો જમીન અને દરિયાઇ માર્ગ. જો કે તેના દ્વારા માત્ર રેશમનો જ નહીં પણ વિશ્વભરના દેશોના અન્ય ઉત્પાદનોનો પણ વેપાર થતો હતો. ચીનનું રેશમ મુલાયમ અને સસ્તું હોવાથી તેને ‘સિલ્ક રોડ’ નામ આપવામાં આવ્યું હતું. વળી વેપારનો કોઇ એક જ નિશ્ચિત માર્ગ ન હતો. હકીકતમાં સિલ્ક રોડ અનેક દરિયાઇ અને જમીન માર્ગો ધરાવતું વ્યાપારી અને સાંસ્કૃતિક નેટવર્ક હતું અને ભૃગુકચ્છ સ્થળ અને જળ દ્વારા તેની સાથે જોડાયું હતું. તેથી ‘સિલ્ક રોડ’ કરતાં પણ વધારે સાચો શબ્દ ‘સિલ્ક રૂટ’ છે.

સિલ્ક રૂટ / રોડ વિશ્વનો સહુથી જૂનો અને લાંબો (6400 Km) રસ્તો હતો. આ રૂટ ચીન, જાપાન, ભારત, આજનું પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કોમેનીસ્તાન, રશિયા, પોલેન્ડ, યુક્રેન, ઇજીપ્ત, પૂર્વ અને દક્ષિણ આફ્રિકા, ગ્રીસ અને રોમને જોડતો હતો. સિલ્ક રૂટ સાથે ભૃગુકચ્છ / બારીગાઝા મુખ્યત્વે મેરીટાઇમ રૂટ દ્વારા જોડાયું હતું. આ સાથે પ્રાચીન સિલ્ક રૂટના દરિયાઇ માર્ગનો નકશો જોવાથી તેનો વધારે સારી રીતે ખ્યાલ આવશે. વળી તે સમયના બજારોનો ફોટોગ્રાફ પણ અત્રે સામેલ છે. બાળકોને પણ ગમ્મત પડે તેવો સિલ્ક રૂટનો ઇતિહાસ છે.

સિલ્ક રૂટની અવરજવર તથા ભૌગોલિક સ્થિતિ :
જો આજની નજરથી જોઇએ તો આપણને બધું પરીકથા અને ‘અરેબિયન નાઇટસ’ જેવું લાગે પણ તે સમયના વાસ્તવિક સંદર્ભમાં વિવિધ ભાષાઓ બોલતા, વિવિધ પોશાકો પહેરતા અને વિવિધ રીતરસમો ધરાવતા તુર્કો, આરબો, ભારતીયો, ઉઝબેગો, ઇજીપ્શિયનો, ભટકતી ટોળકીઓ, આફ્રિકનો, ગ્રીકો અને રોમનો સિલ્ક રૂટમાં અવરજવર કરતા અને આરામ કરવા તંબુઓ બાંધીને રહેતા. રસ્તામાં રણપ્રદેશો, પર્વતો, નદીનાળા, જંગલો, સપાટ મેદાનો વગેરે આવે. વિવિધ વટેમાર્ગુઓ એકબીજાના સંપર્કમાં આવતા.

ભાષા જુદી હોવા છતાં હાવભાવથી વાતો કરતા. ઘર વપરાશની ચીજો ઉપરાંત આચારવિચાર, રહેણીકરણીની લેવડદેવડ થતી. વાહનવ્યવહારના સાધન તરીકે ઘોડો, ઊંટ, ખચ્ચર, બળદ ગાડાનો ઉપયોગ થતો. વેપારની ચીજોમાં ઘોડા, ઊંટ, પોપટ, રીંછ, મેના, મોર, કૂતરા, ગુલામો અને સુંદર યુવતીઓનો સમાવેશ થતો. પશ્ચિમમાંથી દ્રાક્ષ, દારૂ, કૂતરા, ચામડું, ગુલામો, રૂપાળી સ્ત્રીઓ, પશુપક્ષીઓ, કાચ અને હથિયારો સિલ્ક રૂટ દ્વારા એશિયામાં આવતા.

એશિયામાંથી રેશમ, ચા, રંગ, અકીક અને કાર્નેલીયનની બનાવટો, ગાલીચા, હાથીદાંત, અનાજ, ચીની કપરકાબી અને રેશમ સિલ્ક રૂટમાં ફરતા. ભારતમાંથી ભરૂચ મારફત વિવિધ રેશમી અને સુતરાઉ કાપડ, આયુર્વેદિક દવાઓ અને ઔષધો, અગરબત્તી, ગુલાબજળ, અત્તર, સૂકો મેવો, મરીમસાલા, ઝવેરાત, રમકડાં, હાથીદાંત, અનાજ અને કઠોળ, વનસ્પતિમાંથી બનાવેલ રંગો તેમ જ હુપાહુપ કરતા અને દાંતિયા કાઢતા વાંદરાઓ દૂર દેશાવરોમાં જતા. પ્રાચીન ભરૂચ જમીન માર્ગથી જોડાયું હતું પણ મુખ્યત્વે તેનો વ્યવહાર જળમાર્ગે હતો.

ભૃગુકચ્છ :
આજનું ભરૂચ અને 2000 વર્ષ પહેલાનું ભૃગુકચ્છ / બારીગાઝા સિલ્ક રૂટ માટેનું એક મહત્ત્વનું મેરીટાઇમ સેન્ટર હતું. તેનું એક કારણ એ હતું કે મૌર્ય, ઇન્ડો બેક્રિયન, કુષાણ અને શક શાસકોએ ભૃગુકચ્છ ઉપરાંત સુપારક (સોપારા) અને દ્વારકાનું બંદરીય નગર તરીકે મહત્ત્વ પીછાનીને બંદરો અને વહાણવટાને ઉત્તેજન આપ્યું હતું. આ કથનને આધુનિક સમય સાથે જોડીએ તો મે, 2022માં ટોકયોમાં યોજાયેલા ઇન્ડો – પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્કનો ઉલ્લેખ કરવો પડે. તેમાં યુનાઇટેડ સ્ટેટસ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, થાઇલેન્ડ, જાપાન અને ભારત જેવા દેશોએ ભાગ લઇને આર્થિક વિકાસ માટે સહકાર વધારવાનો નિર્ણય કર્યો હતો.

તેમાં પ્રશાંત મહાસાગર તથા હિંદી મહાસાગર પરથી ચીનનો પ્રભાવ ઓછો કરવાની પણ વાત હતી. ચીનની ‘બેલ્ટ એન્ડ રોડ’ (સિલ્ક રૂટ)ની આક્રમક નીતિ સામેની આ સ્ટ્રેટેજી છે. તેથી જ આજે ભારત તેની દરિયાઇ તાકાત વધારી રહ્યું છે. આપણે અગાઉ નોંધ્યું છે તે મુજબ આજની જેમ અશોક, નહપાન, કનિષ્ક, મીનેન્દ્ર, ખારવેલ અને સોલંકી રાજા સિધ્ધરાજ જયસિંહે ગુજરાતની જમીન ઉપરની સત્તા ઉપરાંત દરિયાઇ સત્તા વધારી હતી. સિલ્ક રૂટ છેક ઇ.પૂ. 130માં શરૂ થયો હતો અને તેનો અંત ઇ.સ. 1458માં આવ્યો હતો.

ભૃગુકચ્છ સિલ્ક રૂટ સાથે જમીન તેમ જ દરિયાઇ માર્ગ દ્વારા સંકળાયું હતું. વળી ભૃગુકચ્છ દ્વારા સાંસ્કૃતિક લેવડદેવડ પણ થઇ હતી. તેને પરિણામે બૌધ્ધ, જૈન અને હિંદુ ધર્મના આચારવિચાર ફેલાયા અને વિશ્વના દેશોમાં વસતા મનુષ્યોમાં તેને વિશે વધારે જાણકારી થઇ. રોમન સમ્રાટ ઓગસ્ટસ સીઝરના (ઇ.પૂ. 63, ઇ.સ. 19) દરબારમાં બારીગાઝાથી ભારતીય રાજદૂતોનું એલચીમંડળ રોમ પહોંચ્યું. તેમાં એક વિદ્વાન જૈન મુનિ પણ હતા. રાજદ્વારી અને વ્યાપાર વિષયક ચર્ચાની સાથે ધર્મ અને ફિલોસોફીની ચર્ચા થઇ હતી.

ગ્રીક એકાઉન્ટમાં આ જૈન સાધુનો ઉલ્લેખ ‘ઝર્મનોખીગસ’ (ક્ષમણાચાર્ય) તરીકે થયો છે. તેની અગાઉ સોક્રેટીસને (ઇ.પૂ. 469, ઇ.પૂ. 399) મળવા એક હિંદુ ફિલોસોફર એથેન્સ ગયો હતો. બંને વચ્ચે ચર્ચા થઇ હતી. સોક્રેટીસે કહ્યું, ‘હું માનવ પ્રશ્નોને સદ્‌ગુણ અને સત્યના સંદર્ભમાં જોઉં છું અને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરું છું.’ તેનો ઉત્તર આપતા હિંદુ વિદ્વાને કહ્યું હતું, ‘પણ પ્રકૃતિ અને માનવજીવન વચ્ચેના આંતર સંબંધની જાણકારી વગર માનવજીવનના પ્રશ્નો ઉકેલી શકવા મુશ્કેલ છે.’ મુદ્દો એ છે કે સિલ્ક રૂટ વિશ્વની વિવિધ સંસ્કૃતિઓના આદાનપ્રદાનની દૃષ્ટિએ ખૂબ ખૂબ મહત્ત્વનો હતો. આજની જેમ તે સમયે સેમિનારો અને કોન્ફરન્સો ભલે થતા નહોતા તેમ છતાં વૈચારિક આદાનપ્રદાન જરૂર થતું હતું.

ભૃગુકચ્છમાં ભારતીય વેપારીઓ ઉપરાંત વિદેશના વેપારીઓ પણ કામચલાઉ વસવાટ કરતા હતા. વળી સાધુસંતો અને વિદ્વાનો પણ વસવાટ કરતા હતા. ભારતના ‘સિવિલાઇઝેશન હીસ્ટ્રી’ની દૃષ્ટિએ બારીગાઝા એક મહત્ત્વનું સીમાચિહ્ન હતું. ‘બારીગાઝા’ નામ ભારતીય નથી પણ પ્રાચીન યુરોપીયનોએ ‘ભૃગુકચ્છ’ને આ નામ આપ્યું છે. ‘પેરીપ્લસના’ ગ્રીક લેખકના શબ્દોમાં : ‘Beyond the Gulf of Baraka (દ્વારકા) is that of Barygaza which is inhabited by many races. The cost of the country of Ariaca (સોપારા) is the kingdom of Nambunus (નહપાન).

The inland part of Barygaza is Syrastrene (સૌરાષ્ટ્ર). It is a fertile country from where rice, sesame, oil, clearified butter (ઘી), cotton and cloth is transported to Barygaza.’ ભૃગુકચ્છના વિકાસમાં મોસમી પવનોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેની શોધ ઇસ્વીસન પૂર્વે 1લી સદીમાં થઇ ગયેલા ગ્રીક વહાણવટી હીપ્પેલસે કરી હતી. તેણે ભૃગુકચ્છના મેરીટાઇમ સિલ્ક રૂટને આબાદ રીતે વિકસાવ્યો હતો. દરિયાઇ પવનોની શોધે દરિયાઇ માર્ગ વધારે ઝડપી બન્યો હતો. ભરૂચ કહો કે ભૃગુકચ્છ આ બંદરીય નગર પ્રાચીન ગુજરાત તેમ જ ભારત વર્ષની અસ્મિતાનું ઊંચું શિખર હતું.

Most Popular

To Top