Madhya Gujarat

આણંદ મેલેરિયા મુક્ત તરફ, દોઢ વર્ષમાં માત્ર 3 કેસ નોંધાયાં

આણંદ : આણંદ જિલ્લો ખેતી પ્રધાન પ્રદેશ છે અને નહેર સહિતની સિંચાઇની સગવડના કારણે બારેમાસ ખેતી થતી રહે છે. અહીંથી ફળદ્રુપ જમીનના પગલે વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. પરંતુ કેટલીક વખત પડતર જગ્યામાં ભરાયેલા પાણી અને ગીચ ઝાડીમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે. જે સરવાળે મેલેરિયા ફેલાવે છે. જોકે, આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી કરવામાં આવેલી કવાયતના પગલે છેલ્લા દોઢ વર્ષમાં માત્ર ત્રણ જ મેલેરિયા કેસ નોંધાયા છે અને આ મેલેરિયા ન ફેલાય તે માટે ચોમાસા પહેલા જ વિવિધ પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગના મેલેરિયા દ્વારા 2022માં ઘરેઘરે ફરી મેલેરિયાજન્ય મચ્છરના ઉપદ્રવ ઘટાડવા કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા ચાર મહિનામાં 25 લાખ ઉપરાંત સ્થળે તપાસ કરવામાં આવી હતી. જેમાં 25 હજાર સ્થળે પોરા મળ્યાં હતાં. આ તમામ સ્થળોના માલિકને સ્વચ્છતા રાખવા તાકીદ કરવામાં આવી છે. અલબત્ત, આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા પાંચ વરસથી કરવામાં આવી રહેલી કવાયતના પગલે દર વરસે મેલેરિયાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 2021માં માત્ર ત્રણ જ કેસ જોવા મળ્યાં છે અને આ વરસે પણ ચોમાસા પહેલા પાણી ભરાવવાની શકયતાવાળા તમામ સ્થળે પગલાં ભરી મચ્છરનો ઉપદ્રવ ન વધે તે માટે પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

આ અંગે મેલેરિયા વિભાગના ડો. આલોક કુલશ્રેષ્ઠે જણાવ્યું હતું કે, જિલ્લામાં આવેલા તમામ 53 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 8 હેલ્થ સેન્ટરમાં આરોગ્યની ટીમ દ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં “ વહેલું નિદાન ત્વરીત સારવાર” સુત્ર અન્વયે તમામ તાવના કેસોનું વહેલામાં વહેલી તકે શોધખોળ કરી મેલેરિયાનું નિદાન કરવામાં આવે છે. રોજેરોજ લીધેલા લોહીના નમુના 24 કલાકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી તપાસ કરવામાં આવે છે. મેલેરિયા મચ્છરથી થતો રોગ હોઇ મચ્છરના ઉત્પત્તિ સ્થાનો – પાણીના ભરાવાના સ્થાનોમાં દર અઠવાડિયે પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવે છે. આ તદઉપરાંત હાઇરીસ્ક ગામોમાં લોન્ગ લાસ્ટીંગ ઇન્સેક્ટીસાઇડ નેટ ફાળવવામાં આવે છે, જેનાથી રોગોનું પ્રમાણ ઘટેલું જોવા મળે છે.

મેલેરિયા અટકાવવા શું પગલાં ભરાય છે ?
રોગચાળાની ઋતુ દરમ્યાન વધુ મેન પાવર ફાળવી (વેક્ટર ટીમ) રોગ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવે છે.
મેલેરિયા પોઝીટીવ નિકળતા કેસમાં 24 કલાકમાં ફોગીંગની કાર્યવાહી કરવામાં આવે છે.
બારેમાસ ભરાઇ રહેતાં પાણીના સ્થળોમાં પોરાભક્ષક માછલી મુકી મચ્છર નિયંત્રણના પગલાં હાથ ધરવામાં આવે છે.
લોકભાગીદારીની મચ્છરદાની દવાયુકત કરી લોકો મચ્છરદાનીમાં સુઇ જાય એવો આગ્રહ રાખવામાં આવે છે.
અગાઉ જંતુનાશક દવાનો છંટકાવ તમામ હાઇરીસ્ક ગામોમાં સો ટકા કવરેજ થાય તે હેતુથી કરવામાં આવેલ છે.
રોગચાળાની ઋતુ પહેલાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સના 2 રાઉન્ડ કરી પોરાનાશક કામગીરી, તાવના કેસોની શોધખોળ કરવામાં આવે છે. જેથી રોગના કેસોની સંખ્યામાં ઘટાડો કરી શકાય.
અન્ય જિલ્લા/ રાજ્ય માંથી આવતા મજુરો /ઈંટોના ભઠ્ઠા / રોડ બનાવવા/ તમાકુની ખરી/ દાળમીલ વિગેરેનું અત્રે ના જિલ્લામાં આવતા સ્ક્રીનીંગ કરી બહારથી આવતા રોગોને રોકવા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવે છે.

દોઢ કિલોમીટર સુધી મચ્છર પ્રવાસ કરી શકે છે
આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પોરામાંથી મચ્છર બહાર આવ્યા બાદ તે દોઢ કિલોમીટર દુર બેઠેલી વ્યક્તિ સુધી પહોંચી તેને કરડ્યા બાદ ફરી મુળ સ્થાને આવી શકે છે. ઘણી વખત બંધ પડેલા મકાનમાં મોટી સંખ્યામાં મચ્છરો હોય છે. જે રાત પડતાં આસપાસમાં સોસાયટીના ઘરોમાં પહોંચી કરડતાં હોય છે.

છેલ્લા ચાર મહિનામાં કરવામાં આવેલો સર્વે વિગત જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ
તપાસેલા ઘરો 6,78,996 6,96,315 7,87,783 3,61,272
ઘરોમાં મળેલા પોરા 6,943 6,049 7,177 2,743
તપાસેલા પાત્રો 22,27,182 20,06,824 23,96,674 10,64,070
પોરા મળ્યા હોય તેવા પાત્રો 7,761 6,688 8,012 3,031
ટેમીફ્રોસથી આવરેલા પાત્રો 1,04,287 1,11,820 1,46,993 60,183
તપાસેલા પેરાડોમેસ્ટીક સ્થાનો 4,965 4,931 5,991 3,515

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સતત ઘટી રહેલા કેસ વર્ષ લીધેલા નમુના કેસ
2017 5,68,514 144
2018 5,28,373 85
2019 5,62,833 39
2020 4,34,425 11
2021 4,69,531 03

Most Popular

To Top