Business

આમોદ નગરથી 12 કિલોમીટરના અંતરે આવેલું 100 ટકા શૌચાલય ધરાવતું ગામ એટલે ઘમણાદ

આમોદ (Amod) નગરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલું ૧૦૦ ટકા શૌચાલય ધરાવતું ગામ એટલે ઘમણાદ. ઘમણાદ ગામ (Ghamnaad Village) ડેવલપમેન્ટથી રૂડું અને રૂપાળું બનવા જઈ રહ્યું છે. ઘમણાદ ગામે સાડા ચાર દાયકા પહેલાં સમગ્ર ગુજરાતમાં (Gujarat) એકમાત્ર વિષ્ણુ ભગવાનનું દિવ્ય મંદિર બનેલું હોવાથી આજે પણ પુણ્ય તપે છે. અંદાજે ૨૫૦૦ની વસતી ધરાવતું આ ગામ રાજપૂત, પટેલ, ઠાકોર, બ્રાહ્મણ, પાટણવાડિયા, આદિવાસી અને મુસ્લિમની વસતી ધરાવે છે. આજનું ઘમણાદ એ ભૂતકાળમાં સૈયદોનું ગામ હતું. રજવાડા વખતે ઘમણાદમાં મિયાગામ-કરજણનું રાજ ચાલતું હતું. ખેતી પર નિર્ભર આ ગામ હવે નોકરિયાતને કારણે રહેણાક મકાનો નવાં બનવા માંડ્યાં છે. ઘમણાદ જાવ તો તમામ ફળિયામાં પેવર બ્લોક, આરસીસી રોડ બનાવી સુવિધાથી સજ્જ કરી દીધા છે. આજે પણ વર્ષમાં ત્રણેક મહિના કૂતરાં-કબૂતર ટ્રસ્ટ દ્વારા રોટલો અને દાણા નંખાય છે. છેલ્લાં ૫૪ વર્ષથી શ્રાવણ મહિનામાં રામધૂન ગવાય છે. ઘમણાદ ગામના વણિક પરિવારના સભ્યએ દેશની આઝાદીમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે રહી ચળવળમાં ભાગ લીધો હતો. ઘમણાદ ગામમાં એક યુવાન દ્વારા ઓર્ગેનિક ખેતી અને ગીર ગાયની ગૌશાળા આવેલી છે. છેલ્લાં પાંચ વર્ષમાં અંદાજે સવા બે કરોડનાં કામો ગામમાં થયાં છે.

ઘમણાદ ગામનું નામ કઈ રીતે પડ્યું
દરબારોના ગામ ઘમણાદ માટે એમ કહેવાય છે કે, ગામ અસ્તિત્વમાં આવ્યું એ સમયે ઘમ્મરવલોણું કરતી વખતે લોકબોલીમાં “ઘમનાદ” અવાજ ગૂંજતો હતો. એ માટે ગામનું નામ ઘમનાદ આપવામાં આવ્યું હતું. સમય જતા શબ્દ અપભ્રંસ થતાં આજે “ઘમણાદ” તરીકે ઓળખાય છે. ભૂતકાળમાં મોટા ભાગનાં ઘરો વાંસની કામળી અને માટીનાં લીંપણના બનેલાં હતાં. ઘમણાદ ભૂતકાળમાં મગ અને મંદિર માટે જાણીતું હતું.

ઘમણાદનો ઈતિહાસ
ઘમણાદ ગામ માટે લોકવાયકા એવી હતી કે, આ ગામમાં સદીઓ પહેલાં મુસ્લિમ સૈયદોનો દબદબો હતો. આ વિસ્તારમાં સૈયદ પરિવારોનું રાજ ચાલતું હતું. એ સમયે આંતરજ્ઞાતિય મુદ્દા માટે ભારે મોટા મતભેદો ઊભા થયા. ધીમે ધીમે મોટા પ્રમાણમાં હિન્દુ લોકો આવીને વસ્યા હતા. હિન્દુઓની વસતી વધતાં તેમનો એ સમયે હાક અને ધાક વધતો ગયો. ઘમણાદ ગામમાં સૈયદોની વસતી ઓછી થવા માંડી. ત્યારબાદ ઘમણાદમાં મીયાગામ-કરજણનું રજવાડું આવ્યું હતું. મીયાગામ-કરજણના પુષ્પસિંહ કેસરીસિંહ ઠાકોરની ૨૫૦ વીઘાં જમીન હતી. દેશમાં લોકશાહી આવ્યા બાદ લગભગ સને-૧૯૬૭માં ગણોતિયા હક્ક લાગતાં ૫૦ ટકા જમીન જતી રહી. બાકીની જમીન તેમના પરિવારના સભ્યોએ વેચી દીધી હતી. ઘમણાદ ગામે ૧૧૦૦ હેક્ટર જમીન આવેલી છે. આ જમીનમાં કપાસ, તુવેર, શાકભાજી, શેરડી, કેળાં અને ડાંગરનો પાક લેવામાં આવે છે. અને આ વખતે બોડેલીથી દહેજ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં નર્મદાની શુદ્ધ પાણીની પાઈપલાઈન ઘમણાદથી પસાર કરાતાં સારામાં સારું વળતર મળ્યું છે.

ઘમણાદ ગામમાં કેટલી સુવિધાઓ છે ?
(૧) પ્રાથમિક શાળા ધો-૧થી ૮
(૨) પુસ્તકાલય
(૩) ગ્રામ પંચાયત
(૪) સ્મશાન ગૃહ
(૫) આરઓ પ્લાન્ટ
(૬) આખા ગામ માટે સાદ પાડવા માઈક સિસ્ટમ

સ્થાનકો
(૧) વિષ્ણુ ભગવાનનું મંદિર, (૨) ડંકનાથ મહાદેવનું મંદિર, (૩) બહુચરાજી મંદિર, (૪) ભાથીજી મંદિર, (૬) જૈન દેરાસર (જર્જરિત), (૫) દરગાહ

સુવિધાનો લાભ
એક સૂર અને એક રાગ હોય ત્યારે ગામડું કહેવાય. ગામડાનો વિકાસ શિરમોર પ્રમાણે હોય તો જ તેનો લાભ ગ્રામજનોને અવશ્ય મળે એ વાસ્તવિકતા છે. ઘમણાદની પ્રાથમિક શાળા ધો-૧થી ૮માં ૧૫૪ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળા ધીમે ધીમે માળખાગત સુવિધાનો વધારોમાં થતાં જગ્યા જીવંત બની ગઈ છે. નવા વર્ગો અને ગાર્ડનિંગ કરાયું છે. મૂળ તો ઘમણાદ પ્રાથમિક શાળાની સ્થાપના ૧૫૩ વર્ષ પહેલાં તા.૧૯-૧૦-૧૮૬૮માં થઇ હતી. એ વખતે કાચા મકાનમાં તદ્દન ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. એક જ ઓરડામાં સાત ધોરણના વર્ગો ચલાવાતા હતા. એ સમયે શાળામાં કુલ ૭૫ જેટલા વિદ્યાર્થી બેસતા હતા. જેમાં પાંચ, છ અને સાત ધોરણમાં વધુ વિદ્યાર્થી અભ્યાસ કરવા આવતા હતા. જો કે, હવે લોકશાહી દેશમાં પ્રાથમિક શાળા નવા રૂપ અને રંગમાં જોવા મળી રહી છે. ઘમણાદ પ્રાથમિક શાળાએ કરવટ બદલી છે. ઘમણાદના વિદ્યાર્થીઓ હવે વિજ્ઞાન મેળો હોય કે રમતગમત, જિલ્લામાં ત્રણ વર્ષ પહેલાં ડંકો વગાડ્યો હતો. શાળાના આચાર્ય દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, આજુબાજુનાં ગામના વિદ્યાર્થી હવે ઘમણાદ પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવે એ જ અમારો સંતોષ છે. શિક્ષણ સાથે ઈત્તર પ્રવૃત્તિ કરવામાં અમારી પ્રાથમિક શાળા કોઈ કસર છોડતી નથી.

ઘમણાદ ગામમાં ૧૫ જેટલાં ફળિયામાં રહેતા રહીશો માટે સરકાર કે ગામના વિકાસની વાતો હોય ત્યારે આખા ગામમાં સાદ પડાવવાનો રિવાજ હવે બદલાઈ ગયો. હવે ગામમાં સાદ પડાવવાની જગ્યાએ ફળિયે ફળિયે ૨૦ માઈકો બાંધ્યાં છે. જે ગ્રામ પંચાયતમાંથી માઈક્રોફોન પર વાત કરે એટલે આખા ગામમાં વાત વહેતી થઇ જાય. ઘમણાદ ગામે સિનિયર સિટિજન અને નવી પઢી માટે અદ્યતન લાઇબ્રેરી બનાવી છે. સિનિયર સિટિઝનને ગામડામાં સમય કાઢવા અને નવી પ્રવૃત્તિ જાણવાનો ઊમળકો હોય છે. તેમજ નવી પેઢીને દેશ અને દુનિયાની હકીકતથી માહિતગાર હોય. નવલકથા, આત્મકથા સહિતની બુકો વાંચવાનું ગમતું હોય એ માટે એસીયુક્ત સ્વ.સૂરજબા પરબતસિંહ રણા સાર્વજનિક પુસ્તકાલય ઘમણાદમાં ચાલે છે. આજે પણ આ પુસ્તકાલયનો ઉપયોગ કરતા હોય છે. આખા આમોદ તાલુકામાં સૌથી અગ્રેસર ઘમણાદની દૂધમંડળી પણ આવેલી છે.

ઘમણાદનો ધર્મસ્થંભ એટલે વિષ્ણુ મંદિર
હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે આખી દુનિયામાં ત્રણ મુખ્ય દેવ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ સંસારના રક્ષક અને સંરક્ષક પણ છે. ઘમણાદમાં સાત દાયકા પહેલાં ભરયુવાનીમાં મહંત પ્રયાગદાસજી મહારાજે દ્રઢ સંકલ્પ કર્યો હતો કે, જ્યાં સુધી વિષ્ણુ ભગવાનના મંદિરમાં પ્રતિષ્ઠા ન થાય તો અન્નત્યાગ કર્યો. કઠીન તપમાં માત્ર ફોકી અને લીંબુપાણી પ્રયાગદાસજી મહારાજે લેવાનું નક્કી કર્યું હતું. જો કે, ૧૯૫૦માં આ મંદિર બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે ગામના સગાસંબંધીઓ દ્વારા કંઈક પુણ્ય તપતું હોય એમ ફાળો લખાવતા એ સમયે રૂ.૫૫ હજાર ભંડોળ ભેગું થયું હતું. ઘણી મુશ્કેલી, વિટંબણા, અગવડો અને નાણાંની મુશ્કેલી આવી પડી. મહંત પ્રયાગદાસજીમાં પડકારોનો સામનો કરવાની વિચક્ષણ બુદ્ધિક્ષમતા હતી. આવા પડકારોમાંથી રસ્તો કાઢી દાન ઉઘરાવી લેતા હતા. એક સમયે આર્થિક કટોકટીમાં ગ્રામજનોની એક બેઠક બોલાવી વિકટ સ્થિતિની વાત કહી હતી. ગામના ખેડૂતોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા માટે પાંચ મણ કપાસમાંથી એક મણની આવક વિષ્ણુ ભગવાનના મંદિર માટે આપવાનું નક્કી કર્યું. પાંચ વર્ષ સુધી કપાસની ખેતીમાંથી પાક ઉત્પાદનથી દાનનો પ્રવાહ અવિરત ચાલતો રહ્યો. સાથે ગામના નોધારા અને ગરીબ પરિવારજનો પણ મંદિરના બાંધકામમાં જાત મહેનત જિંદાબાદની જેમ લેબર વેતન લીધા વગર મજૂરીકામ સુપેરે કર્યું. ૩૦ ફૂટ ઊંડો મંદિરનો પાયો નાંખતાં પાણીનું ઝરણું આવી ગયું ત્યાં સુધી ખોદકામ કર્યું હતું. મંદિરના પથ્થરો રાજુલાથી પાલેજ સુધી લાવી ટ્રકો ભરી ઘમણાદ ગામમાં લઇ આવતા હતા. મંદિરમાં શિલ્પી પણ રોજનો માત્ર રૂ.5 મજૂરી લેતાં તેની સાથેના સહયોગીએ પણ રૂ.૨.૫૦ રોજની મજૂરી લીધી હતી. આખરે કઠોર પરિશ્રમ બાદ એ સમયે માંડ અઢી લાખમાં ૧૪ વર્ષે મંદિરે આકાર લીધો હતો. મંદિરનું કામ પૂર્ણ થતાં જ વિષ્ણુ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વૈશાખ સુદ આઠમ ને સોમવારે તા.૬-૫-૧૯૬૮થી ત્રણ દિવસ માટે વૈદિક વિધિ પ્રમાણે પંડિતો દ્વારા પાઠ કરવામાં આવ્યો હતો.

આખરે ઘમણાદ ગામે માંડ ઝોળી લઈ આવેલા ફકીરી મહંત પ્રયાગદાસ રામસહાયદાસ મહારાજે મંદિર અને પ્રાણપ્રતિષ્ઠા બાદ ૧૪ વર્ષે અન્નનો દાણો મોંમાં મૂક્યો હતો. મંદિર તો બની ગયું, પણ તેના સંચાલન માટે પ્રયાગદાસ મહારાજ માત્ર ફકીરી મહંત હતા. તેમનો કોઈ વારસ ન હતો. એ માટે તા.૧૬-૮-૧૯૭૩માં ગ્રામજનોની સભા બોલાવી મંદિરની તમામ પ્રોપર્ટી અને તેના સંચાલન માટે ગામના પાંચ ટ્રસ્ટીની નિમણૂક કરી હતી. અને માત્ર ચાર દિવસ બાદ મહંત પ્રયાગદાસ મહારાજનો દેહવિલય થયો હતો. આ મંદિરમાં હવે પ્રયાગદાસ કિર્તન હોલ રૂ.૩૦ લાખના ખર્ચે બનાવાયો છે. ઘણા રાજકીય નેતાઓએ ખૂબ સહકાર આપ્યો છે. આજે આ ટ્રસ્ટના પ્રમુખ તરીકે ડો.પ્રવીણસિંહ રાઉલજી તરીકે નિમણૂક કરી છે. રામજી મંદિર અને વિષ્ણુ નિર્માણ મંદિર ટ્રસ્ટનાં અવિરત ૪૮ વર્ષથી ખજાનચી એવા ૭૫ વર્ષીય જયસિંહ રાયસિંહ રાજ કહે છે કે, આજે પણ ઘમણાદ અને સીમરથા ગામે આ મંદિર માટે ૪૫ વીઘાં જમીન આવેલી છે. મંદિરની ૭ દુકાનમાં ગામડાનું સામાન્ય ભાડું મળતું હોય છે. છતાં દાનવીરોને કારણે મંદિરોનો ખર્ચ નીકળે છે. ખાસ તો અમને એ વાતનો સંતોષ છે કે માત્ર વિષ્ણુ ભગવાન મંદિર ઘમણાદ ગામે આવ્યું એ અમારું સદભાગ્ય કહેવાય.

ઘમણાદ ગામમાં સુવિધામાં શું ખૂટે છે
૧) પ્રવેશદ્વાર
૨)સીસીટીવી કેમેરા
૩)હાઈસ્કૂલ
૪)આરોગ્ય પેટા કેન્દ્ર
૫)ક્રિકેટ ગ્રાઉન્ડ

એગ્રીકલ્ચરથી ઔદ્યોગિક વસાહત ન આવી
આમોદથી પૂર્વ ભાગમાં ૧૨ કિલોમીટર દૂર ઘમણાદ ખેતી પર નિર્ભર છે. દિવસે ને દિવસે ખેતીને મોંઘવારીનો અસહ્ય માર ખાવાનો વારો આવે છે. તેમાં પણ આ વખતે કપાસ સહિતના પાકો રોગને કારણે નામશેષ થઇ ગયા છે. ત્યારે ખેડૂત લાચાર બની ગયા છે. ખેડૂતના માથે દેવાના ડુંગર સિવાય કંઈ આવતું નથી. ઘરસંસાર, સામાજિક ખર્ચા સહિત પોતાનાં બાળકોના અભ્યાસનો ખર્ચનો આધાર માત્ર ખેતી છે, ત્યારે કફોડી હાલત થઇ જાય. માત્ર એક ક્ષેત્ર પર જીવવું અત્યંત અસહ્ય હોય. અને આવકનાં સાધનો ન મળે. ભૂતકાળમાં જો એગ્રીકલ્ચરની લાગણી ઊભી ન કરી હોત તો આ વિસ્તાર પણ જીઆઈડીસીથી ધમધમતો હોત એ વાસ્તવિકતા છે. આજે ઘમણાદના ૭૦થી ૮૦ યુવાન નોકરી માટે છેક ૪૫ કિલોમીટર દૂર દહેજ જીઆઈડીસીમાં જાય છે.

ઘમણાદ ગ્રામ પંચાયતની ટીમ
1)નીરૂબેન વિનુભાઈ પંચાલ-સરપંચ
૨)ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ રાજ- ડેપ્યુટી સરપંચ
૩)રેખાબેન જીવણભાઈ વસાવા-સભ્ય
૪)ધર્મેન્દ્રભાઈ ચંદુભાઈ રાઠોડ-સભ્ય
૫)ગોકુળભાઈ પુનાભાઈ વસાવા-સભ્ય
૬)વિશાલભાઈ દિનેશભાઈ દરજી-સભ્ય
૭)અંકિતાબેન મોનીલભાઈ પટેલ-સભ્ય
૮)કપીલાનેન છત્રસિંહ ગોહિલ-સભ્ય
૯)દેવબેન શિવસિંહ રાજ-સભ્ય
૧૦)ઇકબાલભાઈ ઉમરજીભાઈ પટેલ-તલાટી કમ મંત્રી

ઘમણાદમાં સેવાના હામી ડો.પ્રવીણસિંહ રાઉલજી
ઘમણાદ ગામમાં ‘ડો.રાઉલજી સાહેબ’નું નામ સેવાભાવી તરીકે જાણીતું. ૬૮ વર્ષીય ડો.પ્રવીણસિંહ ખુમાનસિંહ રાઉલજી મૂળ આણંદ જિલ્લાના ભાલેજના વતની છે. ૧૯૭૫ની સાલમાં ઘમણાદ ગામે લગ્ન કર્યા બાદ રહેવા માટે આવ્યા હતા. આજે પણ સરભાણ અને ઘમણાદમાં તેમનું ક્લિનિક ચાલે છે. જાહેર જીવનમાં ઘમણાદ આવતાની સાથે જ શરૂઆત થઇ ગઈ હતી. રાજકીય ક્ષેત્રે પણ તેમનું નામ આગળ પડતું છે. તેઓ છેલ્લી ત્રણ ટર્મથી આમોદ તાલુકા ભાજપના મહામંત્રી છે. તેમણે ભરૂચ જિલ્લા ડોક્ટર સેલના પૂર્વ કન્વીનર તરીકે પણ કામ કર્યું હતું. ધી ઘમણાદ મલ્ટિપર્પઝ કો-ઓપરેટિવ મંડળીમાં ૧૫ વર્ષ સુધી પ્રમુખ પણ રહ્યા છે. મંડળીને નાબાર્ડ યોજનામાંથી રૂ.૧૦ લાખનું નવું ગોડાઉન બનાવી તેનો વિકાસ કર્યો. તેઓ આમોદ તાલુકા કેળવણી મંડળના ટ્રસ્ટી પણ છે. હાલ આરએસએસ દ્વારા સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ પ્રદેશ કોર કમિટીના સભ્ય છે. રામજી મંદિર અને વિષ્ણુ મંદિર ટ્રસ્ટના હાલમાં પ્રમુખ બન્યા છે.
તેમના કારણે ઓએનજીસીમાં પેવર બ્લોક, સીસી રોડ ફંડ, ગામને જોડતા રોડ પર ઘણાં નાળાં તોડી રૂ.૧ કરોડના ખર્ચે નવાં નાળાં બન્યાં છે. ઘમણાદ ગામને સાંસદ મનસુખભાઈ વસાવા, અહેમદભાઈ પટેલ અને છત્રસિંહ મોરી સહિત પ્રજાના પ્રતિનિધિઓએ તેમની ગ્રાન્ટમાંથી રકમ આપી હતી. સ્વજલધારામાંથી આરઓ પ્લાન્ટ ચાલે છે. ગામડાના વિકાસની વાત આવે તો ડો.પ્રવીણસિંહ રાઉલજી આગળ રહે છે. ડો.પ્રવીણસિંહ રાઉલજી કહે છે કે, દરેકને પોતાનું ગામડું વિકસિત હોય એવી ઇચ્છા હોય છે. હજુ પણ ગામમાં કેટલાંક કામો બાકી હોય એના માટે અમારા પ્રયાસો રહેશે. હવે વિષ્ણુ મંદિરની જવાબદારી મળી છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે તમામ સુવિધાઓ ઊભી કરવાના અમારા પ્રયાસ રહેશે.

ઘમણાદનો યુવાન કંપનીમાં નોકરીને તિલાંજલિ આપી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યો
ઘમણાદના ડિપ્લોમા ઈલેક્ટ્રિકલ યુવાન હરેન્દ્રસિંહ શુરવીરસિંહ રણા દહેજ મેઘમણી કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ સ્વાસ્થ્ય સારું રહેતું ન હતું. એ બાદ દિનચર્ચા બદલતા SPNS આધારીત ઓર્ગેનિક ખેતી તરફ વળ્યો, સાથે ગીર ગાયો પાળી અદ્યતન ગૌશાળા ઊભી કરી. ૪૦ વર્ષના હરેન્દ્રસિંહ રણા આજે પંચચિકિત્સક તરીકે જોડાયેલા છે. હરેન્દ્રસિંહ પોતાની અને બીજાની મળી બાવન વીઘાં જમીનમાં ઓર્ગેનિક ખેતી કરે છે. બિયારણ, ખાતર, ટ્રેક્ટર, દવા પોતાની જ હોવાથી બાવન વીઘાં જમીનમાં તદ્દન રૂ.૧,૧૦,૦૦૦નો ઓછો ખર્ચ કરી ઓર્ગેનિક હળદર, તુવેર, ઘઉં બનાવ્યા હતા. ઓર્ગેનિક હળદરનો પાઉડર બનાવી વેચતા રૂ.૧,૭૪,૦૦૦ની આવક આવી હતી. ત્રણ વીઘાં તુવેરમાં ૧૧ ક્વિન્ટલના રૂ.૧,૪૫,૦૦૦ની આવક મળી હતી. જ્યારે બે વીઘાં જમીનમાં ઘઉં કરતાં ૧૦ ક્વિન્ટલ થતાં રૂ.૪૫,૦૦૦માં વેચાણ થયું હતું. ખાસ કરીને આ પાક રસાયણિકમુક્ત હોવાથી સ્વાદરસિયાને વાનગી જીભે ચઢી જાય. તેમણે આવનારા દિવસોમાં મઠિયા અને ઈમ્યુનિટી બુસ્ટર અશ્વગંધાનો પાક લેવાનું નક્કી કર્યું છે.

હરેન્દ્રસિંહની ગૌશાળામાં ૩૦ જેટલી ગીર ગાયો છે. તેમણે માત્ર દૂધ કે ધી બનાવવાથી પશુપાલકોને વ્યવસાય પરવડે એમ નથી. ગાયોનાં ગોબર, મૂત્રમાંથી હરેન્દ્રસિંહે જાતે ૪૮ જાતની વસ્તુઓ બનાવી છે. જેમાં સાબુ, શેમ્પુ, ધૂપબત્તી, દંતમંજન, કેશતેલ, માલીસ તેલ, આ વખતે ભરૂચ શહેરમાં હોળી વખતે એનર્જીબલ વાયરસ માટે ગૌમઈ કંડા ૫૦૦ કિલોગ્રામ આપ્યા હતા. આગામી દિવસોમાં દીવડા, સ્ટીક, સાંભરાની કપ બનાવવાના છે. આ સાથે રોજેરોજ પાંચ કિલોગ્રામ ગૌમૂત્ર અર્ક અને અનેક ઔષધી અર્ક બનાવે છે. તેમનું ગીર ગાયનું દૂધ ભરૂચ શહેરમાં ક્વોલિટી અને ક્વોન્ટેટી રાખી સવારે ૫૦થી ૫૫ લીટર દૂધ (લીટર દીઠ રૂ.૬૫) પ્રમાણે ઘરેબેઠા વેચાય છે. ગીર ગાયના ઘીની વેલ્યુ સારી હોવાથી એક કિલોગ્રામનો ભાવ રૂ.૨૦૦૦ છે. દર મહિને દસ કિલોગ્રામ વેચાતાં રૂ.૨૦,૦૦૦ની આવક આવે છે. ગાયોનું દૂધ દોહવા માટે હરેન્દ્રસિંહ રણા, તેમની પત્ની અને એક ચાકર છે. તેમજ છાણમાંથી બનતું ખાતર અને લિક્વિડ જીવામૃત પણ બનાવી પોતે જ ઉપયોગ કરતા હોય છે. તેઓ ગૌમૂત્રમાંથી ગૌ-નાઈ (ફિનાઈલ) બનાવે છે. હરેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે, સમય બદલાયો છે. હવે ખેડૂતોએ રસાયણિક ખેતી પદ્ધતિ છોડી સજીવ ખેતી તરફ વળવું જોઈએ. છેલ્લાં દસ વર્ષથી જાતે જ ઓર્ગેનિક ખેતી અને પશુપાલન કરું છે. જેથી અમારું સ્વાસ્થ્ય સારું રહે છે. પશુપાલનનું કામ કરવાથી રોજેરોજ આપણી ઈમ્યુનિટી પણ વધી જાય છે. સારી હવા, સારો ખોરાક અને રોજબરોજ દિનચર્યાથી હંમેશાં માણસ નીરોગી અને તંદુરસ્ત રહી શકે.

લોકકલ્યાણના કામો કરવા એ જ ગ્રામ પંચાયતનો ધ્યેય
ઘમણાદ ગામમાં ૧૪૨ જેટલી વિધવામાં આજે ૬૭ ટકા વિધવાને નિયમિત પેન્શન મળતાં હવે સ્વમાનભેર જિંદગી જીવે છે. આમ તો ગ્રામ પંચાયતોમાં ૬ વાગ્યાના ટકોરે નોકરિયાતો ઓફિસ બંધ કરી પોતાના ઘરે જતા રહેતા હોય છે. જ્યારે ઘમણાદ ગ્રામ પંચાયતે રાત્રે ૭ વાગ્યે પણ ખુલ્લી રાખી વીજ બિલની રકમ ભરવાની કામગીરી કરી છે. ઘમણાદના ઉત્સાહી તલાટી કમ મંત્રી ઇકબાલભાઈ પટેલ કહે છે કે, ઘમણાદ ગામના કોઈપણ ગ્રામજનોને કોઈ અગવડ ન પડવી જોઈએ એ જ અમારો ધ્યેય છે. હજુ ગામમાં સવલતો ઊભી કરવામાં અમે કોઈ કસર છોડીશું નહીં. ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રસિંહ રાજ કહે છે કે, દર વર્ષે લગભગ ૪૦થી ૪૫ લાખની ગ્રાન્ટ આવતી હોય છે. ૧૫મુ નાણાપંચ, એટીવીટી સહિતની ગ્રાન્ટો આવે છે.

ગાંધીજીના રંગે રંગાયેલા બારડોલી સ્વરાજ આશ્રમના સ્વાતંત્ર્યસેનાની ઉત્તમચંદ શાહનું માદરે વતન ઘમણાદ
બારડોલી સ્વરાજ આશ્રમના સ્વાતંત્ર્યસેનાની સ્વ.ઉત્તમચંદ દીપચંદ શાહ મૂળ તો ઘમણાદ ગામના વતની. ઉત્તમચંદ, ઉત્તમચંદકાકા, ‘ઉકાકા’, ‘કાકા’, ‘દાદાજી’નું જીવનના સોમાં વર્ષે અવસાન થયું હતું. તેમના પિતા ત્રણેક પેઢીથી ખેતીના વ્યવસાય અર્થે ઘમણાદમાં વસેલા એટલે ઘમણાદ સાથે તેમનો નાતો. મૂળ તો વણિક પરિવારના નાતે કાપડનો વેપાર પણ દેશની આઝાદી પહેલા કરતા. ઘમણાદ ગામ એ સમયે તેમના પિતા દીપચંદ શાહ જમીનદાર હોવાથી ગામમાં શેઠ તરીકે ઓળખાતા. દીપચંદભાઈના ચોથા નંબરના દીકરા ઉત્તમચંદભાઈનો જન્મ તા.૧૧-૧૦-૧૮૯૯માં થયો. તેમના પિતા ને માતાએ ઓછી ઉંમરે અણધારી વિદાય લીધી. ઉત્તમચંદભાઈએ પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ કાળનું શિક્ષણ ઘમણાદ, અમદાવાદ અને મુંબઈમાં લીધું.

૧૯૨૦માં ગાંધીજીના લેખન કાર્યથી તેઓ પ્રભાવિત થયા અને ગાંધીજીના રંગે રંગાઈ ઉત્તમચંદભાઈએ ઘરે પૂછ્યા વગર વિલ્સન કોલેજ છોડી દીધી. આથી ઘરના સભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, તું ચળવળનું કાર્ય નહીં છોડે તો મિલકતમાંથી તને ભાગ નહીં મળે. ઉત્તમચંદભાઈએ પણ નિર્ભયપણે જવાબ આપ્યો કે, વડીલોપાર્જિત મિલકતમાંથી મારે કોઈ ભાગ જોઈતો નથી અને કુટુંબની મિલકતમાંથી મારો હિસ્સો હું છોડી દઉં છે. આ વાત સાંભળી પરિવારજનો સૌ દંગ થઇ ગયા હતા. ઉત્તમચંદભાઈ વર્ષ-૧૯૨૪માં બારડોલી સ્વરાજ આશ્રમમાં રહ્યા ને ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ થતાં ઐતિહાસિક સ્થળ તરીકે પ્રખ્યાત થયું. ઉત્તમચંદભાઈ રાત-દિવસ જોયા વગર દેશની આઝાદી માટે લડતા રહ્યા. ઉત્તમભાઈનાં ત્રણ સંતાન હતાં. નાનપણમાં તેમનાં દીકરી નિરંજનાબેન લોખંડી પુરુષ સરદાર પટેલની આંગળી પકડીને ચાલ્યાં હતાં. સેવાભાવી ૮૦ વર્ષીય નિરંજનાબેન કલાર્થી આજે પણ બારડોલી સ્વરાજ આશ્રમમાં રહે છે. નિરંજનાબેન કલાર્થીની એકની એક દીકરી ડો.પ્રજ્ઞાબેન પણ સેવાની સુવાસ ફેલાવી રહ્યાં છે.

સરદારની ભૂમિ બારડોલીની પૂ.મોરારિબાપુએ પણ મુલાકાત લીધી હતી અને સરદાર પટેલ રહ્યા હોય એ જગ્યાએ રહ્યા હતા

ઉત્તમચંદભાઈ શાહના નામની બુક માટે પૂ.મોરારિબાપુએ તા.૨૭-૧૧-૧૯૯૯ના રોજ શ્રદ્ધાસુમન અર્પણ જણાવ્યું હતું કે, પૂ.આદરણીય દાદા (ઉત્તમચંદભાઈ) જે રીતે અને જેટલીવાર જોયા એમાં જણાયું કે, ગાંધીસત્ય અને સત્ત્વ સાચવવા મથતું એક વ્યક્તિત્વ પૂ.ગાંધીજીની યાદ આપતું હતું. લોખંડી પુરુષ સરદારનું મનોબળ અને વિચારની પારદર્શિતા કોઈ પણને જણાઈ આવતી. આટલી મોટી ઉંમરે પણ ભજન ગાવાનો જ નહીં, ભજન જીવવાનો પણ ઉત્સાહ દેખાતો, મારી શ્રદ્ધાંજલિ અને પ્રભુ પ્રાર્થના.

Most Popular

To Top