Gujarat Main

રાજપીપળા: ગૃહમંત્રી અમિત શાહે અચાનક જંગલ સફારી પાર્ક જોવાની ઈચ્છા વ્યક્ત કરી, તંત્ર થયું દોડતું

રાજપીપળા: (Rajpipla) ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ (Statue Of Unity) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Patel) 146 મી જન્મજયંતી નિમિતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની (National Unity Day) ઉજવણી કરાઈ હતી. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ બાદ આ પ્રથમ એવો એક રાષ્ટ્રીય કાર્યક્રમ હશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત નહિ રહ્યાં હોય. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા અમિત શાહ વડોદરાથી રોડ માર્ગે 30મી ઓક્ટોબરે રાત્રે 11 વાગ્યે કેવડિયા આવી પહોંચ્યા હતા. નર્મદા જિલ્લા વહીવટ તંત્રએ એમનું સ્વાગત કર્યું હતું.

“ગૃહમંત્રી અમિત શાહે કેવડિયામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં દરેકને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા. આવો આજે આપણે સાથે મળીને આપણા પ્રેરણાદાયી લોખંડી પુરૂષ સરદાર સાહેબે બતાવેલા માર્ગને અનુસરીને અખંડ ભારતની એકતા અને સમૃદ્ધિમાં આપણું સર્વશ્રેષ્ઠ આપવાનો સંકલ્પ લઈએ.” જણાવી દઈએ કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી શનિવારે રાત્રે જ કેવડિયા પહોંચી ગયા હતા. જ્યાં ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે એકતા પરેડમાં હાજરી આપી હતી અને એકતા પરેડની સલામી ઝીલ્યા બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. 

31મી ઓક્ટોબરે 8 વાગ્યે તેઓ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ગયા હતા અને ત્યાંથી રાષ્ટ્રીય એકતા પરેડને સલામી આપવા આવી પહોંચ્યા હતા. એમનો નિયત કાર્યક્રમ એવો હતો કે પરેડ ગ્રાઉન્ડ પરથી સીધા વી.વી.આપી.પી સર્કિટ હાઉસ અને 11:30 કલાકે હેલિપેડ પરથી સીધા જ આણંદ એક કાર્યક્રમમાં હાજરી આપવા જવાના હતા. પરંતુ એકતા પરેડ પૂર્ણ થઈ અને અમિત શાહ કેવડિયા વી.વી.આપી.પી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા. ત્યારે એમણે પોતાની પત્ની સાથે અચાનક જંગલ સફારી પાર્ક જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તંત્ર પણ અચાનક દોડતું થયું હતું.

અમિત શાહ જંગલ સફારી પાર્કમાં હતા ત્યાં સુધી અન્ય પ્રવાસીઓને જવા ન દેવાયા
ગુજરાત પોલીસે કેવડિયા વીવીઆઇપી સર્કિટ હાઉસથી જંગલ સફારી વચ્ચેના માર્ગમાં વાહનોની અવર જવર પર રોક લગાવી દીધી હતી, પોલિસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો તો બીજી બાજુ ડોગ સ્ક્વોડે સુરક્ષાને લગતી તમામ બાબતો ચકાસ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ પોતાની પત્ની સાથે જંગલ સફારી પાર્ક જોવા ગયા હતા. જ્યાં સુધી અમિત શાહ જંગલ સફારી પાર્ક પરથી રવાના ન્હોતા થયા ત્યાં સુધી અન્ય પ્રવાસીઓને ત્યાંથી પસાર થવા પર મનાઈ ફરમાવાઈ હતી, જેથી અમુક પ્રવાસીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો.

Most Popular

To Top