Gujarat

અમદાવાદ: ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં દાદા – પાટીલ એકજ મંચ પર, 1500 માટી કળશ દિલ્હી મોકલાશે

ગાંધીનગર: અમદાવાદમાં (Ahmedabad) રિવરફ્રન્ટ પર સાંજે યોજાયેલા ‘મારી માટી, મારો દેશ’ (Meri Maati Mera Desh) અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ (Amrit Kalash Mahotsav) કાર્યક્રમના એકજ મંચ પર સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તથા પ્રદેશ ભાજપાના અધ્યક્ષ સી આર પાટીલે (C R Patil) એકજ મંચ પર જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અમૃત કળશ મહોત્સવ પ્રસંગે જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી વિકાસ પામ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ગયા વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરીને અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ.

‘મારી માટી, મારો દેશ’ અભિયાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ કહયું હતું કે, ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અન્વયે કુલ 29,925 વીરો, વીરંગનાઓ અને તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું છે. 21 લાખ જેટલા નાગરિકો અનોખી રાષ્ટ્રભાવના સાથે ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયા. રાજ્યભરમાંથી ગામે ગામથી માટી અને ચોખા એકત્રિત કરીને 15,000 જેટલા કળશ દિલ્હી ખાતે મોકલવામાં આવનાર છે, જે નિર્માણ પામનાર અમૃતવાટિકામાં ગુજરાતની અસ્મિતાને ધબકતી રાખશે. આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવેલા પાંચ સંકલ્પો સાથે રાખીને પોતાના કર્તવ્યપાલન થકી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવા મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને વિનંતી કરી હતી.

પ્રદેશ ભાજપાના અધ્યક્ષ સી.આર.પાટીલે અમૃત કળશ મહોત્સવ પ્રસંગે જણાવ્યું હતું કે, અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાનના કારણે આપણને મળેલી મહામૂલી આઝાદી માટે શહાદત વહોરનાર દરેક વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા પીએમ નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આમ, આ માતૃભૂમિને નમન કરવાના અને દેશના સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાના આ અભિયાન થકી જન-જનમાં રાષ્ટ્રભાવના વધુ સબળ બની છે. આ અભિયાન અંતર્ગત રાષ્ટ્રના રક્ષક વીરોનું સન્માન કરવામાં આવ્યું અને ગ્રામ્ય, પંચાયત, તાલુકા, શહેરી, સ્થાનિક સંસ્થા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન થકી આઝાદી કા અમૃત મહોત્સવની સાર્થક ઉજવણી કરવામાં આવશે. હવે દેશના ખૂણે ખૂણેથી માટીના કળશ દિલ્હી ખાતે લઇ જવામાં આવશે. દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક કળશ મારફતે ભેગી થયેલી માટીથી અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે. આમ, પીએમ મોદીના સંકલ્પથી નિર્માણ પામનાર અમૃત વાટીકા ‘એક ભારત,શ્રેષ્ઠ ભારત’નું પ્રતિક બનશે એવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.

Most Popular

To Top