SURAT

‘આપ’ ના કોર્પોરેટરો જાહેરમાં બાખડ્યા, ફોટો જ પડાવવા આવો છો કહી એક બીજા પર આક્ષેપો

surat : કોવિડ આઈસોલેશન સેન્ટર ( covid isolation centre) માં જ આપ ( aap) ના કોર્પોરેટરો એકબીજા સાથે બાખડી પડ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા ( social media) માં વાયરલ થયો છે. કાપોદ્રા વોર્ડ નં. 4 ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા તેમજ કુંદન કોઠીયા વચ્ચે આઈસોલેશન સેન્ટરમાં કામગીરી બાબતે ઝઘડો કરી રહ્યા હોવાનો વીડિયો છે. જેમાં તેઓ એકબીજા સાથે રીતસર તું-તાં થી વાત કરી રહ્યાં છે.


પ્રાપ્ત વિગતો મુજબ, કાપોદ્રામાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરેલા આઇશોલેશન સેન્ટરમાં કામગીરી બાબતે બંને કોર્પોરેટરો લડી પડ્યા હતાં. ઘનશ્યામ મકવાણાએ કુંદન કોઠિયા પર આક્ષેપ કર્યો હતો કે, તેઓ માત્ર ફોટા પડાવવા માટે અહીં આવે છે અને તેથી તેમણે આઇસોલેશન સેન્ટરમાંથી નીકળી જવા માટે સંભળાવી દીધું હતું. જેના જવાબમાં કુંદન કોઠિયાએ જણાવ્યું હતું કે, તું મને કાઢવાવાળો કોણ છે? હું તારી પથારી ફેરવી નાખીશ. આપના કોર્પોરેટરો અંદરોઅંદર આ રીતે લડી પડતા, હાજર સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા હતા. બંને કોર્પોરેટરોએ નિમ્નકક્ષાની ભાષામાં એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જ્યારથી ચૂંટાઇને આવ્યા છે ત્યારથી લાઈમલાઈટમાં જોવા મળી રહ્યા છે. પરંતુ હવે આપના જ નગરસેવકો એકબીજા સાથે આ રીતે ઝઘડી પડ્યા હોવાની પ્રથમ ઘટના બની છે.


વીડિયોમાં હું જ છું, પણ તેમાં મોર્ફિંગ કરવામાં આવ્યું છે, બનાવટી વીડિયો કરનાર સામે કાયદાકીય પગલા લેવાશે: ઘનશ્યામ મકવાણા
આપના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ વીડિયો અંગે જણાવ્યું હતું કે, અમે લોકોની સેવાની કામગીરી સાથે જોડાયા છીએ. એટલે આઈસોલેશન સેન્ટરમાં અવારનવાર જતા હોઈએ છીએ. પરંતુ જે રીતે વીડિયોમાં બતાવાયું છે તે મોર્ફિંગ કરાયું છે. કુંદનબેન તો છેલ્લા 2 દિવસથી શહેરમાં છે જ નથી. કોઈએ પાર્ટીને બદનામ કરવા માટે આ રીતનું કૃત્ય કર્યુ છે. એ અંગે અમારા દ્વારા ચેકીંગ કરાવવામાં આવી રહ્યું છે. જે કોઈએ આવું કર્યુ છે તેની સામે કાયદેસરના પગલા લેવા માટેની કાર્યવાહી કરીશું.

Most Popular

To Top