SURAT

પતિથી અલગ રહેતી પત્ની જો કમાતી હોય તો તેને ભરણપોષણ મળી શકે નહીં

સુરત: મહિલા પોતાનો જીવન નિર્વાહ કરી શકે એટલી આવક મેળવતી હોય અને પોતાની મરજીથી અલગ રહેતી હોય તો તે ભરણ-પોષણ મેળવવા હક્કદાર નથી, એવું કોર્ટે નોંધીને કોર્ટે મહિલાની ખોરાકી મેળવવાની અરજી નામંજૂર કરી દીધી છે.

  • પતિથી અલગ રહેતી મહિલા જીવન નિર્વાહ જેટલું કમાતી હોય તો ભરણપોષણની હકદાર નથી: સુરતની કોર્ટે ખાધાખોરાકની અરજી રદ કરી

કેસની વિગત એવી છે કે સુરતમાં રહેતી મુનમુન (નામ બદલ્યું છે)ના લગ્ન નવેમ્બર 2008માં કોલકાતામાં રહેતા અભિષેક (નામ બદલ્યું છે) સાથે થયા હતા. પહેલા પતિથી ડિવોર્સ લઈને અભિષેકને જાણ કરીને વિશ્વાસમાં લઈને તેની સાથે બીજા લગ્ન કર્યા હતા.

મુનમુન લગ્નના થોડા સમય સારી રીતે રહ્યા બાદ નાની-નાની વાતે ઝગડો કરવા લાગી હતી. લગ્ન બાદ તે પતિ સાથે રહેવા માંગતી ન હોવાથી પતિને કાંઈ પણ કહ્યા વગર ઘરેથી જતી રહેતી હતી. છેવટે બંનેએ મરજીથી ડિવોર્સ લીધા હતા. ત્યારબાદ મુનમુને પતિ વિરુદ્ધ ભરણ-પોષણ મેળવવા સુરતની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.

તેણે દલીલ કરી હતી કે તેની પાસે આવકનું કોઈ સાધન નથી. સામાવાળા પતિ અભિષેક તરફે એડવોકેટ સોનલ એમ. શર્માએ દલીલ કરી હતી કે મુનમુન લગ્ન પહેલા પણ પોતાના પરિવારથી અલગ રહીને નોકરી કરતી હતી અને હાલમાં પણ તે નોકરી કરે છે. આમ પત્ની પોતાની મરજીથી અલગ રહે અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે એટલી આવક મેળવે છે.

કોર્ટે એડવોકેટ સોનલ એમ. શર્માની દલીલો ગ્રાહ્ય રાખીને પત્ની અલગ રહેતી હોય અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે એટલી આવક મેળવતી હોય ત્યારે તે ભરણ-પોષણ મેળવવા હક્કદાર નથી એવું નોંધીને મુનમુનની પતિ પાસેથી ભરણ-પોષણ મેળવવાની અરજી રદ કરી છે.

Most Popular

To Top