SURAT

પોલીસને કાયદો શીખવાડનાર એડવોકેટ મેહુલ બોઘરાનો વીડિયો થયો વાયરલ, કાર પર મોટા અક્ષરોમાં લખ્યું…

સુરત(Surat): શહેરના વરાછા (Varacha) વિસ્તારમાં પોલીસ (Police) સાથે ઘર્ષણમાં ઉતરી કાયદો શીખવવા માટે જાણીતા યુવાન એડવોકેટ મેહુલ બોઘરાનો (AdvocateMehulBoghra) એક વીડિયો સોશિયલ મીડિયામાં (SocialMedia) ઝડપથી વાયરલ (ViralVideo) થઈ રહ્યો છે. રસ્તા પર ઉતરી પોલીસને કાયદાનું ભાન કરાવનાર મેહુલ બોઘરા જ નિયમોનું પાલન ન કરતાં હોવાા તરફ આ વીડિયોમાં અંગૂલીનિર્દેશ કરવામાં આવ્યો છે.

જે વીડિયો વાયરલ થયો છે તેમાં એડવોકેટ મેહુલ બોઘરા એક કારની અંદર બેઠેલા નજરે પડે છે. તેઓએ સીટ બેલ્ટ બાંધ્યો નથી. વળી, તેમની કારના બોનેટ પર મોટા અક્ષરોમાં એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ લખ્યું છે. કાયદા મુજબ કારમાં મુસાફરી કરનારાઓએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે, પરંતુ વાયરલ થયેલા વીડિયોમાં બોઘરાએ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોવાનું દેખાઈ રહ્યું છે.

તે ઉપરાંત ખાનગી વાહનો પર પોલીસ, એડવોકેટ એવું લખાવવું ગેરકાયદે છે. તેમ છતાં બોઘરાએ મોટા અક્ષરોમાં હોદ્દાને દર્શાવતું લખાણ કાર પર લખ્યું હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. વીડિયો રેકોર્ડ કરનારે પણ મેહુલ બોઘરાને કાયદાનો પાઠ શીખવવાના ઈરાદાસર આ વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું લાગી રહ્યું છે.

આ મામલે કોઈ ફરિયાદ થઈ હોવાનું બહાર આવ્યું નથી. જોકે, પોલીસને રસ્તા પર રોકી કાયદાનો પાઠ શીખવવા માટે પ્રખ્યાત મેહુલ બોઘરાના વીડિયો રેકોર્ડ કરી તેમને પણ કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે.

રવિવારે મેહુલ બોઘરા અને પોલીસકર્મી રસ્તા પર બાખડ્યા હતા
મેહુલ બોઘરા પોલીસની ભૂલોના વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર લાઈવ કરવા માટે જાણીતા છે. ગયા રવિવારે તા. 25 ફેબ્રુઆરીના રોજ પરવટ પાટિયા ટ્રાફિક વિભાગની સેમી સર્કલ ઓફિસ પાસે બીઆરટીએસ રૂટમાં એએસઆઇ વાલજી હડીયાની કાળા કલરની કાચવાળી કારને લઇ એડવોકેટ મેહુલ બોઘરાએ વિડીયો ઉતારવાનું શરૂ કરતા આ મામલે વાલજી હડીયા અને મેહુલ બોઘરા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. જેથી મેહુલ બોઘરા ટોળા સાથે પુણા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો, જ્યાં બંને પક્ષોની સામ-સામે ફરીયાદ નોંધવામાં આવી હતી.

Most Popular

To Top