Vadodara

રૂ.46 લાખનો કુલ 29 હજાર કિલોથી વધુનોશંકાસ્પદ મીઠાઈમા વપરાતો અખાદ્ય જથ્થો જપ્ત

વડોદરા: શહેર વિસ્તારમાં આગામી દિવાળી તહેવારને અનુલક્ષીને જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઈ અગાઉથી જ મ્યુનિસિપલ કમિશનરની સૂચનાઓ આધારે ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ટીમો બનાવી બરફી, ડિલીશીયસ સ્વીટ, મીઠા માવા, માવો, હલવો વગેરેનું વેચાણ કરતી દુકાનો તેમજ કોલ્ડ સ્ટોરેજોમાં ઇન્સ્પેકશનની કામગીરી ક૨વામાં આવી હતી. ખોરાક શાખાની ટીમ દ્વારા છાણી વિસ્તારમાં આવેલા ભૂલચંદ એન્ડ કંપની , કેર ઓફ પ્રકાશ આઇસ એન્ડ કોલ્ડ સ્ટોરેજમાંથી બરફીનાં 3 નમૂના લઇ રૂપિયા 27,35,280ની કિંમતનો કુલ 18,864 કિલોગ્રામ જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો.

તેમજ બાલાજી ડિલીસીયસ સ્વીટનાં 5 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 11,06,640ની કિંમતનો કુલ 7,632 કિલોગ્રામ શંકાસ્પદ બાલાજી ડિલીસીયસ સ્વીટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ સમા વિસ્તારમાં આવેલ જય ભોલે દુગ્ધાલયમાંથી પનીર, મીઠો માવો, ગાયનો માવના 3 નમૂના લઇ 1,53,900ની કિંમતનો કુલ 519.80 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો. જ્યારે ગતરોજ ખોરાક શાખાનાં ફૂડ સેફ્ટી ઓફીસરો દ્વારા ચોખંડી વિસ્તારમાં આવેલ એમ.એસ.માવાવાળાને ત્યાંથી માવો અને મીઠો માવના 6 નમૂના જેની કુલ કિંમત રૂપિયા 3,80,240નો કુલ 1,358 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. રાજમહેલ રોડ પર આવેલ ગોપાલ માવાવાળાને ત્યાંથી માવો, ડિલીસીયસ સ્વીટ ( ક્રિષ્ના) તેમજ હલવો(ક્રિષ્ના)નાં 3 નમૂના જેની કુલ કિંમત રૂપિયા 2,31,764નો કુલ 1,115.80 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

આમ શહેરનાં જુદા-જુદા વિસ્તારો માંથી બરફી, ડિશીશીયસ સ્વીટ, મીઠા માવા, માવો, હલવો વગેરેના 17 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા.જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમજ કુલ રૂપિયા46,07,824ની કિંમતનો કુલ 29,528 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષની સૂચના આધારે 4 થી 5 દિવસમાં રીપોર્ટ મળી જાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

Most Popular

To Top