Charchapatra

વિચારણીય વાત

હમણાં 25 મી તારીખે ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર થયું. વાલીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ ટ્યુશન કલાસવાલા બધા ખુશ ખુશ થઈ ગયા.પણ પરિણામ તપાસતાં વાસ્તવિક આંકડા દુઃખદાયક છે.

ગુજરાતમાં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠાં હતાં.પરીક્ષામાં 64.22 પાસ થયાં.સૌથી વધુ સુરત અને સૌથી ઓછું દાહોદ જિલ્લાનું પરિણામ આવ્યું છે.100 ટકા પરિણામવાલી શાળાઓ 200 ઉપર હશે. આટલા બધા વિદ્યાર્થીઓ પછી ક્યાં ખોવાઈ જાય છે એ અલગ ચર્ચાનો વિષય છે.

સૌથી શરમજનક વાત છે કે 157 જેટલી શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે અને આપણા માટે ડૂબી મરવા જેવી વાત છે કે માતૃભાષા ગુજરાતીમાં 96 હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. દર વરસે આવી જ રીતે વિદ્યાર્થીઓ આટલી મોટી સંખ્યામાં નાપાસ થાય જ છે, છતાં કંઈ જ ફરક પડતો નથી.કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. કોઈ ગુજરાતી માતૃભાષા પર ધ્યાન આપતું જ નથી. ના, વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પાસ થવું છે ના શિક્ષકોને માતૃભાષા ભણાવવી છે ના શાળા સંચાલકોને માતૃભાષામાં રસ છે.

ગુજરાતમાં ગુજરાતી ભાષા માતૃભાષા સાથે  આ ઓરમાયું સાવકી મા જેવું વર્તન ક્યાં સુધી કરીશું ? માતૃભાષા વગર ક્યાં સુધી વિદ્યાર્થીઓ પાસ નાપાસ થયા કરશે ?  આપણે વાલીઓ શિક્ષકો શાળા કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓ ક્યારે માતૃભાષાને ગંભીરતાથી લઈશું? 1 .96 હજાર વિદ્યાર્થીઓ બેઝીક ગણિતમાં નાપાસ થયા છે બોલો ગુજરાતમાં વિદ્યાર્થીઓ ગણિત અને ગુજરાતી ભણતા જ નથી.પરીક્ષાના પેપર તપાસનાર શિક્ષકોની ઘટ પણ દર વરસે ઊડીને આંખે વળગે છે.  ગુજરાતનું શિક્ષણ આવું કેમ? એ હકીકત પહેલાં સ્વીકારી લો કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે.

ચોખ્ખું દેખાઈ આવે છે એના માટે જવાબદાર કોણ? વિદ્યાર્થીઓ  વાલીઓ શિક્ષકો સમાજ ? આ વિચારણીય વાત છે કોણ વિચારશે? આમ થવાનાં ઘણાં કારણો હશે.  આ ખૂબ જ ગહન મનન ચિંતન માંગતી વાત છે  બધા એકબીજા પર આરોપ ક્યાં સુધી લગાવ્યા કરશે ? ઉકેલ કોણ બતાવશે? વિદ્યાર્થીઓ મોબાઇલમાં વ્યસ્ત છે એ વાત સાચી છે પણ શિક્ષકો કેમ ભણાવતા નથી?  સરકાર શિક્ષકોની ભરતી કરતી નથી. વિદ્યા સહાયકોથી કામ ચલાવી લે છે પછી શિક્ષણમાં ભલીવાર ક્યાંથી આવે? 10 મા ધોરણમાં ભણતા 96 હજાર વિદ્યાર્થીઓ નાપાસ થાય અને કોઈના પેટનું પાણી પણ હલે નહીં.  આ ચમત્કાર દર વરસે ગુજરાતમાં થાય છે અને આપણે ગુજરાતીઓ ધન્ય ધન્ય  થઈ જઈએ છીએ.
સુરત -અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top