Charchapatra

આળસ અને આધુનિક સમય

જયારથી ઉચ્ચ શિક્ષણ લઇ નોકરી કરવા માંડી છે તેમાં આળસુ યુવતીઓએ જંકફુડને દાખલ કર્યો છે. વિદેશ સાથે તો સરખામણી થાય જ નહીં કારણ ત્યાં જંકફુડે વર્ષો પહેલાંથી સ્થાન લીધું છે. ઉંમર થઇ ગઇ હોવા છતાં ઘરની વહુ નોકરી કરતી હોય તો સાસુ રસોડું સંભાળી દાળ, ભાત, શાક, રોટલી વગેરે બનાવી ખવડાવે છે તે ઘરમાં જંક ફુડનું ચલણ ઓછા પ્રમાણમાં છે છતાં શાળાએ જતાં બાળકો માટે દાદી કોઇ નાસ્તો ડબ્બામાં આપતા હોય ત્યાં બાળકો થોડા ઘણાં જંકફૂડથી બચેલાં હોય છે. છતાં શાળામાં બીજાં બાળકોની દેખાદેખીમાં સમોસા, ચોકલેટ વગેરેમાં તો સપડાય જ છે. યુવાન માતા પિતા જ નોકરીના સ્થળે લારી ગલ્લા પર ખાતાં હોય ત્યાં બાળકોની તો વાત જ ન થાય. ટી.વી. પણ જંકફુડી જાહેરાતો આપી જીવનમાં ઘણો ભાગ ભજવે છે. જંકફુડમાં પાંઉભાજી તથા પાંઉ વડા સામાન્ય દરેક જગ્યાએ મળતા હોય છે. પાસ્તા નામના જંકફૂડનું ચલણ પણ પોતાનું સ્થાન ભોગવે છે. દાદા દાદી વગરના ઘરમાં તો સાંજનું જમણ હોતું જ નથી. રાત્રીના ભોજનમાં જંક ફુડ અગ્રસ્થાન ભજવે છે.

 યુવાન દંપતી નોકરીએથી આવતાં પહેલાં ફ્રીઝમાં ચોકલેટ યા અન્ય જંક ફુડના પેકેટ મૂકી જાય છે અને શાળાએથી આવ્યા પછી બાળકો ફ્રીઝમાં રાખેલ જંક ફુડ આરામથી આરોગે છે. ચીઝ, પનીર પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ તેને પણ આધુનિક કુટુંબો અગ્રસ્થાન આપે છે.  બ્રેડ બટર અને પનીર, ચીઝની વાનગીઓ આધુનિક આળસુ યુવતીઓ ભરી રાખે છે. આજે જંક ફુડ લાકડામાં ઘૂસી ગયેલી ઉધઇની જેમ એટલો ઘર કરી ગયો છે કે એનો કોઇ ઉપાય થઇ શકે એમ નથી. આ બધી બદીઓ કોણ કાઢી શકે? વિચારો અને આધુનિક બાળકોને બચાવવાનો કોઇ ઉપાય શોધો.
પોંડીચેરી – ડો. કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શૈશવ સંસ્કાર
હાલમાં શાળા કે કોલેજમાં અભ્યાસ કરતાં બાળકોને પૂછવામાં આવે કે કોઇ પણ શ્લોક બોલો. તો તેઓ પાંચ શ્લોક પણ સરખી રીતે બોલી કે લખી શકતાં નથી. વેદ, પુરાણ, ધર્મ પુસ્તક કે શ્લોક વિશે પૂછતાં તેઓની પાસેથી સ્પષ્ટ ઉત્તર મળતા નથી. આના માટે જવાબદાર કોણ? આપણે પોતે તો જવાબદાર નથી ને!? વેકેશનમાં જયારે સમર કેમ્પની ફેશન ચાલી રહી છે ત્યારે જો બાળકોને માતા પિતા કે વડીલો દ્વારા વેદ, પુરાણ, શ્લોક વિશે જ્ઞાન આપવામાં આવે તો બાળકોને ધાર્મિક જ્ઞાન મળે છે. જો બાળકોમાં જરૂરી ધાર્મિક જ્ઞાન હશે તો બાળકમાં આપોઆપ પડકારોનો સામનો કઇ રીતે કરવો, નિષ્ફળતાને પચાવવી, સહકાર, દયા, પ્રેમ, કરુણા વગેરે જેવા ગુણોનો વિકાસ થશે.
અડોલ   – દિવ્યા એ. પટેલ

Most Popular

To Top